Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨૬૦
- ટૂંકસાર -
: શાખા -૪ : અહીં એકીસાથે રહેલ ભેદભેદની વિચારણા કરવામાં આવી છે.
જેમ દિવસ અને રાત સાથે ન રહી શકે તેમ એક જ દ્રવ્યમાં ભેદ અને અભેદ શું એક સાથે રહી શકે ? (૪/૧) આ પ્રશ્નનો ઉત્તર નીચે મુજબ સમજવો.
સ્યાદ્વાદષ્ટિથી જોઈએ તો ઘડો માટીસ્વરૂપ છે. તેથી ઘડામાં માટીનો અભેદ છે. વળી, ઘડામાં વસ્ત્રનો ભેદ છે. આ રીતે અપેક્ષાભેદે ઘડામાં ભેદ અને અભેદ બન્ને મળે છે. એ જ રીતે આત્મામાં રહેલ દોષોથી આત્મા ભિન્ન છે. માટે આપણામાં રહેલા દોષોને છોડીએ. તેમજ આત્મામાં ગુણોનો અવ્યક્તરૂપથી અભેદ પણ છે. માટે તે ગુણોને પ્રગટ કરવા પ્રયત્ન કરવો. (૪૨),
જેમ રૂપ, રસ વગેરે એકીસાથે એક ઘટ વગેરેમાં મળે છે, તેમ ભેદ અને અભેદ બન્ને એકી સાથે દરેક દ્રવ્યમાં મળી શકે છે. કાચા શ્યામ ઘટમાં જ્યારે રક્તરૂપનો ભેદ હોય ત્યારે શ્યામ રંગનો અભેદ હોય છે. આ રીતે એક જ ઘડામાં એક જ સમયે ભેદભેદ મળી શકે છે. તેમ આત્મામાં દોષનો ભેદ અને ગુણનો અભેદ - બન્નેનો એકીસાથે અનુભવ કરવાનું લક્ષ્ય રાખવું. (૪/૩-૪)
તે જ રીતે મનુષ્યમાં બાળકપણું વગેરે પર્યાયનો ભેદભેદ સમજવો. (૪૫)
ગુણ-પર્યાય રવાના થતાં તેનો આધાર પણ રવાના થાય છે. ગુણ-ગુણીની આ અભેદદષ્ટિથી, તપ પૂર્ણ થતાં તપસ્વીરૂપે આપણું અસ્તિત્વ પણ નષ્ટ થાય છે. તેથી ક્યારેય “હું ઉગ્ર તપસ્વી છું - એમ તપસ્વી તરીકેનો મદ ન કરવો.(૪૬)
જડ અને ચેતન બન્નેમાં પરસ્પર ભેદભેદ રહે છે. કારણ કે પ્રમેયત્વ, સત્ત્વ વગેરે ગુણો બન્નેમાં છે. તે અપેક્ષાએ બન્નેમાં અભેદ છે. તેમ જ જડમાં જડત્વ છે જે ચેતનમાં નથી. ચેતનમાં ચેતનત્વ છે જે જડમાં નથી. તેથી પરસ્પર બન્નેમાં ભેદ પણ મળશે. તેથી આપણે દેહપીડામાં ભેદજ્ઞાન વિચારવું. તેમ જ પરકીય શરીર અને જીવો વચ્ચે અભેદની વિચારણા દ્વારા બીજા કોઈને ક્યારેય પીડા ન આપવી. (૪/૭)
વસ્તુમાં ભેદ અને અભેદ અલગ અલગ નયથી મળે. આ નયના પણ અસંખ્ય પ્રકારો બતાવેલા છે. આમાંથી યથાયોગ્ય નયને પકડી સંવર, સમાધિ અને સમ્યફ જ્ઞાનમાં જીવવા પ્રયત્નશીલ બનવું. (૪૮)
આ નયોને આશ્રયીને સપ્તભંગી બતાવવામાં આવી છે. તે મુજબ જીવ સ્વરૂપથી સત્ છે. તેમ જ પરરૂપથી અસત્ છે. માટે પરસ્વરૂપને ભૂલી સ્વસ્વરૂપને પ્રગટાવવા પ્રયત્ન કરવો. (૪૯)
દ્રવ્યાર્થિકનય અભેદને દેખાડે છે. પણ પર્યાયાર્થિકનય ભેદને બતાવે છે. આત્માના શુદ્ધ પર્યાયો આત્માથી ભિન્ન હોવા છતાં તેનો પક્ષપાત કેળવી આપણે આત્માને શુદ્ધ કરતા રહેવું. (૪/૧૦)
આગળના શ્લોકોમાં સપ્તભંગીના અન્ય ભાંગાઓ જણાવેલ છે. (૪/૧૧-૧૨-૧૩)
આમ પ્રમાણસપ્તભંગી, નયસભંગી, સકલાદેશ, વિકલાદેશ, કાળ વગેરે આઠ તત્ત્વો, સુનય, દુર્નય, મૂળ નયની એકવીસ સપ્તભંગી વગેરેના જ્ઞાન દ્વારા શુદ્ધ આત્મસ્વરૂપનો નિર્ણય કરવો. (૪/૧૪)