________________
૧૪૪
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ ત્રીજો, ૨-ક્રિયાયોગશુદ્ધિ અધિકાર
ઠેરવતી એકાંતે જ્ઞાનનય માનનારાની દલીલો રજૂ કરીને, અગીયારમાથી તેરમા શ્લોક સુધી તેનું તર્કબદ્ધ ખંડન કર્યું છે. આ જ વાતને વધુ પુષ્ટ કરવા ચૌદમા શ્લોકમાં કેવળજ્ઞાનીને એટલે કે પરિપૂર્ણ જ્ઞાનીને પણ સંપૂર્ણ સ્વભાવની પ્રાપ્તિને અનુકૂળ ક્રિયાઓ કરવી પડે છે તેમ જણાવ્યું છે.
વર્તમાનમાં અનેક લોકો જૈનશાસનના વાસ્તવિક નિશ્ચયનયને સમજ્યા વગર પોતાની માનેલી રીતે તેનું આલંબન લઈને સર્વજ્ઞકથિત વ્યવહારમાર્ગની અવગણના કરે છે. તેઓની અણસમજ દૂર કરવા ભાવોત્પતિ, ભાવશુદ્ધિ કે ભાવવૃદ્ધિ માટે ક્રિયાઓ કેટલી ઉપકારક છે, તે પંદરથી અઢાર સુધીના શ્લોકમાં વર્ણવ્યું છે. પોતાને બુદ્ધિજીવી માનનારા વર્ગે આ શ્લોકો ખાસ વિચારવા યોગ્ય બની રહે છે.
ઓગણીસથી ત્રેવીસમા શ્લોક સુધી આસૂર નામના ઋષિના કથનથી સર્વ દર્શનને માન્ય સહજમલ કે કર્મ શું છે ? તથા તેના નાશ માટે તપ-સંયમની ક્રિયા કેટલી જરૂરી છે તેનું એક જુદા જ પ્રકારે વર્ણન છે. તેના દ્વારા ગ્રન્થકારશ્રીએ પુન:ક્રિયાનું પ્રાધાન્ય સ્થાપિત કર્યુ છે.
ચોવીસમાથી બત્રીસમા શ્લોક સુધી વેદાન્તીઓના મૂળભૂત સિદ્ધાન્તોને નહિ સમજનાર ઉચ્છંખલ વેદાન્તી જે જ્ઞાનથી જ સર્વ કર્મોનો નાશ થાય છે એવું માને છે, તેને ગ્રંથકારશ્રીએ વેદના વચનોથી જ તેની વાત કેટલી અસંગત છે તે જણાવ્યું છે.
“કર્મનાશમાં જ્ઞાન અને ક્રિયા બન્નેની આવશ્યક્તા છે' - તેમ જણાવી તેત્રીસથી પાંત્રીસમા શ્લોક સુધી જ્ઞાન-ક્રિયાનો સ્વાદ્વાદ બુદ્ધિગમ્યસ્વરૂપે વર્ણવ્યો છે. શ્લોક છત્રીસ અને સાડત્રીસમાં ક્ષાયિકભાવનાં જ્ઞાન અને ક્રિયાનો પણ સ્યાદ્વાદ છે તેમ રજૂ કરી જ્ઞાન-ક્રિયાના સમુચ્ચયવાદને સિદ્ધ કર્યો છે. આ જ શ્લોકમાં ભાવનાજ્ઞાન અને ક્રિયામાં પણ સ્યાદ્વાદના સિદ્ધાંતને સ્પષ્ટ કર્યો છે.
યોગમાર્ગની કે મોક્ષમાર્ગની શુદ્ધિને દર્શાવતા આ સંપૂર્ણ ગ્રંથમાં શ્લોક આડત્રીસ અને ઓગણચાલીસ અતિ અગત્યની ભૂમિકા ભજવે છે. જ્ઞાનથી ગર્વિષ્ઠ થયેલો એક વર્ગ એવું માને છે કે ભેદજ્ઞાનથી જ સર્વકર્મનો નાશ થાય છે તેમની આ માન્યતા કેટલી ભૂલ ભરેલી છે. મુગ્ધ જીવોના જીવતરને તે કેવી રીતે બગાડે છે અને તેઓને કેવી રીતે ભવોભવ સુધી અધ્યાત્મના માર્ગથી વંચિત રાખે છે, તે જણાવી, ભેદજ્ઞાન થયા પછી પણ ક્રિયા વિના કર્મનાશ શક્ય નથી તે જણાવવા દ્વારા તેના મતની કડક સમાલોચના કરી છે. આ શ્લોકોને પણ ખોટી મોટાઈમાં રાચતા એ વર્ગે વારંવાર મનન કરવા યોગ્ય છે.
ભેદજ્ઞાનથી જ મોક્ષ છે, ક્રિયા તો નિપ્રયોજન છે, તેવી નાસ્તિકોની માન્યતા અત્યંત અયોગ્ય છે, તેમ સિદ્ધ કરવા શ્લોક ચાલીસમાં જ્ઞાનના પરિપાકરૂપ જે ભેદજ્ઞાન છે, તે પણ અસંગક્રિયાથી યુક્ત જ હોય છે, તેમ જણાવી ક્રિયા નિરપેક્ષ જ્ઞાનથી ક્યારેય ફળ પ્રાપ્તિ ન થાય તેવું સ્પષ્ટ કર્યું છે. જ્ઞાનનો વાસ્તવિક પરિપાક થતાં ક્રિયા અને જ્ઞાન ચંદન-ગંધની જેમ એકરૂપ બની જાય છે, તેમ જણાવવા દ્વારા ત્યાં જ્ઞાન અને ક્રિયાયોગની પરાકાષ્ઠા દર્શાવી છે.
પ્રાંતે પતંજલિઋષિએ દર્શાવેલ પ્રીતિ આદિ સદનુષ્ઠાનના ભેદો પણ જ્ઞાન-ક્રિયાના સંયોગથી જ ઘટે છે એવું શ્લોક એકતાલીસમાં દર્શાવ્યું છે. તે પછી જ્ઞાન અને ક્રિયા પ્રત્યે સમાન આદર તથા સમાન પ્રયત્નથી મોક્ષપ્રાપ્તિ શક્ય બને છે એવું બેંતાલીસમા શ્લોકમાં જણાવી છેલ્લા બે શ્લોકમાં તેવા પ્રકારના આદરવાળા મુનિને કેવી ગુણ સંપત્તિ પ્રાપ્ત થાય છે, તેનું વર્ણન કરી, પ્રસ્તુત અધિકારનો ઉપસંહાર કર્યો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org