________________
“આ જાદુ નથી બેટા, આ તો ચમત્કાર છે.” કહી ફુટપ્પાએ ભેદી સ્મિત વેર્યું. તેણે ઉમેર્યું, “આને માટે ખાસ શક્તિઓ જોઈએ, અમુક વર્ષોની સાધના પછી જ આ સિદ્ધિ મળી શકે છે. એ તને નહિ સમજાય. તું આ સિક્કા લઈ જા અને કંઈ ખરીદી લે અને મજા કર.'
રૂપ ત્યાંથી ચૂપચાપ નીકળી ગયો પણ ફુટપ્પાનો આ ચમત્કાર તેના મનમાં કંડારાઈ ગયો. બીજે દિવસે રૂપ ફરી ફુટપ્પાને મળ્યો અને આ વખતે તેણે એને વધારે સિક્કા આપ્યા. ફુટપ્પાએ ફરી સિક્કા બમણા કરી આપ્યા અને રૂપ ત્યાંથી ખુશખુશાલ થઈને ચાલ્યો ગયો. તેને ખબર નહોતી કે મીઠા બોલો ફુટપ્પા તેને છેતરી રહ્યો હતો. થોડા દિવસ પછી જયારે ફુટપ્પાને ખાતરી થઈ કે રૂપ તેની જાળમાં ફસાઈ ગયો છે ત્યારે તેણે કહ્યું, “રૂપ આમ સિક્કાઓથી ક્યાં સુધી રમ્યા કરીશ? તું સોના કે હીરાના ઝવેરાત કેમ નથી લાવતો? હું તેને પણ બમણા કરી શકું છું.”
રૂપે આશ્ચર્ય વ્યક્ત કરતાં પૂછ્યું, “એમ, તમે એને પણ બમણા કરી શકશો? એ તો મને ખબર જ નહોતી.”
હવે તો ખબર છેને !' ફુટપ્પાએ લુચ્ચું હસતાં કહ્યું, “તને આ વાત ગળે નથી ઊતરી ? તું લાવ હું તને સાબિત કરી આપું. તું ઘરેથી પહેલાં કીમતી ઝવેરાત લાવ તો ખરો.”
હમણાં જ !?
“ના રે ના, એ જરૂરી નથી' ફુટપ્પાએ તરત જવાબ વાળ્યો અને કહ્યું, “તું જ્યારે લાવીશ ત્યારે ચાલશે. હું તને બધાં ઘરેણાં બમણાં કરી આપીશ અને પછી એ વધારાના ઝવેરાત વેચીને તને ઘણા બધા રૂપિયા મળશે. કેવી મજા પડશે, ખરુંને?'
રૂપને આ વિચાર બહુ ગમી ગયો. એક સવારે પિતા સામાયિકમાં વ્યસ્ત હતા ત્યારે તેણે ઘરેથી ઝવેરાત લઈ લીધા. સામાયિક જૈન ધર્મની અગત્યની ક્રિયા છે જેમાં વ્યક્તિ અડતાળીસ મિનિટ સુધી કોઈની સાથે વાતચીત કર્યા વિના એકાંતમાં બેસી રહે. આ સમય દરમિયાન તે વ્યક્તિએ ધાર્મિક પુસ્તકો વાંચવાનાં, પૂજા પ્રાર્થના કરવાની, માળા ફેરવવાની અને ધ્યાન ધરવાનું હોય છે.
પ્રામાણિક વેપારી હોવાની સાથે છોગાલાલજી વિશ્વાસુ સરાફ પણ હતા. લોકો તેમની પાસે જર-ઝવેરાત, જમીન વગેરે ગિરવી મૂકીને નાણાં લઈ જતા.
- ૨૩ -
ચિત્રભાનુજી