________________
શ્રીરાજ-સોભાગ આશ્રમ-સાયલા
સંક્ષિપ્ત પરિચય ભગતના ગામરૂપે પ્રખ્યાત - સાયલાના નિવાસી શ્રી સોભાગભાઈ શ્રીમદ્ રાજચંદ્રજીના અંતરંગ સખા હતા. શ્રીમદ્ રાજચંદ્રજી જે સ્વાધ્યાય કરતા તેનું અમૃત તારવીને શ્રી સોભાગભાઈને મોકલતા. માધ્યમ રહેતું પત્રનું. આ બાજુ શ્રી, સોભાગભાઈ પણ એમના સમાગમ માટે હમેશા ઉત્કંઠિત રહેતા.
સાયલાના જ એક સ્વાધ્યાયી “સાયલાના સંત' તરીકેની ખ્યાતિપ્રાપ્ત શ્રીલાડકચંદ માણેકચંદ વોરા (પૂ.બાપુજી)ની ભાવનાને આકાર આપી ૩૧મી ડીસેમ્બર ૧૯૭૬ના સાયલામાં જ શ્રીરાજસોભાગ સત્સંગ મંડળની સ્થાપના થઈ. ઉપલબ્ધ સાધનોનો શ્રેષ્ઠ સદુપયોગ કરી શ્રીવીતરાગસર્વજ્ઞ પરમાત્માએ પ્રદર્શિત કરેલો આત્મકલ્યાણનો માર્ગ જાણવો અને જિજ્ઞાસુ મુમુક્ષુઓમાં એ વચનામૃતોનો પ્રચાર-પ્રસાર કરવો એ મંડળનો મુખ્ય ઉદ્દેશ હતો અને છે. પૂ. બાપુજીના વાત્સલ્યમય અનુશાસનથી તેમજ વિવિધ મતધારાઓમાં માધ્યશ્મભાવે રહી આત્મહિતકર તત્ત્વના સંપાદનની કળાને કારણે ઘણા મુમુક્ષુ આત્માઓ સંસ્કારિત થઈ લાભાન્વિત બન્યા.
આશ્રમમાં નિરવ શાંતિ છે. અહીં બાહ્ય સંસાર ક્ષણભર ભુલાય છે. કુદરતી વાતાવરણના કારણે દેહનું આરોગ્ય તો જળવાય સાથોસાથ પ્રભુમિલન તરફ પ્રયાણની કાંઈક પૂર્વભૂમિકા સર્જાય છે. આશ્રમના આદ્ય પ્રેરણામૂર્તિ શ્રીમદ્ રાજચંદ્રજીના પદો, પદ્યો, પત્રોના માધ્યમે ય અત્રે પ્રભુને પીછાણવાનો અને આરાધવાનો સ્વસ્વક્ષયોપશમાનુસારે પ્રયત્ન થાય છે. પૂ.બાપુજીની માધ્યસ્થપૂર્ણ અને ઉદાર અંતર્દષ્ટિના કારણે જૈનશાસનના વિવિધ આગમાદિ શાસ્ત્રોના અધિકૃત જ્ઞાની મહાત્માઓના શ્રીમુખે ય જિનવાણી શ્રવણનો ધર્મલાભ અત્રે સંપ્રાપ્ત કરાય છે. સુવિહિત શિરોમણિ પૂ.આ.શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા, કલિકાલસર્વજ્ઞ પૂ.આ.શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા અને મહોપાધ્યાય પૂ.શ્રી યશોવિજયજી મહારાજાના ટંકશાળી ધર્મગ્રંથોનો અત્રે સ્વાધ્યાય થાય છે. એક એક વચન ઉપર વિચાર-વિમર્શ થાય છે અને કર્મના બંધનોથી મુક્ત થઈને શાશ્વત સ્વાધીન સંપૂર્ણ સુખ શી રીતે મેળવવું એના ઉપાયોનું ચિંતન-મનન થાય છે આત્માના ઉત્થાન કાજેની ભવ્ય ભૂમિકાનું સર્જન કરવાનો અહીં પ્રયત્ન કરાય છે. જિનાલય ધ્યાનખંડ, મૌન સાધના ખંડ, પ્રશાંતનિલય, વાચનાલય, ભોજનશાળા, સૌભાગ્ય સ્મૃતિઘર પૂ.બાપુજીનું સ્મૃતિમંદિર, સ્વાધ્યાયમંડ જેવા અનેક સાધના-સહાયક આલંબનોથી ભર્યું ભર્યું આશ્રમસ્થળ સુરેન્દ્રનગરથી ૩૧, રાજકોટથી ૮૫ અને અમદાવાદથી ૧૩૫ કિલોમિટર અંતરે નેશનલ હાઈવે નં.૮ ઉપર આવેલ છે. દેશ-વિદેશના શોધાર્થી અને આત્મશોધાર્થીઓ અત્રે આવીને કાંઈક મેળવ્યાનો સંતોષ માણે છે. આ રીતે પૂ.બાપુજીની શીળી છાયામાં એક મોટો વડલો “અધ્યાત્મ પરિવાર’ રૂપે વિકસ્યો ને વિસર્યો છે.
અહીં સંપત્તિનો સદુપયોગ સાધવા દીન-દુ:ખી જીવોની કરુણા-અનુકંપાના માધ્યમે વૈરાગ્ય પમાડી અનંત સુખમય મોક્ષની દિશામાં પ્રગતિશીલ બનવાનું માર્ગદર્શન અપાય છે. એ કાર્ય પણ જાતદેખરેખ અને ચોકસાઈપૂર્વક કરવાની નીતિ રીતિ છે.
જ્ઞાનવૃદ્ધ પૂ.બાપુજી વયોવૃદ્ધ થતાં એમણે જ્ઞાનોપાસના કરાવવાની જવાબદારીને પોતાના જ્ઞાન-ઉત્તરાધિકારી રૂપે ભાઈશ્રી નલીનભાઈ કોઠારી તેમજ ગુરુમૈયાશ્રી સદ્ગણાબેન સી.યુ.શાહને નિયુક્ત કર્યા હતાં, તેમની દોરવણીથી મંડળ અને મુમુક્ષુઓ સાધનારત બન્યા છે.
પૂ. ભાઈશ્રી અને મૈયાશ્રીએ પણ પૂ.બાપુજીનો સ્વાધ્યાય વારસો અકબંધ જાળવી વિસ્તાર્યો છે. શ્રીમદ્ રાજચંદ્રજીના દેહવિલયની ઘટનાની શતાબ્દીની પણ વિશ્વ વ્યાપક રીતે ઉજવણીમાં, તેઓશ્રીનું યોગદાન ઓછું નથી જ. તેઓશ્રીની દોરવણીમાં આશ્રમ દ્વારા ધર્મબુદ્ધિથી તેમજ સામાજિક બુદ્ધિથી કેટલાક કાર્યો ચાલી રહ્યાં છે તેની અલ્પાક્ષરી ઓળખ આપું છું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org