________________
સમતાનું માહાભ્ય - ગાથા-૧૦
૨૫૩
વિશેષાર્થ :
છ ખંડના વિશાળ સામ્રાજ્ય ઉપર રાજ કરનારા ભરત મહારાજા અરીસાભુવનમાં પોતાના શરીરને શણગારતા હતા, ત્યાં તેમની વીંટી હાથમાંથી સરકી પડી, એક ક્ષણ માટે વીંટી વગરની આંગળી તેમને નિસ્તેજ લાગી; પરંતુ તત્ત્વનું ચિંતન કરતાં તેમને, “શરીરની શોભાથી કાંઈ મારી શોભા નથી,” એવું જણાયું. આ વિચાર જ આગળ વધતાં, “હું અને શરીર ભિન્ન છીએ - શરીર જડ છે અને હું ચેતન છું, અનંતજ્ઞાન, અખંડ આનંદ, અવ્યાબાધ સુખ મારું સ્વરૂપ છે, મારા સ્વરૂપથી મારી શોભા છે, આ જડ પદાર્થોથી જડ શરીર શોભે છે, હું નહિ', આ રીતે વિચારતાં જડ અને ચેતનનો ભેદ સમજાયો. આત્મસ્વરૂપનું ભાન થયું. સર્વ જીવો સત્તાથી પોતાના જેવા જ છે અને જડ પદાર્થો પોતાનાથી ભિન્ન અને અનુપયોગી છે એવી સ્પષ્ટ પ્રતીતિ થઈ, આવો વિવેક પ્રગટતાં જ પદાર્થો પ્રત્યેની મમતા મરી ગઈ, સર્વશ્રેષ્ઠ કોટિની સમતા પ્રગટ થઈ અને તે સમતાના યોગે જ ક્ષણવારમાં તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. આમ ભરતમહારાજા એકમાત્ર સમતાના સહારે વીતરાગ બન્યા અને ક્રમે કરી કર્મથી મુક્ત થઈ મોશે પહોંચી ગયા. તેથી સ્પષ્ટ છે કે સમતા જ સરળતાથી સર્વ કર્મોનો ક્ષય કરીને મોક્ષે પહોંચાડી શકે છે; અન્ય કોઈ યોગમાં આવી ક્ષમતા નથી.
આનો અર્થ એવો નથી કે તપ-સંયમાદિ અનુષ્ઠાનો નકામા છે, તે સર્વે અનુષ્ઠાનો પણ સમતાની પ્રાપ્તિના ઉપાયો હોવાથી ઉપયોગી તો છે જ . મોટા ભાગના લોકોને તો તેનાથી જ સમતા પ્રાપ્ત થાય છે અને ત્યારપછી પ્રાપ્ત થયેલી તે સમતાથી જ આગળના યોગોને સાધીને મોક્ષ મળે છે, તેથી મોક્ષ પ્રાપ્તિનું મૂળ કારણ સમતા છે. જ્યારે સંયમાદિ વિવિધ અનુષ્ઠાનો તો સમતા પ્રાપ્ત કરવાના અને પ્રાપ્ત સમતાની સુરક્ષાના ઉપાયો છે, તેથી જ સર્વ મુમુક્ષુઓએ સમતાનું લક્ષ્ય બાંધી, સમતાને પ્રગટાવનારા અને પ્રગટેલી સમતાને સુરક્ષિત અને વિશુદ્ધ કરનારા યોગોમાં યત્ન કરવો જોઈએ. આ સમતાભાવ તે જ સર્વ પદાર્થો અને સર્વ જીવોને સમાનરૂપે જોવાની દૃષ્ટિરૂપ નિર્વિકલ્પ જ્ઞાનનો ઉપયોગ છે, અર્થાત્ રાગાદિના સ્પર્શ વગરના પરમાત્મા જેવા શુદ્ધ આત્મસ્વરૂપની સાથે સમાપત્તિસ્વરૂપ જ્ઞાનનો ઉપયોગ છે. ૧૦ll
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org