________________
ભૂતકાળમાં પણ જ્યારે રૂપ કોઈ મુશ્કેલીમાં ફસાવાની અણી પર હોય ત્યારે તેને હંમેશાં એવી કલ્પના થતી કે એ પોતાના રક્ષણ માટે ક્યારેક નાસીને પોતાનાં સગાંઓ પાસે જશે. આ વખતે પહેલી વાર તેને પોતાનો વિચાર અમલમાં મૂકવાનો મોકો મળ્યો.
તુમકુરથી બેંગલૉર ૪૦ માઈલ દૂર હતું, પણ ફુટપ્પાની છેતરામણી પછી એ મુસાફરી રૂપને બહુ લાંબી લાગી. રૂપને કોઈ સીધો વિચાર નહોતો આવી રહ્યો. દર ક્ષણે તેનું હૃદય ડરથી જાણે હેઠે બેસી રહ્યું હતું. એક ભૂલમાંથી બચવા માટે તેણે બીજી ભૂલ કરવાની શરૂઆત કરી દીધી હતી. તે જલદી જ બેંગલોર પોતાના પિતરાઈને ત્યાં પહોંચ્યો. કુટુંબીજનોએ રૂપને ઉમળકાથી આવકારી લીધો. તેમને નવાઈ લાગી કે રૂપે પોતાના આવવાની ખબર તો નહોતી જ આપી, પણ એ તુમકુરથી કોઈ પણ વડીલ વગર જ બેંગલોર સુધી પહોંચ્યો હતો. તેમને લાગ્યું કે રૂપનાં વર્તનમાં કંઈક બરાબર નહોતું, પણ તેની આ અચાનક મુલાકાત પાછળનાં કારણની ચર્ચા કરવાનું તેમણે ટાળ્યું. તેમણે રૂપના પિતાનો સંપર્ક કર્યો. છોગાલાલજીને બહુ નવાઈ લાગી અને તેમને ચિંતા પણ પેઠી. આખરે રૂપ કોઈને કંઈ પણ જણાવ્યા વિના ઘરેથી નીકળ્યો હતો. બીજા દિવસે જ્યારે એ પોતે રૂપને મોઢામોઢ મળ્યા ત્યાં સુધી ઘરમાંથી ગાયબ થયેલ ઝવેરાત વિશે તેમને કંઈ જ ખબર નહોતી.
રૂપે આખરે પિતાની સામે પોતાની ભૂલ સ્વીકારી લીધી. છોગાલાલજીને તો આ વાત માન્યામાં જ ન આવી.
આ છોકરાએ શું કર્યું? તેને ખબર પણ છે કે એ ઝવેરાત મારા પોતાના હતા પણ નહીં. એ તો કોઈની ગિરવી મૂકેલી જણસ હતી, એ તમામના માલિક તુમકુરના લોકો હતા.
તેમને ભારે નિરાશા પણ થઈ અને ચિંતા પણ થવા માંડી. તેમને માટે બમણો ધક્કો હતો. ક્ષુલ્લક લાલચને વશ થઈને તેમના દીકરાએ ઘરમાંથી ઝવેરાત ચોર્યું હતું અને અધૂરામાં પૂરું ફુટપ્પા બધું લઈને નાસી ગયો હતો. છોગાલાલજીને સમજાઈ ગયું હતું કે હવે ફુટપ્પાને પકડવો અશક્ય હતું. છોગાલાલજીના માયાળુ ચહેરા પર પીડા ફરી વળી હતી. તે પોતાના દીકરા પ્રત્યે સાવ ઉદાસીન થઈ ગયા. નાની-મોટી મસ્તી તો છોગાલાલજી ચલાવી લેતા પણ આ ચોરી તો સાવ જુદા જ સ્તરની વાત હતી.
કદાચ મારા દીકરામાં યોગ્ય મૂલ્યો રોપવામાં હું નિષ્ફળ ગયો છું. કદાચ હું પિતા તરીકે નિષ્ફળ ગયો છું. તેની માતા જીવતી હોત તો કદાચ સંજોગો જુદા હોત.
યુગપુરુષ
- ૨૬ -