________________
‘બધું જ બરાબર પાર ઉતરવું જોઈએ. આ વખતે કંઈ પણ ખોટું ન થવું જોઈએ.’ છોગાલાલે ઉત્કટતાથી પ્રાર્થના કરી, એમની આંખોમાં આંસુ ઊભરાઈ આવ્યાં હતાં, ‘હે પ્રભુ, મારી પત્ની સ્વસ્થ બાળકને જન્મ આપી શકે એવું કંઈક કરજે. મારા નવજાત શિશુને લાંબા આયુષ્યના આશીર્વાદ આપજે...' છોગાલાલ મૈસુર રાજ્યની દક્ષિણે આવેલાં નાનકડાં શહેર તુમકુરથી પાછા ફરી રહ્યા હતા. ત્યારે ત્યાંથી માંડીને ઉત્તર ભારતમાં તખતગઢ સુધી અંગ્રેજોનું રાજ હતું.
છોગાલાલજી અને ચુનીબાઈ સીધાં સાદાં અને શાંતિપ્રિય માણસો હતાં. તેઓ એકબીજા સાથે અને તેમનાં સમાજમાં સંપથી રહેતાં. બંને ખૂબ ધાર્મિક હતાં અને જેમ પેઢીઓથી તેમના કુટુંબે જૈન પરંપરાઓ અનુસરી હતી, તેઓ પણ અનુસરતાં. છોગાલાલજીનાં માતા-પિતા પાંચ વર્ષ પહેલાં મૃત્યુ પામ્યાં હતાં, એટલે જ્યારે પણ આ દંપતી તેમના વતન જતાં ત્યારે ચુનીબાઈનાં કુટુંબ સાથે રહેતાં જે નજીકના ગામ પાવટામાં હતું. છોગાલાલજીને બેમાંથી કોઈ પણ ઘરે ગમતું, એ સ્થળે પણ જે એ પ્રદેશની નજીક હતું જેને તેમણે હંમેશાં ઘર ગણ્યું અને એ પણ જ્યાં એમના કુટુંબનો ઇતિહાસ આબાદ વણાયેલો હતો અને જ્યાં તેમને હંમેશાં પોતીકાપણું લાગતું. બન્ને ગામડાં રાજપૂતાનાનો હિસ્સો હતાં, રાજસ્થાન ત્યારે એમ જ ઓળખાતું, તેઓ વતનમાં હોવાનો અનેરો આનંદ માણી લેતાં.
રાજસ્થાન એટલે કે રાજાઓનો પ્રદેશ, ભારતનું અદ્ભુત અને વિશેષ રાજ્ય છે, તેની સાથે અગણિત કિંવદંતીઓ અને લોકકથાઓ જોડાયેલી છે. તેના ભવ્ય ઇતિહાસને કારણે ત્યાં અનોખા મહેલો અને વિવિધ ધર્મોનાં મંદિરો છે. ત્યાં અરાવલીની પ્રાચીન પર્વતમાળા છે જેણે કેટકેટલાય શાસકોના ઉદય અને અસ્ત નિહાળ્યા છે. જૈન અને હિંદુ બન્ને ધર્મના લોકો માટે પવિત્ર ગણાતા રાજસ્થાને વિવિધ ધર્મના આધ્યાત્મ વાંચ્છુઓને આકર્ષ્યા છે. આ પ્રદેશમાં હડપ્પન સંસ્કૃતિના અવશેષો કલિંગામાં છે તો ભેદી ભાસતું થારનું રણ પણ છે તો સાથે આબુ અને નાથદ્વારાનાં આલીશાન મંદિરો પણ છે. આ રાજ્ય આધ્યાત્મિક કવિ અને કૃષ્ણભક્ત મીરાંબાઈ, મેવાડના શૂરવીર રાજપૂત શાસક મહારાણા પ્રતાપ, મહારાણા પ્રતાપનું રાજ્ય બચાવ્યું હતું તેવા દયાળુ દાતા ભામાશા, ચિત્તોડની સદ્ગુણી રાણી પદ્મિની અને આવી અન્ય મહાન પ્રતિભાઓનું જન્મસ્થળ પણ છે. છોગાલાલજી અને ચુનીબાઈ માટે રાજસ્થાન રાજ્ય, તેમની ઓળખનો અદમ્ય હિસ્સો જ નહિ પણ તેમની જાતિ અને ઇતિહાસની સમજ પણ હતું.
.અને હવે તેઓ તેમના પૂર્વજોની ભૂમિ પર પાછાં ફર્યાં હતાં જ્યાં તેઓ તેમના નાનકડા, ખોળાના ખૂંદનારની પ્રતીક્ષા કરી રહ્યાં હતાં.
- ૩ -
ચિત્રભાનુજી