________________
૧૦૪
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર કરવા યોગ્ય નથી, પરંતુ પરિપક્વ બુદ્ધિવાળા (Spiritually mature) શ્રોતા સામે જ કરવા યોગ્ય છે.
જે સાધકો ભગવાનના વચનામૃતનું શ્રવણ કરે છે, તેના ચિંતન, મનન દ્વારા પોતાના કાષાયિક ભાવો શાંત કરે છે, પ્રભુએ બતાવેલા ક્રિયા માર્ગને સુદઢ રીતે સેવે છે, ક્રિયાના સૂક્ષ્મ ભાવોને જાણી તેના માધુર્યને માણી શકે છે, તપ, ત્યાગ દ્વારા વિષયાસક્તિને ઓછી કરી શકે છે, તેના દ્વારા ચિત્તને અસંગી બનાવી, આંશિક પણ આત્માનો આનંદ અનુભવી શકે છે; તે સાધકો આધ્યાત્મિક ક્ષેત્રે પરિપક્વ બોધવાળા કહેવાય છે.
આના ઉપરથી સ્પષ્ટ સમજાય તેવું છે કે, આધ્યાત્મિક ક્ષેત્રમાં માત્ર જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલી બુદ્ધિની તીક્ષ્ણતા એ બુદ્ધિની પરિપક્વતા નથી, પરંતુ તેના માટે તો જ્ઞાનાવરણીયના ક્ષયોપશમની સાથે મોહનીયકર્મનો ક્ષયોપશમ હોવો અનિવાર્ય છે, કેમકે આત્મસાધનાના ક્ષેત્રમાં પ્રજ્ઞાની તીક્ષ્ણતા કરતાં પ્રજ્ઞાની નિર્મળતાનું વધુ મહત્ત્વ છે.
નિર્વિકલ્પની એટલે કે નિશ્ચયની વાતો કરતાં પહેલાં ઉપદેશક શ્રોતાના બોધને પરિપક્વ બનાવવા મહેનત કરવી જોઈએ. શ્રોતા અલ્પ ક્ષયોપશમવાળો હોય કે તીવ્ર બુદ્ધિસંપન્ન હોય, પરંતુ સૌ પ્રથમ તો તેને સંસારની નિ:સારતા સમજાવી, તેને આત્મિકશુદ્ધિ માટેનો વ્યવહારમાર્ગ જ દર્શાવવો જોઈએ. તે માટે જિનવાણી શ્રવણ, સુદેવ-સુગુરુની ઉપાસના, દાન-શીલ-તપ અને ભાવધર્મ વગેરે શ્રાવકજીવનના તથા ચરણસિત્તરી અને કરણસિત્તરારૂપ શ્રમણજીવનના અનેક પ્રકારના આચારો કે અનુષ્ઠાનો બતાવી, તેના દ્વારા વિષય-કષાયની આધીનતાથી મલિન બનેલા ચિત્તને કેવી રીતે શુદ્ધ બનાવવું તેનો માર્ગ બતાવવો જોઈએ. સમિતિ-ગુપ્તિના સેવનથી મન-વચન-કાયાને નિયંત્રિત બનાવવાની કળા શીખવાડવી જોઈએ. ટૂંકમાં પ્રારંભિક ભૂમિકામાં સાધકને ભગવાને બતાવેલી તપ-સંયમની ક્રિયાઓ દ્વારા ચિત્તને નિ:સ્પૃહ બનાવવાની કેળવણી આપવી જોઈએ.
વ્યવહાર આધારિત આવો ઉપદેશ પામી, જ્યારે સાધક વ્યવહાર દ્વારા જે કક્ષાની નિર્મળતા સાધી શકાય તે કક્ષાની નિર્મળતા સાધી લે ત્યારે તે પરિપક્વ બન્યો કહેવાય. ત્યાર પછી તેને નિશ્ચયનય આધારિત નિર્વિકલ્પસમાધિનો ઉપદેશ આપવો જોઈએ. તે વખતે તેનો બોધ પરિપક્વ બન્યો હોવાને કારણે સાધક નિશ્ચયની વાતોનું યોગ્ય જોડાણ કરી શકશે અને તે દ્વારા નિશ્ચય નયથી સાધ્ય એવી વિશેષ શુદ્ધિ પણ પ્રાપ્ત કરી શકશે. તપ-સંયમાદિ દ્વારા તેણે એક પ્રકારની ચિત્તશુદ્ધિનો અનુભવ કર્યો હોવાથી નિશ્ચયની સંપૂર્ણ નિર્લેપતાની અને અસંગભાવની વાતો તેને વધુ ચિત્તશુદ્ધિના ઉપાય સ્વરૂપ જણાશે. પરિણામે તે તેમાં યત્ન કરી શકશે અને આત્મિક આનંદની અપૂર્વ અનુભૂતિ સુધી પહોંચી શકશે. આ રીતે વ્યવહારમાં નિષ્પન્ન થયેલા સાધકને નિશ્ચયની વાતો અત્યંત ઉપકારક બનતી હોવાથી તેને જ નિશ્ચયની વાતો કરવી જોઈએ, પરંતુ સર્વને નહિ.
અહીં ચોક્કસ પ્રશ્ન ઊઠી શકે કે, અંતે પરમ સમતા કે મોક્ષરૂપ ફળ તો નિર્વિકલ્પ સમાધિથી જ મળવાનું છે, તો પછી આવી નિશ્ચયની -પરમધ્યાન અને પરમસમાધિની વાતો સૌને પ્રથમથી જ કેમ ન કરાય ? એનો જવાબ એ છે કે, નિશ્ચયનયની વાતો નિર્મળ બનેલી પ્રજ્ઞારૂપ સૂક્ષ્મ બુદ્ધિગમ્ય હોય છે. તે નિર્મળ પ્રજ્ઞા કે આંતરિક શુદ્ધિ તપ-સંયમરૂપ વ્યવહારના સેવનથી પ્રગટ થાય છે અને તે નિર્મળ તથા સૂક્ષ્મ બુદ્ધિ વિના શુદ્ધ
For Personal & Private Use Only
Jain Education International
www jainelibrary.org