________________
ક્રિયાની ઉપેક્ષા કરતા જ્ઞાનીઓની નાસ્તિકતા - ગાથા-૩૮
૨૧૧
નથી. તેઓના મતે ક્રિયાઓ (ritualism) અને આધ્યાત્મિકતાને (Spiritualism) કોઈ સંબંધ જ નથી. આત્મિક વિકાસની (Soul development) વાતો કરનારો આવો બુદ્ધિશાળી વર્ગ વાસ્તવમાં આત્મા, પુણ્ય, પાપ, પરલોક આદિને સ્વીકારતો જ નથી, તેથી એ તો સ્પષ્ટ છે કે તેઓ નાસ્તિક જ છે, પરંતુ આવી પ્રચલિત વિચારધારાની છાંટથી ધર્મક્ષેત્રમાં આવેલો વર્ગ પણ ક્યારેક ઊંડી વિચારણાના અભાવમાં જ્ઞાન અને ક્રિયાના સમન્વયને સમજી શકતો નથી. ખેદ સાથે કહેવું પડે કે આવો વર્ગ પણ નાસ્તિક જ છે.
વાસ્તવમાં વિવિધ પ્રમાણોથી અને સ્વાનુભવથી પણ સિદ્ધ થાય છે કે, શુભક્રિયાઓ શુભભાવને પ્રગટાવવાનું અમોઘ સાધન છે. વ્યવહારમાં પણ દેખાય છે કે પ્રેમ, લાગણી જેવા અનાદિ અભ્યસ્ત ભાવોને પ્રગટાવવા, ટકાવવા કે વધારવા અનેક ચેષ્ટાઓ (ક્રિયાઓ) સહાયક બને છે, આથી જ તો મોહાધીન લોકો પરસ્પર પ્રેમની સંવેદનાઓને જીવંત રાખવા વાત-ચીત, ભેટ-સોગાદોની આપ-લે, એકબીજાની પ્રશંસા આદિ બાહ્ય વ્યવહારો ખુશીથી કરે છે. જો કર્મના વ્હેણની સાથે ચાલનારા પ્રેમ, લાગણી જેવા મોહાધીન ભાવોને પણ ટકાવવા ક્રિયા જરૂરી પૂરવાર થતી હોય, તો કર્મના પૂરની સામે ચાલવાથી પ્રગટતા વૈરાગ્ય આદિ ભાવોને પામવા, સ્થિર કરવા કે વધારવા ક્રિયા શું જરૂરી ન મનાય ? હકીકતમાં પ્રારંભિક ભૂમિકામાં તો દેવ-ગુરુની ઉત્તમ દ્રવ્યાદિથી ભક્તિ, તપ-ત્યાગ આદિ ક્રિયાઓ આવશ્યક નહીં અનિવાર્ય હોય છે.
આવી પ્રત્યક્ષ દેખાતી વાસ્તવિકતાને પણ નહિ સમજતા કેટલાક કહેવાતા વિદ્વાનો એવો પ્રચાર કરે છે કે, આત્મિક સુખ માણવા માટે તો આત્માનું જ્ઞાન જરૂરી છે, આત્મિક ભાવોનું ચિંતન કે આત્માનું ધ્યાન કરવું યોગ્ય છે; વળી આત્મામાં કેવા દોષો છે, તે આત્માને કેવી રીતે પીડે છે ? તેનો નાશ કરવા શું કરવું જોઈએ ? આત્માના ગુણો કયા છે ? તે કેટલા સુખદ છે ? તેને પામવા શું કરવું જોઈએ ? વગેરે વિચારવું જરૂરી છે, પરંતુ ઊઠબેસ જેવી કાયિક ક્રિયાથી, પ્રતિક્રમણ કે પડિલેહણ જેવી બાહ્ય ક્રિયાથી કે તપ-ત્યાગ આદિ કરી કાયાને શોષવાથી આત્માને શું ફાયદો થાય ?” આવો પ્રચાર કરનારા ભલે વિદ્વાન કહેવાતા હોય, પણ વાસ્તવમાં તેઓ વિદ્વાન નથી.
આવા અર્ધદગ્ધ વિચારકો જાણતા નથી કે બાહ્ય વિષયોથી પર બનવા તપ-ત્યાગના માર્ગ વિના આત્મામાં વર્તતા સૂક્ષ્મ રાગાદિ ભાવો જાણી પણ શકાતા નથી. જો બાહ્ય વિષયોથી દૂર થયા વગર અંતરંગ દુનિયાનો બોધ પણ થતો નથી, તો તેમાં વર્તતા દોષોને દૂર કેવી રીતે કરી શકાય ? વળી ગુરુકુળવાસના સેવન વિના કે પ્રતિકૂળ નિમિત્તો વચ્ચે મનનું વિશ્લેષણ કર્યા વિના ક્રોધ-માનાદિના સંસ્કારો કેવા ઊંડા છે તે પારખી પણ શકાતું નથી, તો તેને કાઢવાનો પ્રયત્ન કેવી રીતે થાય ? તેથી આત્માના ગુણોનું જ્ઞાન કે આત્માના દોષોનું ભાન અનુકૂળ વાતાવરણમાં અને અનુકૂળ વિષયોના ભોગ સાથે અશક્ય પ્રાયઃ છે, તે માટે તો શરીરાદિની મમતા તોડાવે તેવા તપ-ત્યાગાદિ અત્યંત જરૂરી છે.
આ સત્ય હકીકતને નહિ સ્વીકારતા જેઓ ક્રિયાને નકામી માને છે, તેના પ્રત્યે અરુચિ ધારણ કરી જ્ઞાનથી જ સર્વ કર્મનો નાશ થશે એવું અભિમાન ધરાવે છે, તેઓ વાસ્તવમાં આત્મસાધક ક્રિયાથી તો વંચિત રહે છે; પરંતુ સાચા જ્ઞાનથી પણ દૂર રહે છે, કેમ કે (શ્લોક-૩૪માં વિચાર્યું તેમ) જ્ઞાન હંમેશા ક્રિયાથી યુક્ત હોય તો જ સફળ થાય છે. દુનિયામાં પણ દેખાય છે કે આગ બાળે છે કે સાપ મારે છે એટલા જ્ઞાનમાત્રથી કાંઈ તેનાથી બચી શકાતું નથી. આવા જ્ઞાન સાથે તેને અનુરૂપ એવી દૂર રહેવાની કે સાવધાનીપૂર્વક વર્તવાની ક્રિયા કરાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org