________________
૨૭૨
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૪-સામ્યયોગશુદ્ધિ અધિકાર
પામીને દીક્ષા લીધી હતી. એકદા તે દેશમાં દુષ્કાળ પડતાં અન્ય સર્વ મુનિઓએ દેશાંતર વિહાર કર્યો, પરંતુ વૃદ્ધાવસ્થાને કારણે ક્ષીણ જંઘાબળવાળા અર્ણિકાપુત્ર આચાર્ય રાજાના આગ્રહથી ત્યાં જ રહ્યા. સાધ્વી પુષ્પચૂલા આચાર્યશ્રીને શુદ્ધ આહાર-પાણી લાવી આપી તેમની વિશુદ્ધ ભાવે ભક્તિ કરતાં હતાં. ગુરુભક્તિના ઉત્તમ પરિણામોમાં રમતાં તેમના ઘાતી કર્મોનો ક્ષય થયો અને તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. આમ છતાં તેઓએ ગુરુભક્તિ ન છોડી.
એક વખત ભારે વરસાદ વરસતો હોવા છતાં પુષ્પચૂલા સાધ્વીજી ગુરુને માટે આહાર વહોરીને આવ્યાં, ત્યારે આચાર્યભગવંતે તેમને પૂછયું કે, “વરસાદ હોવા છતાં તમે આહાર આદિ કેવી રીતે લાવ્યાં ?', વિનયપૂર્વક તેઓએ જણાવ્યું કે, “ભગવંત ! જ્યાં અચિત્ત પાણી હતું, ત્યાંથી હું યત્નપૂર્વક અહીં આવી છું.” ગુરુભગવંતે પુનઃ પૂછયું કે, ‘તમે અચિત્તપ્રદેશ કેવી રીતે જાણ્યો ?' કેવળી સાધ્વીજીએ પુનઃ ઉત્તર આપ્યો. ગુરુદેવ ! આપની કૃપાથી પ્રાપ્ત થયેલા જ્ઞાનથી.” આચાર્ય ભગવંત ચમક્યા, ખાતરી કરવા પુન: પ્રશ્ન પૂછ્યો, હે વત્સ ! એ જ્ઞાન પ્રતિપાતી (આવીને જતું રહે તેવું છે) કે અપ્રતિપાતી ?' પ્રત્યુત્તર મળ્યો કે, “અપ્રતિપાતી.” સાંભળતાં જ ગુરુદેવ ઊભા થઈ ગયા. “અહો ! મારાથી કેવળીની આશાતના થઈ ગઈ” એવા વિચારોથી ક્ષોભિત થયેલા આચાર્યભગવંતે સરળભાવે મિચ્છા મિ દુક્કડે માંગ્યું.
ચિત્ત જરા સ્વસ્થ થતાં હૈયામાં સદા રમતો પ્રશ્ન આચાર્યશ્રીના હોઠે આવી ગયો. તેઓએ કેવળીને પૂછયું, મારા સંસારપરિભ્રમણનો અંત ક્યારે આવશે ? મારો મોક્ષ ક્યારે થશે ?' કેવળી સાધ્વીજી ભગવંતે સાંત્વન આપતાં કહ્યું, “ધીરજ રાખો. આપ ચરમ શરીરી છો. ગંગા નદી ઉતરતાં આપને કેવળજ્ઞાન થશે.”
અમૃત સમાન આ શબ્દો સાંભળતાં અર્ણિકાપુત્ર આચાર્યના વૃદ્ધ અને દુર્બળ બનેલા પગ ગંગા નદીના તટે પહોંચવા થનગનવા લાગ્યા. નદી કિનારે આવી તેઓ નદી પાર જવા એક નાવમાં બેઠા. ત્યાં પૂર્વભવની વૈરી
સ્ત્રી, જે મૃત્યુ પામી યંતરી થયેલી, તેણે આચાર્યશ્રીને આકાશમાં ઉછાળ્યાં અને તેઓ પાછા પાણીમાં પડે તે પૂર્વે આકાશમાં જ તેમને ભાલાથી વિંધ્યા. વિધાવાના કારણે આચાર્યના શરીરમાંથી ગરમ ગરમ લોહીનાં બિન્દુઓ પાણીમાં પડવા લાગ્યાં. રગેરગમાં સંયમ અને ધ્યાનના પરિણામો વ્યાપેલા હોવાને કારણે આ મહાત્માને પોતાની શારીરિક વેદનાનો તો વિચાર સુદ્ધાં ન સ્પર્ધો, વ્યંતરીએ આવું કેમ કર્યું એવો વિચાર પણ ન આવ્યો કે તેની ઉપર દ્વેષ પણ ન થયો. તેમનું કરુણાસભર હૈયું તો ત્યારે પણ પાણીના જીવોની ચિંતાથી ઘેરાઈ ગયું. તેમના મનમાં થવા લાગ્યું કે, “અરે આ જીવો પણ મારા જેવા જ છે. તેમને પણ મારા જેવી જ સુખ-દુ:ખની સંવેદનાઓ થાય છે. મારા શરીરમાંથી નીચે પડતાં ગરમ ગરમ લોહીના ટીપાઓથી તેઓને કેવી પીડા થશે.” જીવમાત્રને પોતાના જેવા જ માનવાની- અનુભવવાની સમતાની શ્રેષ્ઠ વૃત્તિથી ઉત્પન્ન થયેલી આ ભાવધારાથી તેઓને શુક્લ ધ્યાન પ્રગટ્ય, શ્રેણી મંડાણી અને તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. એક બાજુ આચાર્યશ્રીનું નિચેતન શરીર ગંગા નદીમાં પડ્યું. તો બીજી બાજુ એમનો શાશ્વત એવો આત્મા સિદ્ધશિલા ઉપર અનંતકાળ માટે પરમ સુખ માણવા પહોંચી ગયો.
2. શાસ્ત્રમાં જણાવ્યું છે કે જ્યાં સુધી લોકોને ખબર ન પડે કે આ વ્યક્તિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે, ત્યાં સુધી કેવળીએ પોતાનું
ઔચિત્ય ક્યારેય ન છોડવું જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org