________________
પેલા છોકરાઓ ચોક્કસ ખોટા હોઈ શકે છે, પણ પોતે જાત પર કાબૂ કેવી રીતે ગુમાવી શકે?
રૂપને પોતાના ગુસ્સાનું મૂળ તો ન જડ્યું પણ તેને એ સમજાયું કે રોષ ઊતરી જાય પછી, પોતે શાંત પડે ત્યારે પોતાને જ અકળામણ થતી હતી.
હું આટલો રોષે કેમ ભરાયો ? મારી પ્રતિક્રિયા યોગ્ય હતી કે માત્ર રોષને કારણે હતી? અંદર ભરાયેલા આટલા બધા રોષને મારે કેવી રીતે સંભાળવો ?
રૂપને આ સવાલોનો જવાબ તો ન મળ્યો પણ એ સમજાઈ ગયું કે પોતે પોતાના જ ગુસ્સાની તગતગતી આંખોમાં આંખો નાખીને જોઈ રહ્યો હતો. ભલે તેણે એ છોકરીને ખેપાની છોકરાઓના હાથમાંથી બચાવી પણ સાથે એને સમજાયું કે ગુસ્સો નબળાઈ છે, કોઈ તાકત નથી. જેમ તેણે પોતાના ભય પર કાબૂ કર્યો હતો એમ જ હવે તેણે પોતાના રોષ પર પણ કાબૂ કરવાનો હતો.
✩ ✩
રૂપની પ્રાથમિક માન્યતાઓ તેના પિતાની ધાર્મિક લાગણીઓ અને આચરણનું અવલોકન કરતાં આકાર પામી હતી. કોઈ પણ કિશો૨ યુવકની માફક રૂપને પણ સાધુ સંતોની જિંદગી સાથે જોડાયેલા ચમત્કારોની વાતો અને તેમના અત્યંત પ્રભાવી વ્યક્તિત્વ પ્રત્યે આકર્ષણ થતું. ચમત્કાર અને જાદુ વચ્ચેની થોડી ઘણી સામ્યતાને કારણે રૂપે ઉત્સુકતા અને ઉત્સાહપૂર્વક કેટલાક લોકો પાસેથી જાદુની કેટલીક કરામતો શીખી લીધી હતી. આ કરામતોથી તે તેના મિત્રોને અચંબામાં નાખતો.
રૂપ ચૌદ વર્ષનો હતો ત્યારે એક કમનસીબ ઘટના બની. તુકમુરમાં ફુટપ્પા નામનો એક ધુતારો રહેતો હતો. તેનો દેખાવ અને વર્તન તો કોઈ બાબા જેવા હતા પણ કામકાજ ભેદી હતું. એ માત્ર નામનો સાધુ હતો. રૂપને પ્રભાવિત કરવા એક વખત ફુટપ્પાએ તેને કહ્યું, ‘તારી પાસે એક સિક્કો હોય તો મને આપ, હું તને બમણો કરી બતાડીશ.'
રૂપે ગજવામાંથી એક સિક્કો કાઢીને આપ્યો. ફુટપ્પાએ મુઠ્ઠી બંધ કરી, આંખો મીંચીને કોઈ મંત્રોચ્ચાર કર્યા. એક બે મિનિટ પછી એણે મુઠ્ઠી ખોલી તો એમાં ખરેખર એકને બદલે બે સિક્કા હતા. પૈસા તો સાચે જ બમણા થઈ ગયા હતા. રૂપ આશ્ચર્યચકિત થઈ ગયો.
રૂપે તેને કુતૂહલથી પૂછ્યું, ‘આ તમે કેવી રીતે કર્યું? મને પણ કહો, મારે પણ જાદુની આ કરામત શીખવી છે.’
યુગપુરુષ
- ૨૨