________________
૭૨
ભાવાર્થ :
આત્મા અને કર્મો બન્ને તદ્દન ભિન્ન દ્રવ્યો છે, આમ છતાં બન્ને એક ક્ષેત્રમાં સ્થિત હોવાથી સ્થૂલદષ્ટિથી કર્મકૃત ભાવોને જોતાં એવો ભ્રમ થાય છે કે, આ આત્માના ભાવો છે. વાસ્તવમાં તો ઉદયમાં આવેલા કર્મોની એક શક્તિ છે કે, જે દેહમાં શાતા-અશાતાના ભાવો ઉત્પન્ન કરે છે. દેહાદિમાં થતી આ ક્રિયાઓમાં જ્ઞાનીનું ચિત્ત મ્લાન થતું નથી. વળી આ જ કર્મોના ઉદયથી અન્ય કર્મો બંધાય છે. તેમાં પણ જ્ઞાનયોગને વરેલો જ્ઞાની કોઈ દોષનો ભાગી બનતો નથી. કર્મો કર્મોને બાંધે છે અને કર્મો જ કર્મકૃત ભાવો કરે છે, જ્ઞાનયોગી તો કર્મકૃત સર્વ ભાવોમાં સર્વદા અલિપ્ત જ રહે છે.
વિશેષાર્થ :
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર
આત્માના શુદ્ધસ્વરૂપને જોનાર શુદ્ઘનયના મતે તો કર્મ કે આત્માને એકબીજા સાથે કોઈ સંબંધ નથી. શુદ્ધનયની આવી માન્યતા સાંભળી કોઈ વિચારકને ચોક્કસ એવી જિજ્ઞાસા થાય કે જો આત્મા કર્મકૃતભાવો કરતો નથી, તો પછી કર્મકૃત ભાવોને કોણ કરે છે ? હકીકતમાં કાર્યાન્વિત થયેલા = ઉદયમાં આવેલા કર્મની શક્તિથી એટલે કે આરબ્ધશક્તિથી કર્મકૃત ભાવો ઉત્પન્ન થાય છે અને તે જ શક્તિથી એક ક્ષેત્રમાં રહેલા હોવાને કા૨ણે અન્ય કર્મો પણ સ્વયં આવે છે અર્થાત્ બીજા કર્મો બંધાય છે. આ બધી બાબતોમાં જ્ઞાની એવો આત્મા જવાબદાર નથી એટલે કે કર્મ ઉદયમાં આવે છે, બંધાય છે કે કર્મકૃત ભાવો ઉત્પન્ન થાય છે, તેમાં જ્ઞાનીનો કોઈ દોષ નથી. વળી કર્મકૃત ભાવો પ્રગટ થવા છતાં જ્ઞાનયોગી-જ્ઞાનીમાં ચિત્તના કાલુષ્યરૂપ કોઈ દોષ ઉત્પન્ન થતો નથી.
શુદ્ધનયની આ આખી માન્યતાને સમજવા માટે શુદ્ઘનય પ્રમાણે કર્મકૃત ભાવોની ઉત્પત્તિ કેવી રીતે થાય છે તે સમજવું પડે. આ નય પ્રમાણે જીવ કે કર્મ ક્યારે પણ એકબીજાને એકબીજાના ભાવો આપતા નથી, જીવ પોતાના પરિણામો કરે છે અને કર્મ કર્મના પરિણામો કરે છે, આમ છતાં જીવ જે આકાશપ્રદેશમાં રહ્યો હોય છે તે જ આકાશપ્રદેશમાં અનેક પ્રકારની કાર્મણ વર્ગણાઓ રહેલી હોય છે. કર્મબંધની પ્રક્રિયા સમજવા ખાતર આ કાર્મણવર્ગણાઓના ચાર વિભાગ પાડી શકાય :
A - કાર્યણવર્ગણા = જ્ઞાનાવરણીય આદિ કર્મરૂપે પરિણામ પામ્યા વગરની ચૌદ રાજલોકમાં વ્યાપીને રહેલી કાર્મણવર્ગણાઓ અર્થાત્ બંધાયા વિનાનાં કર્મો.
B – બધ્યમાન કર્મ = આત્મા સાથે બંધાતાં કર્મોસ્વરૂપ કાર્યણવર્ગણાઓ.
C - બંધાયેલાં કર્મ = આત્મા સાથે સંબંધમાં આવ્યા પછી પણ જ્ઞાનાદિ ગુણોને આવરણ કરવાનું કાર્ય હજુ જેણે શરૂ કર્યું નથી તેવા સત્તામાં પડેલાં કર્મો.
D - ઉદયમાં આવેલાં કર્મ = જ્ઞાનાદિ ગુણોને આવરવાનું કાર્ય જેણે ચાલુ કરી દીધું છે તેવા, ઉદયાવલિકામાં આવેલાં કર્મોસ્વરૂપ કાર્યણવર્ગણાઓ.
1. કર્મ સ્વરૂપે પરિણામ પામવાની ક્ષમતા ધરાવતો પુદ્ગલોનો એક સમૂહ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org