________________
કપરા સંજોગો અને આકરા સામના પછી જીત મેળવનારાઓને જેવો આનંદ થાય તેવો જ અનુભવ રૂપને થઈ રહ્યો હતો. એ હસીને જોરથી બોલ્યો, ‘ખરેખર જ્યાં સુધી હું મારી જાતને કોઈ ડર માનવા માટે પ્રોત્સાહન નહીં આપું ત્યાં સુધી કોઈ ડર હોવાનો જ નથી.’
પરોઢિયે તે ખુશખુશાલ ઘરે પહોંચ્યો અને પોતાના ડરમાંથી ભૂત અને આત્માઓનો વિચાર સંદંતર કાઢી નાખ્યો. વિશ્વમાં માણસનાં મન કરતાં કશું પણ વધારે શક્તિશાળી નથી.
એ નાનો પણ નોંધપાત્ર પ્રયોગ હતો જેનાથી માનવમનની ક્ષમતા પારખી શકાય. આ અનુભવે ચેતનાના સ્તરે શું અસર કરી હતી તેની રૂપને જાણ ન હોવા છતાંય આ બહુ મોટું હકારાત્મક પગલું હતું. તેણે પોતાની જાતમાં નીડરતા અને આત્મસુધારણાનું આજીવન પાંગરનારું બીજ રોપ્યું હતું.
રૂપે માત્ર ડર જ નહીં પરંતુ પોતાના રોષ પર પણ કાબૂ મેળવ્યો. એક દિવસ તેણે જોયું કે બે ખેપાની છોકરાઓ એક નાનકડી છોકરીની ચોટલી ખેંચી ખેંચીને એને હેરાન કરી રહ્યા હતા. બન્ને છોકરાઓ ઊંચા પૂરા, પડછંદ અને રૂપથી કદમાં બમણા હતા. એ છોકરી મદદ માટે રડી રહી હતી. તેને જોઈને રૂપને પોતાની બહેન મગી યાદ આવી અને એ પણ યાદ આવ્યું કે કઈ રીતે તે પોતાની નાની બહેનની રક્ષા કરતો.
તેણે અચાનક જ એ છોકરાઓ તરફ ધસી જઈને તેમને રોક્યા. છોકરાઓએ રૂપને ધક્કો માર્યો, ‘ચલ જા અહીંથી, બીકણ ’
તેમને ખબર નહોતી કે તેમનાથી નાનો એવો આ છોકરો જ્વાળામુખીની જેમ ફાટશે. જે ક્ષણે રૂપે બીકણ શબ્દ સાંભળ્યો ત્યારે જ જાણે એનો રોષ, લાવાની માફક એની રગ રગમાં દોડવા માંડ્યો. પોતે કાબૂ ન કરી શકે તેને તેવો રોષ ચઢ્યો. છોકરાઓ તેનાથી મોટા અને મજબૂત હતા તેની પરવા કર્યા વિના રૂપે રસ્તે પડેલી એક સોટી ઉપાડી, પોતાનું બધું બળ ભેગું કરી એ છોકરાઓને ફટકારવાનું શરૂ કર્યું. બન્ને છોકરાઓ માટે આ અણધાર્યું હતું. તેમને કલ્પના જ નહોતી કે આટલો નાનો છોકરો આવા જોરદાર ફટકા મારી શકશે. ફટકાના દર્દને કારણે ઉંહકારા કરતા તેઓ ત્યાંથી ભાગ્યા. છોકરીએ રૂપનો આભાર માન્યો અને ઘરે ચાલી ગઈ. પણ એક વાર ગુસ્સો શાંત પડ્યો પછી રૂપને જ આશ્ચર્ય થયું કે આટલો બધો ગુસ્સો આખરે આવ્યો ક્યાંથી ?
ચિત્રભાનુજી
- ૨૧ -