________________
જાણવા પર ભાર મૂકતો. તેનામાં સ્વાભાવિક રીતે જ નેતૃત્વના ગુણ હોવાને કારણે એ પોતાની વયનાં બધાં છોકરાંઓને ભેગાં કરીને જાતભાતની રમતો રમતો રહેતો. એ બહુ બુદ્ધિશાળી અને કુશાગ્ર છોકરો હતો અને આ લક્ષણ આખી જિંદગી તેનામાં રહ્યા. શાળામાં વર્ગમાં બેઠાં હોય ત્યારે એની પૂરી એકાગ્રતા વર્ગમાં જ રહેતી. તેનાં સહપાઠીઓ ક્યારેય તેનું ધ્યાન વિચલિત કરવાની ભૂલ ન કરતાં. તેને અદભુત સ્મરણશક્તિ અને ઉત્સુકતાનું વરદાન હતું. શાળામાં શિક્ષકોએ ભણાવેલું એ બરાબર આત્મસાત કરી લેતો. શાળાની પરીક્ષાઓ રૂપ માટે ક્યારેય કોઈ મોટો પડકાર સાબિત ન થતી. તો અન્ય છોકરાંઓની માફક તેને ભણવા માટે વધારે મહેનત કેમ ન કરવી પડતી એનો તો પ્રશ્ન જ નથી. અસાધારણ બુદ્ધિપ્રતિભા ધરાવતા રૂપનાં મનમાં એટલા સવાલો ચાલતા રહેતા કે એ સતત પોતાનાં શિક્ષકોને સવાલો કર્યા કરતો. ઘણી વાર શિક્ષકો તેની આ કોઈ પણ વિષય અંગે ગૂઢ જ્ઞાનની ભૂખ સંતોષી ન શકતા. દેખાવડો, શરીરે મજબૂત બાંધાવાળો અને ભણવામાં હોશિયાર રૂપ, શિક્ષકોમાં ખૂબ લાડકો હતો.
નાનપણમાં રૂપને દેરાસરે જવું બહુ ન ગમતું. જ્યારે ઘરમાં કોઈના આગ્રહને વશ થવું પડતું ત્યારે તે કુટુંબની આ ધાર્મિક પરંપરાને તાબે થઈને દેરાસરમાં જતો. તુમકુરમાં હિંદુઓની વસ્તી વધારે હોવાને કારણે શરૂઆતનાં વર્ષોમાં રૂપે પોતાના ધર્મમાં ઊંડો રસ લેવાને બદલે સ્વાભાવિક રીતે હિંદુ ધર્મના રીત રિવાજ સ્વીકારી લીધા હતા.
બીજી આફતનો સમય પાકી ગયો હતો.
૧૯૩૩માં જ્યારે રૂપની ઉંમર અગિયાર વર્ષ હતી અને મગી આઠ વર્ષની હતી ત્યારે ગજરાફઈએ તખતગઢમાં વસતાં સગાંઓને મળવા જવાનું નક્કી કર્યું. ગજરાફઈ નાનકડી મગીને પણ સાથે લઈ ગયાં. કોણ જાણે કેમ પણ એમને આવજો કહેતી વેળા રૂપ અસાધારણ રીતે દુઃખી હતો.
બદનસીબે એ નાનકડું ગામડું જ્યાં મગી, તેનાં ગજરાફઈ સાથે ગઈ હતી ત્યાં અછબડા-ઓરી ફાટી નીકળ્યા. આ કારમા રોગે ઘણાં નાનકડાં બાળકોનો ભોગ લીધો. મગી પણ તેમાંની એક હતી. આ બિમારી સામે લડવા માટે એ બહુ નાની અને કોમળ હતી.
જ્યારે આ આકરા સમાચાર તુમકુર પહોંચ્યા ત્યારે રૂપ અને છોગાલાલજી બને ઊંડા આઘાતમાં સરી પડ્યા. રૂપને તો આ વાત ગળે જ નહોતી ઉતરતી.
- ૧૧ -
ચિત્રભાનુજી