________________
પરિશિષ્ટ - ૧
પ્રાતિભજ્ઞાન
પ્રાતિભજ્ઞાન શું છે ? તે ક્યારે પ્રાપ્ત થાય છે ? વગેરે બાબતો સમજવી અઘરી છે. આમ તો પ્રાતિભજ્ઞાન સ્વ-સંવેદનનો વિષય છે, છતાં અનેક મહાપુરુષોએ વિવિધ ગ્રંથોમાં આને સમજાવવા માટે શબ્દોનો સહારો પૂરો પાડ્યો છે. ભિન્ન ભિન્ન શાસ્ત્રકારોએ પ્રાતિભજ્ઞાનનું અનેક રીતે વર્ણન કર્યું છે.
શ્રી નન્દીસૂત્ર આગમની ટીકામાં શ્રી મલયગિરિજી મહારાજ જણાવે છે કે,
પરમયોગનો ઇચ્છુક સાધક પહેલા શાસ્ત્રનો અભ્યાસ કરવા માટે મહેનત કરે છે અને શક્ય પ્રયત્ને શાસ્ત્રાનુસાર આચરણ કરે છે. પ્રમાદવશ ક્રિયા નિષ્ફળ ન જાય કે યોગાભ્યાસની યોગ્યતા મરી ન જાય એ ધ્યાનમાં રાખી તે નિરંતર જે પ્રમાણે શાસ્ત્રમાં કહ્યું હોય તે જ પ્રમાણે ચિત્તની શુદ્ધિપૂર્વક અનુષ્ઠાન કરતાં કરતાં, શાસ્ત્રાભ્યાસને વધારતા પોતાના પ્રજ્ઞા, મેધા આદિ ગુણોને વિકસિત કરે છે. અભ્યાસથી વધતા તે ગુણો તેની સંવેદનાનો વિષય બને છે. આ રીતે ગુણોના સ્વ-સંવેદનથી સાધક જ્યારે અભ્યાસના પ્રકર્ષને પામે છે ત્યારે વાણીથી ન વર્ણવી શકાય તેવું, શાસ્ત્રમાં માત્ર સામાન્યથી જેના ઉપાયો વર્ણવ્યા છે તેવું, અન્ય જીવો માટે અસંવેદનીય સિદ્ધિપદની સંપત્તિનું કારણ, સૂક્ષ્મ અને સૂક્ષ્મતર પદાર્થો જેના વિષય બને છે તેવું અને કાંઈક વિકાસ પામતા સ્પષ્ટ પ્રતિભાસવાળું જ્ઞાનવિશેષ ઉત્પન્ન થાય છે. આ જ્ઞાન મનથી પણ નિરપેક્ષ અને મતિ આદિ ચાર જ્ઞાનના પ્રકર્ષના ઉત્તરકાળમાં થનારું, કેવળજ્ઞાનરૂપ સૂર્યોદયના પૂર્વકાળમાં ઉત્પન્ન થનાર પ્રભા (આલોક) જેવું, સમસ્ત રૂપાદિ વસ્તુને વિષય બનાવનારું ‘પ્રાતિભજ્ઞાન' કહેવાય છે.
શ્રી સ્યાદ્વાદ કલ્પલતામાં પણ ગ્રન્થકા૨શ્રીજીએ ચાર જ્ઞાનનાં પ્રકર્ષના ઉત્તરકાળમાં તથા કેવલજ્ઞાનની પૂર્વે ઉત્પન્ન થનાર જ્ઞાનવિશેષ તરીકે ‘પ્રાતિભ જ્ઞાન'નું વર્ણન કર્યું છે.
શ્રી જ્ઞાનબિન્દુ ગ્રંથમાં શ્રી ઉપાધ્યાયજી મહારાજ જ્ઞાનયોગને સામર્થ્યયોગની પ્રવૃત્તિના સાધનરૂપ અતીન્દ્રિય એવું જ્ઞાનવિશેષ તરીકે જણાવે છે.
શ્રી ષોડશક ગ્રંથમાં પણ મહામહોપાધ્યાયજી ચરમ અવંચક યોગથી ઉત્પન્ન થનારા પ્રાતિભજ્ઞાનને મતિજ્ઞાન વિશેષ તરીકે ઓળખાવે છે.
શ્રી યોગદષ્ટિસમુચ્ચયગ્રંથમાં સૂરિપુરંદરશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા જણાવે છે કે, ‘પ્રાતિભજ્ઞાન’ માર્ગાનુસારી પ્રકૃષ્ટ ઇહા રૂપ છે.
ઉપરોક્ત જણાવેલ ગ્રંથો સિવાય પણ જ્ઞાનસાર, સમ્મતિ તર્ક પ્રકરણની વૃત્તિ, યોગબિંદુ વગેરે ગ્રંથોમાં પણ પ્રાતિભજ્ઞાનના વિવિધ ઉલ્લેખો છે. તેમાંથી કેટલાક પાઠ નીચે નોંધ્યા છે.
પ્રાતિભજ્ઞાન સંબંધી અન્ય ગ્રંથોમાં મળતી નોંધ :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org