________________
૧૮૬
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર
ભાવાર્થ :
અત્યાર સુધીના કથનથી એટલું સ્પષ્ટ થાય છે કે, આત્મશુદ્ધિના લક્ષ્યપૂર્વક, શાસ્ત્રોક્ત વિધિઓ જાળવી જો ક્રિયાઓ કરવામાં આવે તો પૂર્વે ન થયા હોય તેવા અપૂર્વભાવો પ્રગટ થાય છે, પ્રગટેલા ભાવોની વૃદ્ધિ થાય છે અને ક્યારેક પડી ગયેલા ભાવો પણ પુન: જાગૃત થાય છે, તેથી ક્ષમા આદિ આત્મિક ભાવોને ઇચ્છતા સાધકે તો અપ્રાપ્ત ગુણોની પ્રાપ્તિ માટે કે પ્રાપ્ત થયેલા ભાવની શુદ્ધિ-વૃદ્ધિ અને સ્થિરતા માટે અવશ્ય ક્રિયાઓ કરવી જોઈએ, પણ ક્રિયા વિના જ ભાવ થઈ જશે એવું માની બેસી ન રહેવું જોઈએ. કેમ કે જ્યાં સુધી મોહનો સંપૂર્ણ નાશ ન થાય ત્યાં સુધી ભાવોમાં ચઢાવ-ઉતાર આવ્યા જ કરે છે; ચઢાવ-ઉતાર વગરનું એક જ ઉત્કૃષ્ટ સંયમસ્થાન તો માત્ર જિનનું જ હોય છે, તેથી દરેક સાધકે ક્રિયામાં મહેનત કરી ભાવને ટકાવવો જોઈએ. વિશેષાર્થ :
રાગ દ્વેષાદિ કષાયોનો જેમણે સર્વથા ત્યાગ કર્યો હોય તેમને જિન કહેવાય છે. આવા જિનો સર્વગુણસંપન્ન અને સ્વ-સ્વભાવમાં સ્થિર હોય છે, આથી તેમનું સંયમાન (સંયમનો પરિણામ) સર્વશ્રેષ્ઠ, અપ્રતિપાતી અને એક જ સ્વભાવવાળું હોય છે. તે સિવાયના છદ્મસ્થ સાધકોનું સંયમ-સ્થાન અતિ ચંચળ હોય છે. નિમિત્ત મળતા કે તે વગર પણ તેમના શુભ-ભાવોની ચઢતી-પડતી ચાલ્યા કરે છે. તેઓ જો પ્રાપ્ત ગુણના રક્ષણાદિ માટે પ્રયત્નશીલ ન રહે તો તે ગુણ ક્યારે ચાલ્યો જાય તે કાંઈ કહેવાય નહીં. આથી જ નીચેની ભૂમિકાના સાધકોએ તો પોતાની હાલકડોલક નાવને સ્થિર કરવા કે ગુણપ્રાપ્તિ અને ગુણવૃદ્ધિ તરફ તેને આગળ ધપાવવા ક્રિયાનો સહારો લેવો અતિ આવશ્યક છે.
સાધકે એટલું ધ્યાન રાખવું જોઈએ કે જેણે મોહનો સંપૂર્ણ નાશ કર્યો હોય એવા વીતરાગ સર્વજ્ઞ શ્રીજિનેશ્વર પરમાત્માને ક્ષાયિકભાવનું એક સ્થિર સંયમસ્થાન હોય છે. તેથી સંયમની સ્થિરતા કે વૃદ્ધિ માટે તેમને ક્રિયાઓની આવશ્યક્તા રહેતી નથી; પરંતુ તે સિવાયના સાધકો કે જેઓમાં ક્ષયોપશમભાવનું સંયમસ્થાન છે, તેઓ માટે તો ઉચિત ક્રિયાઓ અત્યંત જરૂરી છે. તે ક્રિયાઓ દ્વારા જ તેઓ પોતાના સંયમસ્થાનને સ્થિર પણ રાખી શકશે અને ઉત્તરોત્તરના સંયમસ્થાનને પ્રાપ્ત પણ કરી શકશે.
ભગવાને બતાવેલી નાનામાં નાની ક્રિયામાં એવું સામર્થ્ય છે કે, તે અનાદિકાળના કુસંસ્કારોનો નાશ પણ કરી શકે અને ગુણવૃદ્ધિની દિશામાં આગળ પણ વધારી શકે. શરત એટલી જ કે તે ક્રિયાઓ દોષનાશ અને ગુણપ્રાપ્તિના પ્રણિધાનથી થવી જોઈએ, તેથી જો સાધકને પોતાને જે પણ વ્રતાદિનો પરિણામ સ્પર્યો હોય, તેને ટકાવી રાખવો હોય કે તેની ઉત્તરોત્તર શુદ્ધિ કરી પરમ ઉપેક્ષા, સર્વથા અસંગ વૃત્તિ, પરમોચ્ચ સમતા, નિરતિચાર ચારિત્ર, નિર્વિકલ્પ અવસ્થા, ઉદાસીન વૃત્તિ, ઉચ્ચ કોટિનું ઔચિત્ય, ક્ષમા, નમ્રતા, સંતોષ, આદિ ગુણોને ચિરસ્થાયી બનાવી, આત્માનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરવું હોય તો તેણે ઉછળતા વીર્યથી, ઉપયોગપૂર્વક સંપૂર્ણ વિધિ જાળવવાના દૃઢ પ્રયત્ન સહિત ક્રિયાઓને આચરવી જોઈએ. ||૧૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org