________________
૮૬
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર વિશેષાર્થ :
પૌદ્ગલિક ભાવોમાં કર્તાપણાના બોધનો અભાવ એ નિર્લેપજ્ઞાન છે, તો વળી પોદ્ગલિક ભાવોમાં કર્તાપણાના બોધનો સ્પર્શ થઈ જવો એ લિપ્તતાજ્ઞાન છે. જો લિપ્તતાજ્ઞાન ક્યારેય થવાની શક્યતા ન જ હોય તો નિર્લેપજ્ઞાનમાં મગ્ન બનેલા યોગી માટે કોઈ ક્રિયાની જરૂર રહેતી નથી; પરંતુ નિર્લેપજ્ઞાનમાં મગ્ન બનેલા યોગીને ભવિષ્યમાં ક્યારેય લિપ્તતાજ્ઞાન નહિ જ થાય તેવું તો નથી જ. તેથી ભવિષ્યમાં જે લિપ્તતાજ્ઞાન થવાની સંભાવના રહેલી છે, તેના નિવારણ માટે નિર્લેપજ્ઞાનમાં મગ્ન બનેલા યોગીઓ પણ પોતાની ભૂમિકાને અનુરૂપ સઘળીએ ક્રિયાઓ કરે છે.
વાસ્તવમાં નિર્લેપજ્ઞાનમાં મગ્ન મહાત્માઓ બે પ્રકારના હોય છે : ૧. ધ્યાનદશાવાળા અને ૨. વ્યુત્થાનદશાવાળા. તેમાં જેઓની શુદ્ધ આત્માની ધ્યાનધારા અખ્ખલિત રહે છે, તેઓ ધ્યાનદશાવાળા કહેવાય છે અને જેઓની ધ્યાનધારા ખંડિત થઈ જાય છે તેઓ વ્યુત્થાનદશાવાળા કહેવાય છે.
ધ્યાનદશાવાળા મહાત્માઓનો જ્ઞાનનો ઉપયોગ શુદ્ધ આત્મતત્ત્વ સાથે અત્યંત તાદાસ્યવાળો હોય છે. તેઓ અતિ સાત્વિક હોવાને કારણે મરણાંત ઉપસર્ગો કે પરિષહો વચ્ચે પણ આત્મભાવથી લેશ માત્ર ચલિત થતા નથી. શારીરિક, માનસિક કે બાહ્ય વાતાવરણ સંબંધી કોઈપણ ક્રિયાઓ તેમની ધ્યાનધારાને વિચલિત કરી શકતી નથી. તેઓ કોઈપણ પ્રકારના વિક્ષેપ વગર નિરંતર આત્મધ્યાનમાં લીન રહી, આત્મિક આનંદ માણી શકે છે. આવા મહાત્માઓને આત્મભાવમાં સ્થિર રહેવા કે લિપ્તતા જ્ઞાનના આગમનને રોકવા કોઈ ક્રિયાઓની આવશ્યક્તા રહેતી નથી.
વ્યુત્થાનદશાવાળા મહાત્માઓમાં ધ્યાનદશાવાળા મહાત્માઓ જેવું સત્ત્વ અને સામર્થ્ય હોતું નથી. તેથી તેઓ આત્મધ્યાનની સદા માટેની સાતત્યપૂર્ણ એકાગ્રતા સાધી શકતા નથી અને દરેક પરિસ્થિતિમાં એકધારો આત્મિક આનંદ પણ માણી શકતા નથી. કોઈક નિમિત્ત મળતાં કે તે વિના પણ તેમના ચિત્તમાં વિક્ષોભ ઊભો થઈ શકે છે, પરિણામે તેમની ધ્યાનધારા તૂટી જાય છે. તે પછી, “હું પુદ્ગલભાવોનો કર્તા નથી, પણ શુદ્ધ, બુદ્ધ, નિરંજન, નિરાકાર આત્મા છું' એવું ચિંતન ચાલું હોવા છતાં પણ આત્મભાવ સાથેની એકાગ્રતા, તન્મયતા કે મગ્નતા આવતી નથી. આવા મહાત્માઓ જો સાવધાન ન રહે તો પુન: કાષાયિક ભાવોને આધીન થઈ શકે છે. આત્મધ્યાનનો પ્રવાહ અલિત થતાં તેઓમાં ફરી “હું પૌદ્ગલિક ભાવોનો કર્તા છું' એવા બોધવાળા લિપ્તતાજ્ઞાનની સંભાવના વધી જાય છે. આ સંભાવના વાસ્તવિક ન બની જાય તે માટે આ મહાત્માઓ ક્રિયાઓનું આલમ્બન સ્વીકારે છે અને વિવિધ ક્રિયાઓ દ્વારા પુન: નિર્લેપજ્ઞાનમાં મગ્ન બનવા પ્રયત્ન કરે છે. અર્થાત્ ચિત્તને નિશ્ચયનયની વાતોથી વાસિત રાખવામાં ઉપકારક એવી વ્યવહાર નયની ક્રિયાઓમાં પણ પ્રયત્નશીલ રહે છે.
આમ લિપ્તતાનું જ્ઞાન પોતાને પુનઃ પૌદ્ગલિક ભાવમાં ખેંચી ન જાય અને પોતે નિર્લેપજ્ઞાનને અભિમુખ રહે તે માટે જ્ઞાનમગ્નયોગી આવશ્યકાદિ ક્રિયાઓ, સમિતિ-ગુપ્તિનું પાલન આદિમાં પ્રયત્નશીલ રહે છે. તેમનો આ પ્રયત્ન જ લિપ્તતા જ્ઞાનના આગમનને (સંપાતને) અટકાવે છે. ૩૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org