________________
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૪-સામ્યયોગશુદ્ધિ અધિકાર પુત્રોએ તીવ્ર સંવેગભાવથી નેમિનાથ પ્રભુ પાસે દીક્ષા લીધી અને નિરતિચાર સંયમ પાળવા લાગ્યા.
એકદા છ એ મુનિ ભગવંતો બે-બે ના ક્રમથી દેવકીજીને ત્યાં વહોરવા પધાર્યા. ત્રણ ત્રણ વખત સરખા રૂપ અને દેખાવવાળા મુનિ ભગવંતોને જોઈને દેવકીજી દ્વિધામાં પડી ગયાં. તેઓ વિચાર કરે છે કે, આમની મુખાકૃતિ તો મારા પુત્ર કૃષ્ણ જેવી જ છે. શું તેઓ મારા જ પુત્ર હશે ? નેમિનાથ પ્રભુએ તેમની શંકાને સાચી જણાવી. માતાએ છએ પુત્રોને વંદન કર્યું. જે પાપ કર્મોથી પોતાને પુત્ર-વિયોગ થયો હતો, તેની નિન્દા કરી અને મહેલમાં પધાર્યા.
૨૭૦
ખિન્ન હૃદયથી દેવકીજી કૃષ્ણમહારાજાને કહેવા લાગ્યાં કે તારા છ ભાઈઓને સુલસાએ મોટા કર્યા, તને યશોદાએ મોટો કર્યો. પુત્રના લાલન-પાલનના મારા મનોરથો તો અધૂરા જ રહી ગયા. તેથી કૃષ્ણમહારાજાએ હરિણગમૈષી દેવને આરાધીને પ્રસન્ન કર્યા અને માતાના મનોરથો પૂર્ણ કરવા વિનંતી કરી.
અનુક્રમે કૃષ્ણમહારાજાના નાના ભાઈ સ્વરૂપે દેવકીનંદન ગજસુકુમાલનો જન્મ થયો. અત્યંત લાડ-કોડમાં ઉછરેલા આ વાસુદેવના ભાઈ પૂર્વની કોઈ વિશિષ્ટ સાધના કરીને આવ્યા હતા, તેથી બાલ્યવયમાં જ વૈરાગ્ય પામ્યા. માતા-પિતાએ તેમને મોહપાશમાં બાંધવા માટે તેમના લગ્ન કરાવ્યાં; પરંતુ ગજસુકુમાલજીએ તો તરત જ સંસાર છોડી નેમિનાથ પ્રભુ પાસે દીક્ષા અંગીકાર કરી અને પ્રભુની આજ્ઞા લઈ તેઓ સ્મશાનમાં કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભા હતા. એવામાં તેમનો સસરો સોમશર્મા બ્રાહ્મણ ત્યાંથી પસાર થયો. મુનિવેશમાં ધ્યાન ધરી રહેલા ગજસુકુમાલને જોઈને તેને ખૂબ ગુસ્સો આવ્યો. પોતાની દીકરીને પરણીને ત્યજી દેનાર, તેનું જીવતર બરબાદ કરનાર ગજસુકુમાલને શિક્ષા કરવાનો તેણે નિર્ણય કર્યો. કોપાયમાન થયેલા તેણે તળાવના કાંઠાની ભીની માટીથી મુનિના મસ્તક ઉપર પાળી બનાવી અને પછી પાસે જ સળગતી એક ચિત્તામાંથી ધગધગતા અંગારા કાઢી તેમના તુરંતના લોચ કરેલા મસ્તક ઉપર મૂક્યા.
મુનિનું માથું તો ભડભડ બળવા લાગ્યું, અપાર વેદના થવા લાગી; પરંતુ જડ અને ચેતનના ભેદને સમજેલા મુનિ જરા પણ વિહ્વળ ન થયા. તેઓએ શુભ ચિંતન ચાલુ કર્યું અને વિચારવા લાગ્યા કે, ‘આ તો કર્મ ખપાવવાનો અપૂર્વ અવસર આવ્યો છે. આ સસરાજી જ મારા સાચા સગા છે, તેમણે મને મોક્ષની પાઘડી પહેરાવી છે' શુભધ્યાનમાંથી મુનિ શુક્લધ્યાનમાં ચડ્યા. માથે અંગારાની ભઠ્ઠી હતી તો મુનિના હૈયામાં શુક્લધ્યાનનો અગ્નિ પ્રજ્વલિત બન્યો હતો, જેમાં અનેક ભવોના કર્મો બળીને ખાખ થઈ ગયાં.
આ રીતે અપકાર કરનાર સસરાને પણ પોતાના પરમ ઉપકારી માનનારા ગજસુકુમાલમુનિ, અન્ય સર્વ મમતાના ત્યાગની જેમ શરીરની મમતાનો પણ ત્યાગ કરીને, સમતાભાવમાં લીન બન્યા. આત્મભાવમાં સ્થિર થયેલા તે મહાત્માએ ક્ષપકશ્રેણી માંડી, અંતકૃત કેવળી થયા અને અંતર્મુહૂર્તમાં તો તેઓ મોક્ષે પહોંચીને શાશ્વત સુખના ભોક્તા બન્યા.
સોળ વર્ષની વયે સમતાની પરાકાષ્ઠા સુધી પહોંચનાર આ મહામુનિ સૌ કોઈ સાધકો માટે સેવ્ય છે, પરમ આરાધ્ય છે. ૧૯૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org