________________
આ પરિવર્તનને કારણે તેનામાં આવેલી શક્તિશાળી ઊર્જાને સ્વીકારવા માટે તેણે પોતાનાં મન અને શરીરને તૈયાર કરવાનાં હતાં અને આ માટે તેને સમયની જરૂર હતી. તે શક્તિશાળી ઊર્જા રૂપને પોતાની બીમારીને અને મૂર્શિત અવસ્થાના દિવસોમાં વિવિધ પ્રદીપકસત્ય દ્વારા મળી હતી. તેને ઉષાના સંગાથમાં શાતા મળતી. સમય પસાર થતો ગયો અને રૂપની યાદશક્તિ પણ પાછી આવી. આ આખીય પ્રક્રિયા પીડાદાયક, અઘરી અને ધીમી હતી. તે જ્યારે પોતાની યાદશક્તિ પાછી મેળવવા સંઘર્ષ કરી રહ્યો હતો ત્યારે ઘણી વાર તે અંતિમ આભાસ પુનઃ દેખાતો જેમાં એક ખૂબ આશ્ચર્યચકિત કરી દે તેવો સંદેશ હતો.
‘ત્યજી દે, બધું મારે ખાતર ત્યજી દે. બધું જ મારે ખાતર ત્યજી દે.”
ધીરે ધીરે તેણે પોતાના હાથ-પગનું હલન ચલન શરૂ કર્યું. ધીમા અવાજે બોલવાની પણ શરૂઆત કરી. આ પ્રક્રિયામાં રૂપ અને ઉષા વચ્ચેની મૈત્રી ગાઢ થઈ જે એકદમ શુદ્ધ અને નિર્દોષ સંબંધ હતી. તેમાં કોઈ જાતીય બાબત નહોતી. ઉષાના પ્રેમાળ સહકારને કારણે રૂપને પોતાનાં શરીર અને મનની સ્વસ્થતા અને આનંદ જાણે પાછાં મળ્યાં. આ એ જ સમય હતો જયારે રૂપ દુન્યવી ઇચ્છાની સાંકળોથી જાતને બંધાયેલી નહોતો અનુભવતો. આવી ઇચ્છાઓ અને તેની ચમક, દરેક પસાર થતા દિવસ સાથે જાણે રૂપ માટે ઘટી રહી હતી. જે બચ્યું તે જીવન માટેની એક તદ્દન સાચી લાગણી હતી, જેમાં પોતાની આસપાસના લોકો પ્રત્યે ભેદભાવ વગરનો પ્રેમ હતો. જેમાં ક્યાંય અંગત ગમા કે અણગમાની અસર નહોતી. સ્વાભાવિક છે કે હવે સજાગતાનો ઉચ્ચ સ્તર મેળવી લીધા પછી રૂપને લાગ્યું કે હવે એ સમય પાક્યો છે
જ્યારે તેણે એ રસ્તો શોધવો રહ્યો. જ્યાં તે જીવોની અને રાષ્ટ્રની સેવા કરી શકે, સ્વતંત્રતાની લડત સાથે જોડાઈ શકે.
છોગાલાલજીને રૂપની આ આધ્યાત્મિકતા તરફનો ઝુકાવ માફક ન આવ્યો. તે પોતાના પુત્રનાં લગ્ન જોવા માંગતા હતા. તે ઇચ્છતા હતા કે રૂપનો પોતાનો પરિવાર હોય તો પોતે દીકરાની જવાબદારીમાંથી મુક્ત થઈને ધર્મને પંથે આગળ વધી શકે. આ કારણે ઉષા અને રૂપની મૈત્રીથી છોગાલાલજી બહુ ખુશ હતા. એ ખુશ હતા કે ઉષા અને રૂપ એકબીજાના આત્માને પારખે છે અને તેમની વચ્ચેની આ નિર્ભેળ મૈત્રી આ પરિચયનું સુંદર પરિણામ હતી. રૂપને ક્યાં ખબર હતી કે નજીકના ભવિષ્યમાં જ તેણે હજી એક આઘાત વેઠવાનો હતો.
યુગપુરુષ
- ૩૬ -