________________
૧૭૮
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૩-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર સાંભળી એકાંતે એમ માનવા લાગે છે કે મોક્ષમાં જવું હોય તેણે ક્ષમાદિ ભાવોમાં જ યત્ન કરવો જોઈએ, તે માટે જડ એવી ક્રિયાનો સહારો લેવાની કોઈ જરૂર નથી; કેમ કે પડિલેહણ, પ્રતિક્રમણ આદિ ક્રિયાઓ તો મન, વચન અને કાયારૂપ જડ પદાર્થોનો ધર્મ છે, તે કાંઈ આત્મિક ભાવ નથી, પરભાવ છે.
આ રીતે જેઓ બાહ્ય ક્રિયાનાં અનેક પાસાંઓમાંથી ભાવોત્પત્તિદ્વારા મોક્ષના કારણરૂપ પાસાંને ગૌણ કરીને માત્ર બાહ્યભાવને આગળ કરીને પ્રભુએ દર્શાવેલી પંચાચારની સુંદર ક્રિયાનો અપલાપ કરે છે, તેઓ મુખમાં કોળિયો મૂક્યા વિના તૃપ્તિની ઇચ્છા રાખનાર જેવા છે. જેમ કોઈ ભૂખ્યો વ્યક્તિ મુખમાં કોળિયો મૂક્યા વિના આહાર સંબંધી અનેક વિચારણાઓ કરી ભૂખને શમાવવા પ્રયત્ન કરે તો તેની તેવી વિચારણાઓથી કાંઈ ભૂખ શકતી નથી. તેની જેમ બાહ્યક્રિયાઓનો આશ્રય લીધા વિના પ્રાય: કરીને મોક્ષ પ્રાપ્તિના કારણભૂત શુભ ભાવો પ્રગટી શકતા નથી.
કર્મના પ્રવાહની સાથે ચાલનારા પ્રેમ, લાગણી જેવા અશુભ ભાવોને પ્રગટાવવા અને ટકાવવા પણ અનેક બાહ્ય વ્યવહારો કરવા પડે છે. તો આત્માના શુભ ભાવો પ્રગટાવવા કે ટકાવવા ક્રિયા વિના કઈ રીતે ચાલે ? તેથી પ્રારંભિક કક્ષામાં તો સૌ માટે શુભ ભાવો ટકાવવા ક્રિયા અનિવાર્ય છે.
હકીકત તો એ છે કે મોક્ષને અનુકૂળ ક્ષમા, નમ્રતા, સમતા વગેરે ભાવો તેને અનુરૂપ ઉચિત આચરણાઓથી સરળતાથી પ્રાપ્ત થાય છે. ક્યારેક એવું બને કે માતા મરુદેવાની જેમ કે, પૂર્વભવના ચારિત્રના પ્રભાવે ભરતમહારાજાની જેમ તત્કાલિન સંયમની બાહ્ય ઉચિત આચરણાઓ વગર પણ કોઈકને શુભ ભાવ પેદા થઈ જાય; પરંતુ આવું જવલ્લે જ બને છે. સંવેગી આત્માઓ આવી ક્યારેક બનનારી બીનાઓનું આલમ્બન લઈ ભાવ પેદા થવાની રાહ જોઈ બેસી રહેતા નથી, તેઓ તો બહુલતાએ જેનાથી કાર્યની સિદ્ધિ થાય છે, તેવા પંચાચારની ક્રિયાઓના પાલનસ્વરૂપ સરળ માર્ગને પસંદ કરી ક્રિયામાં ઉદ્યમશીલ બને છે, તેથી સ્વભાવને પ્રાપ્ત કરવાની તમન્નાવાળા સાધકે તો એ જ વાત વિચારવી જોઈએ કે, આજ સુધી અનંતા આત્માઓ પ્રભુએ બતાવેલા માર્ગ ઉપર શ્રદ્ધા રાખી, બાહ્ય શુભ ક્રિયાઓ દ્વારા શુભ અને શુદ્ધ ભાવ પ્રગટાવી પરમપદને પામ્યા છે અને મારી મુક્તિનો પણ આ જ ઉપાય છે. જો તેવું ન હોત તો પરમકૃપાળુ પરમાત્માએ સ્વયં આવો કષ્ટમય માર્ગ આરાધ્યો પણ ન હોત અને અન્યને તે બતાવ્યો પણ ન હોત. આવું વિચારી મોક્ષેચ્છુ સાધકે ક્રિયામાર્ગમાં નિશ્ચતપણે દૃઢતાથી આગળ વધવું જોઈએ. ૧પ.
1. માતા મરુદેવાને બાહ્ય ક્રિયાઓનો આશ્રય લીધા વિના કેવળજ્ઞાન થયું, તેને પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાના પંચવસ્તુ
નામના ગ્રંથની ગાથા ૯૨૪થી ૯૨૯માં અચ્છેરું જણાવ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org