________________
ધર્મસંગ્રહ ભાગ-૧ | શ્લોક-૩
આત્માને એકાંતે નિત્ય કે એકાંતે અનિત્ય કહ્યો હોય તો, એકાંતે નિત્ય એવા આત્મામાં સંસારના ઉચ્છેદને અનુકૂળ અને મોક્ષને અનુકૂળ પ્રવૃત્તિ ઘટે નહિ અને ભગવાને આત્માને એકાંતે અનિત્ય કહ્યો હોય તોપણ એકાંતે અનિત્ય એવા આત્મામાં સંસારના ઉચ્છેદને અનુકૂળ અને મોક્ષને અનુકૂળ પ્રવૃત્તિ ઘટે નહિ. તેથી સર્વત્ર સ્યાદ્વાદના વચનના બળથી પદાર્થનું નિરૂપણ હોવાને કારણે ભગવાનનું વચન તાપશુદ્ધ છે.
૧૪
જે વચન કષ-છેદ-તાપશુદ્ધ હોય તે વચનથી કરાયેલી પ્રવૃત્તિ આત્માને એકાંતે કલ્યાણ ક૨ના૨ી છે. તેથી અવિરુદ્ધ વચનથી કરાયેલું અનુષ્ઠાન ‘ધર્મ’ કહેવાય છે.
વળી ગ્રંથકા૨શ્રી કહે છે કે આવું અવિરુદ્ધ વચન જિનપ્રણીત જ છે, અન્ય કોઈનું નથી; કેમ કે વચનને કહેવામાં નિમિત્ત એવા ભગવાનનો આત્મા રાગ, દ્વેષ અને મોહથી રહિત છે. અને જેઓ રાગ, દ્વેષ, મોહ રહિત નથી, તેઓનું વચન કોઈક સ્થાનમાં અવિરુદ્ધ મળે તોપણ ક્યારેક રાગને વશ મૃષા કહે, ક્યારેક દ્વેષને વશ મૃષા કહે, ક્યારેક મોહરૂપ અજ્ઞાનને વશ મૃષા કહે તેવું બને. તેથી રાગ-દ્વેષને વશ નહિ એવા ચૌદપૂર્વીથી પણ મોહને વશ મૃષાવચન થવાનો સંભવ રહે. પરંતુ વીતરાગ, સર્વજ્ઞ તીર્થંકરો તો કેવળજ્ઞાનને કારણે સહજ રીતે જગતના તમામ પદાર્થો યથાર્થ દેખે છે અને તેમનામાં મૃષાવચન કહેવાના કારણભૂત રાગ, દ્વેષ, અજ્ઞાન વિદ્યમાન નથી તેથી જે યોગમાર્ગને સેવીને પોતે વીતરાગ, સર્વજ્ઞ બન્યા અને તે યોગમાર્ગના ઉચિત સ્વરૂપને કેવળજ્ઞાનથી તેઓ સ્પષ્ટ જાણે છે અને જગતના ઉપકારાર્થે શબ્દ દ્વારા જે કાંઈ બતાવી શકાય તે સર્વ જગતના જીવોના હિત અર્થે ભગવાને બતાવેલ છે. માટે ભગવાનનું વચન અવિરુદ્ધ છે. વળી, અન્યદર્શનવાળા રાગાદિવાળા પણ છે. અને સ્વબુદ્ધિ અનુસાર સ્વ-સ્વદર્શનના શાસ્ત્રને રચનારા છે. તેઓના વચનમાં પણ કોઈક કોઈક દૃષ્ટિથી મોક્ષમાર્ગનું કંઈક કંઈક યથાર્થ વર્ણન દેખાય છે તે ઘુણાક્ષર ઉત્કિ૨ણ વ્યવહારથી પ્રાપ્ત થાય છે. અર્થાત્ જેમ કીડો કાષ્ઠમાં કોણી કરતો હોય અને કોઈક અક્ષર તેની ક્રિયાથી પ્રાપ્ત થાય તેમ યથાતથા પ્રલાપ કરનારા એવા તેઓનાં કોઈક વચનો મોક્ષમાર્ગના કોઈક સ્થાને યથાર્થ બતાવનારા છે. વળી માર્ગાનુસા૨ી બુદ્ધિવાળા જીવોને પણ કોઈક સ્થાને સ્વભાવિક યથાર્થ પદાર્થનું જ્ઞાન થાય છે તેથી તેઓને હિંસાદિ પ્રવૃત્તિ પાપરૂપે જણાય છે અને આત્મકલ્યાણને અનુરૂપ ઉચિત પ્રવૃત્તિ . ધર્મરૂપે જણાય છે. તે પણ પરમાર્થથી તો જિનપ્રણીત જ છે; કેમ કે ભગવાનના શાસનમાં તે પદાર્થોનું નિરૂપણ છે માટે પરિપૂર્ણ અવિરુદ્ધ વચન સર્વજ્ઞનું જ છે. બીજા કોઈનું નહિ. જે પણ અવિરુદ્ધ વચન છે તે સર્વ પણ દ્વાદશાંગી અનુપાતી હોવાથી સર્વજ્ઞના વચનાનુસાર છે. માટે જિનપ્રણીત વચન જ અવિરુદ્ધ વચન છે. અન્ય કોઈનું વચન સંપૂર્ણ અવિરુદ્ધ વચન નથી. તેથી કહેવું પડે કે વચનથી કરાયેલી પ્રવૃત્તિ ધર્મ છે, અન્ય નહિ.
વળી, તે અવિરુદ્ધ વચનથી કરાયેલી ધર્મપ્રવૃત્તિ પણ જે પ્રકારે કાલાદિની આરાધના રૂપે ભગવાને બતાવેલ છે તે પ્રમાણે કરાયેલી હોય તો ધર્મ બને પરંતુ જે પ્રવૃત્તિ જે કાળમાં, જે વિધિથી ભગવાને ક૨વાની કહી છે તેનાથી વિપરીત રીતે પોતાની ઇચ્છાનુસાર કરવામાં આવે તો ભગવાનના વચન પ્રત્યેનું દ્વેષીપણું પ્રાપ્ત થાય. માટે તે રીતે સ્વમતિથી કરાયેલ અનુષ્ઠાન ધર્મ બને નહિ.