________________
૧૯૪૧માં રૂપ ગુજરાતનાં મોટા શહેર અમદાવાદ ગયો. રૂપ ત્યાં એક સ્વતંત્ર સેનાની તરીકે ગયો હતો. ત્યાંથી તે પિતાને મળવા તુમકુર ગયો. તેને ઉષાને મળવાની પણ ખૂબ ઇચ્છા હતી. ઉષા ત્યારે બેંગલૉરમાં હતી જ્યાં તેના પિતા મેડિકલ ઑફિસર તરીકે કાર્યરત હતા. જ્યારે તે તુમકુર પહોંચ્યો ત્યારે તેને માટે ત્યાં એક અગત્યનો સંદેશો રાહ જોઈ રહ્યો હતો. ઉષા પોતાના કુટુંબ સાથે રજાઓ ગાળવા કલકત્તા ગઈ હતી જ્યાં તેને એક આકરો તાવ લાગુ પડ્યો હતો. ડૉક્ટરોને મતે ઉષા મેલેરિયાનો શિકાર બની હતી. આ જાણ્યા પછી એકેય ક્ષણ બગાડ્યા વિના રૂપ કલકત્તા પહોંચ્યો. રૂપ પથારીવશ ઉષા પાસે સમયસર પહોંચ્યો તો ખરો પણ તે ઉષાની જિંદગીનો અંતિમ દિવસ હતો. તે બોલી શકે તેમ પણ નહોતી. રૂપની હાજરીમાં દેહત્યાગ કરીને ચાલી ગયેલી ઉષા સાથેની આ મુલાકાત નિઃશબ્દ રહી. રૂપ પર જાણે ફરી વાર પસ્તાળ પડી હતી.
તે ક્યાં ગઈ?
શા માટે ગઈ?
કેમ?
રૂપે પોતાની મા અને બહેનને ગુમાવ્યા ત્યારે જે ઊંડી ખોટ અને લાચારીની લાગણીઓમાં રૂપ ડૂબી ગયો હતો તેવા જ ભાવ આ વખતે સખી ગુમાવવાની ક્ષણે તેના મનમાં ઊભરાઈ આવ્યો. પોતાની માંદગી દરમિયાનના અનુભવોને પગલે રૂપને લાગતું હતું કે પોતે ફરી જન્મ્યો હતો. માનસિક સ્તરે રૂપ એક નવી અને સાવ જુદી દુનિયામાં હોવા છતાં પ્રેમનો આ તંતુ અન્ય માણસોની જિંદગીના અલગ અલગ ભાવ અને રંગો સાથે તેને જોડી રાખતો હતો. ઉષાના મૃત્યુને પગલે પ્રેમનો એ તંતુ પણ તૂટી ગયો.
શા માટે મારા પ્રિયજનો મને છોડીને ચાલ્યા જાય છે?
દર વખતે કોઈ ચાલ્યું જાય ત્યારે શા માટે હું આટલી બધી પીડા અનુભવું છું? હું
જો આપણે જેને આટલી બધી પ્રિય ગણતા હોઈએ તે વ્યક્તિ વહેલી કે મોડી ચાલી જ જવાની હોય તો સંબંધો બાંધવાની અને લાગણીઓ પોષવાનો શું અર્થ છ ?
રૂપને વૈરાગ્યનો અનુભવ થયો. દુન્યવી બાબતોથી અલગ અને પર રહેવાની લાગણી તેનામાં શ્વસતી હતી. એ હવે એવો ચાર વર્ષનો છોકરો નહોતો જેણે આકાશના તારામાં પોતાની માને શોધવાનો પ્રયત્ન કર્યો હતો. આ વખતે શોકની દુનિયામાં ફેંકાયેલા રૂપ પાસે વધારે સંકુલ અને જટિલ પ્રશ્નો હતા જેના જવાબો સરળ નહોતા.
યુગપુરુષ
- ૪૦ -