________________
૩૨
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર
વિશેષાર્થ :
જીવ માત્ર સુખ ઝંખે છે અને દુ:ખથી ડરે છે, પરંતુ સુખ અને દુઃખનું સાચું સ્વરૂપ મોટા ભાગના જીવો જાણતા નથી. વ્યવહાર દૃષ્ટિથી જગતના જીવો તો પોતાના શરીર, મન અને ઇન્દ્રિયોને જે અનુકૂળ હોય, જેનાથી શરીરાદિને શાતા કે રતિનો અનુભવ થતો હોય, તેને સુખ માને છે અને જે પોતાના શરીરાદિને પ્રતિકૂળ હોય, જેનાથી પોતાને અશાતા કે અરતિનો અનુભવ થતો હોય, તેને દુ:ખ માને છે. મોહજન્ય આ માન્યતા આત્મા માટે હિતકર બનતી નથી, કેમ કે તે પ્રમાણે વર્તતા જીવો પોતે કલ્પના સારા-નરસા પદાર્થોના સંયોગ-વિયોગમાં રાગ-દ્વેષ કરી, કર્મ બાંધી દુ:ખનું ભાન બને છે.
જીવોને આવી પરિસ્થિતિમાંથી ઉગારવા જ જ્ઞાની પુરુષોએ લોકવ્યવહાર બાજુ પર મૂકી સુખ-દુ:ખની તાત્ત્વિક વ્યાખ્યા કરતાં કહ્યું છે કે, જે પરાધીન છે, તે સર્વ દુઃખરૂપ છે અને જે સ્વાધીન છે તે સર્વ સુખરૂપ છે.
સ્વાધીન હોવું એટલે પોતાને વશ હોવું. જ્ઞાનાદિ ગુણો આત્માના પોતાના છે. તે ગુણોમાં રમવું તેમાં લીન બની જવું, તેનો આનંદ માણવો વગેરે સર્વ આત્માને સ્વાધીન છે, તેમાં કોઈ વસ્તુ કે વ્યક્તિની સહાયની આવશ્યકતા રહેતી નથી, માટે જ તે સુખરૂપ છે.
આત્મા માટે આત્મા સિવાયના દુન્યવી સર્વ ભાવો પરપદાર્થ છે. જ્યાં સુધી જીવ સુખ મેળવવા માટે આ પરપદાર્થોની અપેક્ષા રાખે છે, એટલે કે કર્મોના ઉદયથી પ્રાપ્ત થતા માન, સ્થાન, શાતા કે પાંચ ઇન્દ્રિયોને અનુકૂળ સામગ્રીની અપેક્ષા રાખે છે, અન્ય દ્વારા પ્રાપ્ત થતી લાગણી, પ્રેમ, હૂંફ જેવા ભાવો ઈચ્છે છે, ત્યાં સુધી તેનું સુખ પરાધીન છે. આવું પરાધીન સુખ મેળવી તે પોતાની જાતને ભલે સુખી માને પણ વાસ્તવમાં આ પરાધીનતા જ દુ:ખ છે. પરાધીન વ્યક્તિ ક્યારેય સુખી થઈ શકે નહીં.
અજ્ઞાનવશ જીવો પોતાની આવી પરાધીનતાને જોઈ શકતા નથી, તેથી તેમને પૌલિક સંયોગોની અનુકૂળતા-પ્રતિકૂળતામાં સુખ-દુ:ખનું વદન થાય છે. જ્યારે જ્ઞાનયોગી તો સ્વાધીનપણે સ્વભાવમાં સ્થિર રહી શકે છે. સ્વરૂપમાં સ્થિર થયેલાં જ્ઞાનનો અનુભવ તેમના માટે અત્યંત સુખપ્રદ હોય છે. સ્વાધીન એવો આ સુખનો અનુભવ કર્યા પછી તેમના માટે તો કર્મજન્ય પરભાવોમાં રહેવું કે શરીર, ઇન્દ્રિયો કે મન દ્વારા પરપદાર્થોથી પ્રગટતી શાતા કે અનુકૂળતાનો અનુભવ કરવો તે દુ:ખરૂપ બની જાય છે, કેમકે તે ભાવો કર્માધીન હોવાથી પરાધીન છે અને પરાધીનતા કાયમ દુ:ખરૂપ જ હોય છે.
ધ્યાનમાં રાખવું કે સ્વયં બાંધેલાં પુણ્યના પ્રભાવે પ્રાપ્ત થયેલા ઉત્તમ અને આફ્લાદક પૌલિક સંયોગો કે પ્રેમાળ પરિવારના સંબંધો વગેરે તો આત્માથી પરાયા છે જ, પણ તે પુણ્ય પણ પરાયું છે. આ પર સાથેનો સંબંધ આત્માને પરાધીન બનાવે છે અને આત્મામાં રાગાદિના વિકારો ઉત્પન્ન કરે છે. વિકૃતિ ક્યારે પણ સુખરૂપ હોતી નથી, માટે જ આ સર્વ સંબંધો હંમેશાં દુ:ખરૂપ જ હોય છે. આત્મા જ્યારે સર્વ પ્રકારના સંયોગ અને સંબંધથી મુક્ત થઈ પોતાને સ્વાધીન એવા જ્ઞાનાદિ ગુણોનો અનુભવ કરે છે, ત્યારે જ પારમાર્થિક સુખ અનુભવે છે.
સંપૂર્ણપણે સ્વાધીન બની આ પારમાર્થિક સુખનો અનુભવ કરવો તે તો સિદ્ધના જીવો માટે જ શક્ય બને છે, આમ છતાં જેટલા અંશમાં પરપદાર્થો સંબંધી ઉત્સુક્તા આદિ મોહના વિકારો શાંત થાય છે, અજ્ઞાન ટળે છે, તેટલા અંશમાં સંસારમાં રહેલા સાધકો પણ આ સ્વાધીન સુખનો અનુભવ કરી શકે છે. /૧ર//
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org