________________
રૂપ ઊંઘવા માટે ફરી પથારીમાં પડ્યો અને હવે એ એકદમ સ્વસ્થ હતો. બાકીની રાત એ બરાબર ઊંઘી શક્યો.
પણ એ ઘટનાનું તેનાં મનમાં પુનરાવર્તન થયા કરતું હતું. મને બે સફેદ ધોતિયાંથી ડર કેવી રીતે લાગી શકે? મારે મારા ડર પર જીત મેળવવી જ પડશે.
તેણે પોતાની જાત સાથે એક કરાર કર્યો.
પછીના અઠવાડિયે અમાસ આવવાની હતી. હું તે રાતે સૌથી ડરામણી જગ્યાએ જઈશ - સ્મશાનમાં ! એ રાતે બહાર નીકળવાની કોઈ હિંમત ન કરતું. એમ કહેવાતું કે બધા ડરામણા આત્માઓ, ભૂત અને શેતાન સ્મશાન પાસેનાં મોટાં વડનાં ઝાડ પર રહે છે. રૂપે વિચાર્યું કે ‘મારે એ બધાને નજરે જોવા છે. મારે જોવું છે કે એ બધાનું ખરેખર અસ્તિત્વ છે કે નહીં.’
અને કિશોર રૂપ ખરેખર અમાસની રાતે સ્મશાન પહોંચ્યો. પોતાનાં રક્ષણ માટે એણે સાથે એક નાનકડું ચપ્પુ લીધું. ચારેકોર ઘોર અંધારું હતું. પવનના થોડાઘણા સુસવાટા સિવાય કોઈ બીજો અવાજ નહોતો આવતો. રખડતા કૂતરાના અવાજો ? સિવાય નીરવ શાંતિ હતી. નિર્ણય કર્યો હોવા છતાંય રૂપ બીકને મારે પગથી માથા સુધી ફફડી રહ્યો હતો. તે અંતે ઝાડની નીચે બેઠો. અંદરથી ફફડાટ થતો હોવા છતાં પણ તેણે હિંમત રાખી. હિંમત ટકાવી રાખવા માટે એણે સતત જાતને યાદ કરાવ્યું કે પોતે આ શા માટે કરી રહ્યો છે. તેણે સતત પોતાની જાતને કહ્યું કે, ‘કંઈ પણ કે કોઈ પણ તેની આ ડરમાંથી મુક્ત થવાની ઇચ્છાને ટસથી મસ નહોતું કરી શકવાનું.’
એક કલાક પસાર થઈ ગયો. કોઈ ભૂત કે પલીત ન દેખાયા. કોઈ આત્મા પણ હવામાં ન તર્યો. બીજો કલાક પસાર થયો પણ કંઈ જ ન થયું.
ત્રીજો કલાક. ચોથો કલાક.
કશું પણ અજુગતું ન થયું અને ત્યાં તો મોંસુઝણું પણ થઈ ગયું. સૂર્યનાં પહેલાં કિરણે રૂપને અનેરો આનંદ આપ્યો. અમાસની રાત પસાર થઈ ગઈ હતી અને સાથે રૂપના ડરનો ઓછાયો પણ ચાલી ગયો હતો. માણસની આવી હાનિકારક અને બિનજરૂરી નબળાઈઓની પકડમાંથી તેણે પોતાની જાતને સફળતાપૂર્વક છોડાવી હતી. કોઈ આત્મા, ભૂત કે શેતાન હતા જ નહીં. એ માત્ર લોકોની કલ્પનામાં જ હતા. ત્યાં તો માત્ર એ વડનું ઝાડ હતું જેની નીચે તેણે આખી રાત પસાર કરી હતી.
યુગપુરુષ
૨૦ -