________________
૧૩૮
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર જાય છે. આવા મુનિ પરમસમતાવાળા હોવાથી સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરતા હોય છે. પરિણામે તેમનો યશ અતિ અતિ ઉજ્જવળ બને છે. વિશેષાર્થ :
બુદ્ધિશાળી વ્યક્તિ પણ જો આત્મબોધ વિનાની હોય તો તે સતત બાહ્ય વિષયોમાં જ બુદ્ધિ દોડાવ્યા કરે છે અને તેમાં રાગાદિ ભાવો કરી દુ:ખી થયા કરે છે. જ્યારે જ્ઞાનયોગી મહાત્મા આત્મિકભાવોને પામવા માટે આત્માને સતત આત્મ-ભાવનાઓથી ભાવિત કરે છે. જેના કારણે બાહ્ય પદાર્થોને અનુલક્ષીને તેમના ચિત્તમાં પૂર્વે જે કોલાહલો ચાલતા હતા તે શાંત થઈ જાય છે અને તેમને આત્માની અનુભૂતિ થાય છે. દાર્શનિક ભાષામાં કહીએ તો તેઓની અન્યતાખ્યાતિ ટળે છે અને આત્મખ્યાતિ પ્રગટે છે. અર્થાત્ “હું સ-ચિત્ત
પણ જડ શરીરસ્વરૂપ નથી' એવી બુદ્ધિ પ્રગટે છે. જ્ઞાનયોગીઓની આવી બુદ્ધિ માત્ર માહિતી સ્વરૂપ નથી હોતી; પરંતુ અનુભૂતિસભર હોય છે, તેથી તે સતત આત્મભાવમાં રમણ કરાવે છે. કોઈપણ કાર્ય કરતાં આત્મભાવમાં સ્થિર કેમ રહેવું ? આત્મિક આનંદ કેમ માણવો તેની ચતુરાઈ અને કળા તેમને હસ્તગત થઈ ગઈ હોય છે, આથી જ ગ્રન્થકારશ્રીએ આ છેલ્લા શ્લોકમાં જ્ઞાનયોગીને આત્મખ્યાતિના વિષયમાં જ ચાતુર્યપૂર્વક ક્રીડા કરનાર કહ્યા છે.
આવા મહાત્માઓનું ચાતુર્ય તો આ વિષયમાં ખીલે જ છે; પરંતુ તેમનું વીર્ય = આત્મિક શક્તિ પણ શુદ્ધ આત્મતત્ત્વને પામવા ઉલ્લસિત થઈ હોય છે, તેથી જેટલી પણ શક્તિ પ્રગટ થઈ હોય છે તે સર્વનો ઉપયોગ આ મહાત્માઓ માત્ર આત્મસ્વરૂપને પ્રાપ્ત કરવામાં જ વાપરે છે, આથી ગ્રંથકારશ્રી તેમને ચિહ્નરમાં એટલે કે શુદ્ધ ચૈતન્યના પંજમાં = વિશિષ્ટ જ્ઞાનયોગમાં પ્રકાશિત વીર્યવાળા જણાવે છે.
આ જ્ઞાનયોગી મહાત્માઓ પોતાને પ્રાપ્ત થયેલ બુદ્ધિ અને બળનો ઉપયોગ આત્મસ્વરૂપમાં રમમાણ રહેવા કરે છે, તેનાથી તેઓ પરમ સમતા, નિશ્ચલ ધ્યાન, સર્વત્ર અસંગ પરિણતિ જેવા ઉચ્ચ કક્ષાના આધ્યાત્મિક ગુણો પ્રગટાવે છે. આ ગુણોના આલમ્બને તેઓ સામર્થ્યયોગ સાધે છે અને તેના દ્વારા તેઓ ઘાતકર્મને હણી કેવળશ્રીને વરે છે. વળી, આયુષ્યનો અંત થતાં અઘાતી કર્મનો પણ નાશ કરી અચલ, અરુજ, અનંત, અક્ષય, અવ્યાબાધ અને જ્યાંથી ફરી ક્યારેય પાછું આવવાનું નથી તેવી સિદ્ધિગતિના સ્વામી બની સદાકાળ માટે આત્માના સહજ આનંદમાં મહાલે છે.
આત્મસ્વરૂપને પ્રગટ કરવાના બુદ્ધિ અને વિર્યપૂર્વકના પ્રયત્નથી સાધકમાં અનુપમ ગુણસંપત્તિ ખીલે છે. જેના કારણે તેનો યશ શિવના મસ્તક ઉપર રહેલ ચંદ્ર જેવો શીતળ, દેદીપ્યમાન હારની જેમ શોભામાં અભિવૃદ્ધિ કરનારો, મોગરાના ફુલની જેમ સુગંધને પ્રસરાવતો, ગંગા જેવો પવિત્ર અને ચાંદીના કળશ જેવો અતિ ઉજ્જવળ બની ચોમેર ફેલાય છે.
જ્ઞાનયોગ શુદ્ધિ અધિકારના આ છેલ્લા શ્લોકમાં પણ ગ્રંથકારશ્રીએ યશ:શ્રી' શબ્દ દ્વારા ગર્ભિત રીતે પોતાના નામનો પણ ઉલ્લેખ કર્યો છે. કંપા
।। इति श्री अध्यात्मोपनिषत्प्रकरणे ज्ञानयोगशुद्धिनामा द्वितीयोऽधिकारः ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org