________________
આખરે ૨૬મી જુલાઈ, ૧૯૨૨ના શુભ દિવસે તેમનું સપનું વાસ્તવિકતામાં ફેરવાયું. ચુનીબાઈએ એક તંદુરસ્ત પુત્રરત્નને જન્મ આપ્યો. તેમણે જેવી પોતાના પુત્ર પર નજર નાખી એમની અંદર જાણે લાગણીનું વાવાઝોડું ફૂંકાયું. વર્ણવી ન શકાય એવો આનંદ અને ઊર્મિઓ તેમના રોમ રોમમાં દોડીને તેમના થાકેલા શરીરને ચેતન બક્ષવા માંડ્યાં. એ શિશુએ તેમનું હૈયું એવા આનંદથી છલકાવી દીધું કે હર્ષથી પીડાની ટીસ ઊઠી. આ ક્ષણ ખૂબ આવેશાત્મક અને જાદુઈ હતી. પોતાના તાજા જન્મેલા બાળકને હાથમાં લઈને એ ચોધાર આંસુએ રોઈ પડ્યાં.
આ દૈવી દશ્ય જોઈને એમના જન્મ જન્મના સાથીદાર ધાર્મિક અને સંવેદનશીલ છોગાલાલજી કઈ રીતે તેના પ્રભાવમાં ન આવે? પોતાના દીકરાએ પહેલાં રુદનથી પોતાના પૃથ્વી પરના આગમનની જાહેરાત કરી ત્યારે છોગાલાલજી હરખથી ભાંગી પડ્યા હતા.
હે ભગવાન, હું તમારો જેટલો પાડ માનું એટલો ઓછો છે...” તેમણે મહાવીર સ્વામીને પ્રાર્થના કરતાં ઉમેર્યું, “મારા બાળકને તમારા આશીર્વાદ આપજો.”
એ બાળક તરફ તરત ખેંચાણ ન અનુભવવું જાણે મુશ્કેલ હતું. એ પુત્રરત્ન દેખાવે ખૂબ સોહામણો હતો. એની ગૌર ત્વચા મુલાયમ અને નાજુક હતી. એના માથે ભરાવદાર કાળા, વાંકડિયા વાળ હતા, હોઠ ગુલાબની પાંખડી જેવા અને આંખો ચમકદાર હતી. એનું તેજ જાણે દિવસે દિવસે વધતું હતું. એના નાનકડા ચહેરા પર વહેલી સવારના સૂરજ જેવી ચમક હતી. તેનાં કૃતજ્ઞી અને આશ્ચર્યચકિત માતા-પિતાએ એટલા માટે જ તો એનું નામ રૂપરાજેન્દ્ર પાડ્યું હતું. રૂપરાજેન્દ્ર એટલે કે જેનું રૂપ કોઈ રાજા જેવું છે, એવું નામ જ તો આ વિશેષ બાળકને બરાબર શોભતું હતું.
રૂપરાજેન્દ્ર, એટલે આપણી વાર્તાના આ નાયક આગળ જતાં અનેક આધ્યાત્મિક શિખરો સર કરે છે અને અસાધારણ રીતે જાગ્રત પ્રતિભા તરીકે ઊભરી આવે છે. આવનારાં વર્ષોમાં એશિયાના અગ્રણી “આધ્યાત્મિક એમ્બેસેડર તરીકે પોતાની ઓળખ ઉપસાવનારા આ નાયકને દુનિયા ચિત્રભાનુજી તરીકે ઓળખશે.
પોતાની પત્ની અને બાળકને, પત્નીનાં માતા-પિતાની કાળજીમાં મૂકીને થોડાં અઠવાડિયાંમાં છોગાલાલજી તુમકુર પાછા ફર્યા. આખરે છોગાલાલે એમનાં ધમધમતા વેપારનું કામકાજ પણ જોવાનું હતું. રૂપરાજેન્દ્ર, એટલે કે રૂપ, લોકો લાડથી તેમને એમ જ બોલાવતા, તે ગામમાં સૌનો વહાલો છોકરો હતો. નવ મહિના પછી છોગાલાલજીએ ફરી એક વાર પાવટા ગામે જવાનો લાંબો પ્રવાસ ખેડ્યો અને પોતાનાં કુટુંબને સાથે તુમકુર ગામે લઈ આવ્યા.
યુગપુરુષ
-
૪ -