________________
ભોળિયો અને ઝડપથી કોઈનીય અસરમાં આવી જાય એવો રૂપ પોતાનો માર્ગ ભૂલી ગયો હતો. લાલચથી અંધ થઈ ગયો હતો. જ્યારે ફુટપ્પાવાળી ઘટના ઘટી પછી શાળામાં યોજાયેલા એક કાર્યક્રમમાં તેને અંધાપાનો વિશેષ અનુભવ થયો. એ કાર્યક્રમમાં દરેક વિદ્યાર્થીએ આંખે પાટા બાંધીને પંદર કલાક પસાર કરવાના હતા. સવારે શાળા શરૂ થાય ત્યાંથી માંડીને રાતે પથારી ભેગા થાય ત્યાં સુધી આંખે પાટા રાખવાના હતા અને સહપાઠીઓએ એકબીજાને તેમાં સાથ આપવાનો હતો, મદદ કરવાની હતી.
રૂપે જ્યારે પંદર કલાક અંધારામાં પસાર કર્યા ત્યારે તેને સમજાયું કે નેત્રહીન જિંદગી કેવી રીતે પસાર કરતા હશે. આંખેથી પાટો ઉતાર્યા પછી રૂપે જિંદગીને જુદી જ નજરે જોઈ, નવી સંવેદનાઓ અને ઊંડી સૂઝથી તેણે નવા દિવસને આવકાર્યો. આમ રૂપ વધારે અવલોકન કરનાર બન્યો અને દરેક બાબત પ્રત્યે વધારે સારી રીતે પ્રતિસાદ આપતો થયો. તે દરેક બાબતને હવે વધારે ઊંડાણ અને તાજગીથી જોતો હતો. દરેક ચહેરો, વૃક્ષનું પાંદડું અને દરેક ચીજ તેની પર વધારે અસર કરતી હતી.
“ઓહ! હવે હું દુનિયા જોઉં છું. હું કેટલો નસીબદાર છું.” રૂપે ઉત્સાહ વ્યક્ત
કર્યો.
રૂપને દૃષ્ટિની ભેટનું મૂલ્ય સમજાયું. તેણે જીવનને ઊજવવાની શરૂઆત કરી હતી. તે રોજ રાતે પોતાની જાતને એક સવાલ અચૂક કરતો, “મેં આજે કંઈ અર્થપૂર્ણ કર્યું? મેં સમયનો યોગ્ય ઉપયોગ કર્યો કે વેડફાટ કર્યો?”
શાળાના કાર્યક્રમની કિશોર રૂપ પર બીજી પણ અસર પડી. રૂપમાં કરુણાનો ગુણ રોપાયો. તે વંચિતો પ્રત્યે કરુણા દાખવતો થયો. તે ક્ષુલ્લક ઇચ્છાઓથી પર થઈ શક્યો અને અપંગ, ગરીબ અને લાચારોની વેદના પણ સમજતો થયો. તેને મદદ કરવાની પ્રેરણા પણ મળવા માંડી.
આમ શરૂઆતનાં વર્ષોમાં જ રૂપનાં હૈયાંમાં કરુણાનાં બીજ રોપાયાં હતાં જે આવનારા વર્ષોમાં ઘેઘુર વૃક્ષ બનવાનું હતું. એ વૃક્ષે મીઠાં ફળ, છાંયડો અને એ તમામને આશરો આપ્યો કે તેના સાંનિધ્યમાં આવ્યાં.
યુગપુરુષ
- ૨૮ -