________________
૧૮
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર
વિશેષાર્થ :
સ્ફટિક જેમ નિર્મળ છે, છતાં લાલ ફુલરૂપ ઉપાધિના સાન્નિધ્યથી તે લાલ દેખાય છે. તેમ આત્મા નિર્મળ છે, છતાં કર્મરૂપ ઉપાધિના કારણે તે શરીરાદિ બાહ્યભાવોવાળો તથા રાગાદિના વિકૃત ભાવવાળો દેખાય છે'. શાસ્ત્રીય ભાષામાં ઉપાધિ એક એવો દોષ છે કે જેના કારણે વસ્તુ તેના મૂળસ્વરૂપ કરતાં જુદી જ દેખાય છે, આથી જ શાસ્ત્રકારો કર્મને ઉપાધિ કહે છે.
સૂક્ષ્મબુદ્ધિ નહિ હોવાને કારણે જીવ કર્મની ઉપાધિથી ઉત્પન્ન થયેલા ભાવોને પોતાના માને છે અને પછી “હું રૂપવાન છું' - “બુદ્ધિશાળી છું' - “હું મોટો છું' - “હું ધનવાન છું” તેવા ભ્રમ સેવે છે. વળી કર્મકૃત શરીર, ધન આદિને પોતાના માનવાને કારણે તેની સુંદરતામાં હર્ષિત થાય છે, અસુંદરતામાં દુ:ખી થાય છે. કર્મના ઉદયથી થનાચ શાતા અને અશાતાના ભાવો કે રાગાદિ ભાવો પણ મને જ થાય છે, એવી આ મૂઢ જીવોની બુદ્ધિ હોય છે.
જડ બુદ્ધિવાળા આવા જીવો બિચારા આત્માને પણ જાણતા નથી અને પરમાત્માને પણ જાણતા નથી. તીર્થંકર પરમાત્માના અષ્ટપ્રાતિહાર્યો, ચોત્રીસ અતિશયો આદિ પણ કર્મજન્ય ભાવો છે, તે કાંઈ પરમાત્માના ભાવો નથી, તોપણ જેઓ આવા કર્મકૃત ભાવોને પરમાત્માના ભાવો માને છે, તેઓએ પરમાત્માનું સ્વાભાવિક સચ્ચિદાનંદમય સ્વરૂપ હજું જાણ્યું જ નથી.
જે સાધક પરમાત્માની બાહ્ય સંપત્તિ આદિ જોઈને કે તીર્થંકરના અષ્ટ પ્રાતિહાર્યો આદિનું ધ્યાન કરીને કે દાનશીલ-તપ-ભાવધર્મની સાધના કરીને, પરમાત્માના એટલે કે શુદ્ધ આત્માના અંતરંગ ગુણ વૈભવને જોવા સૂક્ષ્મપ્રજ્ઞાથી પ્રયત્ન કરે છે, તે સાધકના મોહનીયના પડલો ભેદાય છે અને દિવ્ય દૃષ્ટિનો ઉઘાડ થાય છે. આ દિવ્ય દૃષ્ટિથી સાધક જોઈ શકે છે કે, શરીર તે આત્મા નથી અને આત્મા એ શરીર નથી; પરંતુ બન્ને સ્વતંત્ર છે.
શરીર કે કર્મો જડ છે અને આત્મા ચેતનવંતો છે. બન્નેના સ્વભાવ અલગ અલગ છે. કર્મો પોતાના ભાવો આત્માને આપી શકતા નથી અને આત્મા પોતાના ભાવો કર્મને આપી શકતો નથી. આત્મામાં કર્મને કારણે કોઈ ફેરફાર થતો નથી. જડ એવું કર્મ જે પણ ફેરફાર કરે છે તે જડ એવા શરીર આદિમાં જ થાય છે, આત્મામાં નહીં. આવી સમજ પ્રાપ્ત થતાં સાધક પરમાત્માના વાસ્તવિક સ્વરૂપનો બોધ પણ મેળવી શકે છે અને તેની આંશિક પ્રતીતિ પણ કરી શકે છે, વળી આવો બોધ પ્રાપ્ત થવાથી સાધકને પોતાનું શરીર પણ પોતાનાથી ભિન્ન દેખાય છે. શરીરાદિ કર્મકૃત ભાવો પ્રત્યે જ્ઞાતા-દ્રષ્ટા ભાવ કેળવી તે શરીરને જ્ઞાનના એક વિષયરૂપે અને સાધનાના એક અંગરૂપે જુવે છે, પણ તેની શાતા-અશાતાને પોતાની માનતો નથી, પરિણામે તે મોહના સકંજામાંથી મુક્ત બની સહજ જ્ઞાનપરિણામમાં લીન રહી શકે છે, આમ કરતાં કરતાં તેને સ્પષ્ટપણે પરમાત્માનું સ્વાભાવિક અખંડ આનંદમય અને અનંત જ્ઞાનમય સ્વરૂપ પ્રતીત થાય છે.
સારરૂપે સાધકે પરમાત્માને જાણવા શુદ્ધનયની દૃષ્ટિ કેળવી પૌલિક ભાવોથી જાતને ભિન્ન જોવા સતત પ્રયત્ન કરવો જોઈએ. ૨૯ો. 1. જિમ નિર્મળતા રે રત્નસ્ફટિક તણી, તિમ એ જીવ સ્વભાવ; તે જિન વીરે રે ધર્મ પ્રકાશિયો, પ્રબલ કષાય-અભાવ. શ્રી) ૧૭ જિમ તે રાતે રે ફૂલે રાતડું, શ્યામફૂલથી રે શ્યામ; પાપ પુણ્યથી 2 તિમ જગ જીવને, રાગદ્વેષ-પરિણામ. શ્રી. ૧૮
- ગ્રંથકારશ્રીકૃત સવાસો ગાથાનું સ્તવન //.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org