________________
પ્રવેશિકા
૨૨૯
પ્રસન્નતા આદિ રૂપ સમતાભાવનું નિર્લેન્દ્ર સુખ માણવું જરા પણ દુર્લભ નથી. આપણી પ્રાથમિક સાધનાદશામાં પણ તે તો આપણા મનમાં રહેલું હોવાથી અતિ નિકટ અને સ્વાનુભવથી સિદ્ધ બની શકે તેવું વાસ્તવિક સુખ છે, તેથી આ અધિકારનું અધ્યયન-અધ્યાપન કરી સાધકોએ આ વિષમકાળમાં પણ જેની પ્રાપ્તિ અને અનુભૂતિ શક્ય છે તેવા સમતાસુખને પામવા, માણવા માટે નિર્વિકલ્પ અવસ્થાના લક્ષ્યપૂર્વક જ્ઞાનયોગ અને ક્રિયાયોગમાં નિરંતર પ્રયત્ન કરવો જોઈએ. શ્લોકાન્તર્ગત વિષયાનુક્રમઃ
આ અધિકારમાં ગ્રંથકારશ્રીએ અથથી ઈતિ સુધી ઉપજાતિ છન્દના ગેય શ્લોકો દ્વારા માત્ર સામ્યયોગ-સમતાયોગનું જ વર્ણન કર્યું છે. જેમાં પ્રથમ શ્લોકમાં મોક્ષમાર્ગની નિરાબાધ ગતિ માટે સામ્યભાવની ઉપયોગિતાને વર્ણવી છે. બીજા શ્લોકમાં પ્રત્યેક સાધક માટે ઉપયોગી બને તેવા સામ્યભાવની પ્રાપ્તિના ઉપાયો દર્શાવ્યા છે, તો ત્રીજાથી પાંચમા શ્લોક સુધી સામ્યભાવસંપન્ન યોગીની વિશેષતા જણાવી છે.
અનેકવિધ સામ્યભાવમાંથી સુબુદ્ધિ કેવા સામ્યભાવને પોતાનું લક્ષ્ય બનાવે છે તે છઠ્ઠા શ્લોકમાં બતાવી, તેની પ્રાપ્તિ ક્યારે થાય તે સાતમા શ્લોકમાં પ્રદર્શિત કર્યું છે. સમતા વિના સામાયિક નથી કે પરમાત્માના દર્શન પણ નથી અને એક માત્ર સમતાથી છેક મોક્ષ સુધી પહોંચી શકાય છે, તેવી રસપ્રદ વાતો શ્લોક આઠથી દસ સુધી કરી છે. સમતા વિના શું નુકસાન છે અને સમતાથી કેવા ફાયદા થાય છે તે સર્વે વાતો અગીયારમાથી ચૌદમા શ્લોક સુધી સ્પષ્ટ કરી છે.
શ્રીદમદન્તમુનિ, શ્રીનમિરાજર્ષિ, શ્રીસ્કન્ધકસૂરિના શિષ્યો, શ્રીમેતાર્યમુનિ, શ્રીગજસુકુમાલમુનિ, શ્રીઅર્ણિકાપુત્ર આચાર્ય, શ્રીદઢપ્રહારીજી, માતા મરુદેવા આદિની અજોડ સમતાનું વર્ણન પંદરથી બાવીસ સુધીના મનનીય શ્લોકોમાં કર્યું છે. પ્રાંતે સામ્યભાવવાળો સાધક દીનતા આદિનો અનુભવ કર્યા વિના કેવી રીતે આત્માના શુદ્ધસ્વરૂપને પ્રગટ કરી પરમ સુખી થાય છે તે હરિણી છન્દમાં રચાયેલ ગ્રંથના અંતિમ શ્લોકમાં પ્રદર્શિત કર્યું છે.
આ સર્વ શ્લોકોનું આત્મસ્પર્શી ચિંતન કરી સૌ કોઈ સામ્યયોગની પ્રાપ્તિ દ્વારા આત્મસાધનાને સફળ કરી આત્મિક સુખના ભોક્તા બને એ જ એક શભાભિલાષા...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org