________________
૪૨
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર
ભાવાર્થ :
સવિકલ્પસમાધિમાં સમવસરણસ્થ જિન કે જિનપ્રતિમા આદિના આલમ્બનથી ચિત્તને આત્મભાવમાં સ્થિર કરવા પ્રયત્ન કરાય છે, તેથી તેને સાલમ્બનયોગ કહેવાય છે. નિર્વિકલ્પસમાધિમાં સર્વ બાહ્ય આલમ્બન છોડી પરમાત્માની સિદ્ધ અવસ્થાનું ધ્યાન કરી શુદ્ધ આત્મતત્ત્વને જોવા યત્ન કરાય છે, તેથી રૂપી પદાર્થના આલમ્બન વગરની આ સમાધિને નિરાલમ્બનયોગ કહેવાય છે. સામે દર્પણ હોય તો મુખનું પ્રતિબિંબ (છાયા) દર્પણમાં પડે છે; પરંતુ દર્પણ ન હોય તો તે પ્રતિબિંબ મુખમાં જ સમાઈ જાય છે, તેમ નિરાલમ્બનધ્યાનમાં બાહ્ય કોઈ આલમ્બન ન હોવાને કારણે જ્ઞાનનો ઉપયોગ બાહ્ય શેયના આકારવાળો બનતો નથી; પરંતુ આત્મસ્વરૂપ જ્ઞાનમાં જ વિશ્રાન્ત પામે છે. વિશેષાર્થ :
યોગમાર્ગની સાધના કરતો પ્રથમ કક્ષાનો સાધક સાક્ષાત્ સદેહે વિચરતા પરમાત્મા કે તેમની મૂર્તિનું ધ્યાન કરી, તેમનું આલમ્બન લઈ પોતાના શુદ્ધસ્વરૂપને પ્રગટ કરવાનો પ્રયત્ન કરે છે. આ અવસ્થામાં ગુણો પ્રત્યેનો રાગ હોવાથી સાધકના ચિત્તમાં સતત ગુણ પ્રાપ્તિના શુભ સંકલ્પો અને વિકલ્પો વર્તતા હોય છે. તેથી જ આ ધ્યાનને શુભ-ઉપયોગરૂપ સવિકલ્પસમાધિ કે સાલમ્બનયોગ કહેવાય છે.
સાલમ્બનધ્યાનના સહારે આગળ વધતાં સાધક એટલો સક્ષમ બને છે કે તેને કોઈ બાહ્ય લમ્બનની જરૂરીયાત રહેતી નથી. ત્યારે સાધક બાહ્યમૂર્તિ આદિના ધ્યાનને છોડી આત્માના કે પરમાત્માના મૂળભૂત સ્વરૂપનું એટલે કે જ્ઞાનાદિ ગુણોનું આલમ્બન લઈને જ ધ્યાન કરે છે. તે ધ્યાનને નિર્વિકલ્પસમાધિ કે નિરાલમ્બનયોગ કહેવાય છે. તેમાં સાધક અરૂપી એવા પરમાત્માના જ્ઞાનાદિ ગુણોની સાથે તાદાભ્ય સાધી શકે છે. જે શાસ્ત્રમાં “સમાપત્તિ તરીકે ઓળખાય છે.
અહીં ચોક્કસ પ્રશ્ન ઊઠે કે, નિરાલમ્બનયોગમાં પણ શુદ્ધ આત્માનું આલમ્બન તો છે જ, તો પછી તેને નિરાલમ્બન શા માટે કહેવાય છે ? વાત સાચી છે કે અહીં આમ તો શુદ્ધ આત્મતત્વનું આલમ્બન લઈને જ જ્ઞાનનો ઉપયોગ પ્રવર્તે છે, તેથી તેને નિરાલમ્બન ન કહેવાય પરંતુ કોઈ રૂપી પદાર્થનું આલમ્બન લઈને જ્ઞાનનો ઉપયોગ પ્રવર્તતો નથી, વળી જે શુદ્ધ આત્મતત્ત્વનું આલમ્બન લેવાય છે તે પણ આત્મા અરૂપી હોવાથી ઇન્દ્રિયનો જરાપણ વિષય બનતો નથી, તેથી તે આલમ્બન પણ આલમ્બન ન હોવા બરાબર છે, આથી જેમ વ્યવહારમાં ઓછા મીઠાવાળી દાળને મીઠા વિનાની દાળ કહેવાય છે, તેમ ઇષતું એટલે કે કાંઈક આલમ્બન હોવા છતાં આ યોગને નિરાલમ્બન યોગ કહેવાય છે.
આ પદાર્થને સમજાવવા ગ્રંથકારશ્રી કહે છે કે, જેમ સામે દર્પણ હોય તો મુખનું પ્રતિબિંબ દર્પણમાં પડે; પરંતુ જો સામે દર્પણ જ ન હોય તો મુખનું પ્રતિબિંબ (છાયા) મુખમાં જ સમાઈ જાય છે, તેમ જ્યારે કોઈ બાહ્ય પદાર્થ જ્ઞાનનો વિષય બનતો હોય ત્યારે જ્ઞાનનો ઉપયોગ શેયનો (જ્ઞાનના વિષયનો) આકાર ધારણ કરે, પણ નિરાલમ્બન યોગમાં કોઈ બાહ્ય પદાર્થ જ્ઞાનના વિષય તરીકે ઉપસ્થિત ન હોવાથી જ્ઞાનનો ઉપયોગ શેયનો આકાર ધારણ કરતો નથી, ત્યારે શુદ્ધ આત્માના કેવળજ્ઞાનાદિ ગુણો જ જ્ઞાનના વિષય હોવાથી જ્ઞાનનો ઉપયોગ પોતાના શુદ્ધજ્ઞાનના સ્વરૂપને જોવામાં જ વિશ્રાન્તિ પામે છે. ૧૭lી.
1. “સમાપત્તિ'ની વિશેષ વિગતો માટે પહેલા અધિકારની ગાથા ૧૪ જોવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org