________________
સંગ્રામને કારણે તેણે જે કામ કરવાનો પ્રયાસ કર્યો હતો તે પણ એક પ્રકારની હિંસા જ હતી અને માટે જ અંગ્રેજ સૈનિકોએ તેને પહોંચાડેલી ઈજા તેને પ્રતિક્રિયા તરીકે મળી હતી.
રૂપે ફોરવર્ડ બ્લૉક છોડીને કલકત્તાના એક જૈન મંદિરમાં આશરો લીધો. આ નવી સમજણને પગલે રૂપ રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધી તરફ આકર્ષાયો, જેમને સૌ પ્રેમથી બાપુ અથવા ગાંધીજી તરીકે ઓળખતા.
રૂપ, સ્થાનિક સ્વતંત્ર સંગ્રામની એક સમિતિમાં જોડાયો. આગામી દોઢ વર્ષ સુધી તેણે ગાંધીજીના નેતૃત્વ હેઠળ અસહકારની ચળવળમાં ઝંપલાવવાનું નક્કી કર્યું. મોટા ભાગે પરોઢિયે રૂપ અને અન્ય યુવા વિદ્યાર્થીઓ શેરીઓમાં પહોંચી જતા. એક ગામેથી બીજે ગામે જઈ સભાઓ ભરી લોકો કઈ રીતે સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ ભજવી શકે છે એ સમજાવતા. તેમણે ચોપાનિયાં વહેંચ્યાં અને વિદેશી વસ્તુઓ વેચતી દુકાનોનું પિકેટિંગ કર્યું.
આખરે એક દિવસ આવ્યો જયારે રૂપનો ગાંધીજી સાથે મેળાપ થયો. રૂપ તેમની સાદગી અને સત્ય તથા અહિંસામય જીવન જીવવાના માર્ગને અપનાવવાની કટિબદ્ધતા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. બાપુ પાસેથી વધુ ને વધુ શીખવાની ધગશને પગલે રૂપે તેમને સવાલ કર્યો, “ખાસ કરીને રાજકીય જીવનમાં અહિંસા જેવો ક્રાંતિકારી વિચાર લાગુ કરવાનો વિચાર તમને કેવી રીતે આવ્યો?' ગાંધીજી સાથેની આ મુલાકાતે રૂપના મન પર ઊંડી અસર કરી. ગાંધીજીની રોજિંદી જિંદગીની સાદગી અને આત્મનિર્ભરતા જોઈને રૂપ પ્રભાવિત થયો. ખાસ કરીને જેમ ગાંધીજી પોતાનાં વસ્ત્રો જાતે જ ધોઈ નાખતા. રૂપે પણ ગાંધીજી પાસેથી એ આદત ગ્રહણ કરી લીધી અને પોતે નેવુંના થયા ત્યાં સુધી તેમણે પોતાનાં કપડાં હાથે જ ધોયાં. ગાંધીજી જે રીતે જીવતા હતા એ જોઈને રૂપ અંદરથી જાણે હલી ગયો અને તેમણે ગાંધીજીની વિચારધારાને અનુસરવાનું નક્કી કર્યું. તેમણે જોયું કે ગાંધીજી હિંદુ કે મુસ્લિમ, તવંગર કે ગરીબ, ભારતીય કે અંગ્રેજ, તમામની સાથે પ્રેમ અને કરુણાસભર, એક સરખો વહેવાર રાખતા. તેમણે ગાંધીજીને પોતાના હાથે જાજરૂ સાફ કરતા જોયા. તેમણે ગાંધીજીને એવા અસ્પૃશ્યોને ગળે લગાડતા જોયા જેમને બાપુએ પ્રેમથી હરિજન નામ આપ્યું હતું. ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં સ્વૈચ્છિક રીતે કામ કરવાના એ દોઢ વર્ષમાં રૂપે હિંસા અને અહિંસા વચ્ચેનો ભેદ જાણ્યો, જે માત્ર શારીરિક નહિ પણ આધ્યાત્મિક અને બૌદ્ધિક સ્તરે પણ હતો. તે અહિંસાને સ્વીકારીને પોતાની જિંદગીમાં હંમેશાં માટે વણવાની પસંદગી કરી ચૂક્યો હતો. તેમનો આ નિર્ણય આજ સુધી યથાવત્ છે.
– ૩૯ –
ચિત્રભાનુજી