________________
૮૮
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર / બ્લોક-૫ થી ૧૪ આ રીતે ન્યાયાર્જિતધનાદિની પ્રવૃત્તિને ધર્મ સ્વીકારવામાં કોઈ દોષ નથી તોપણ અપ્રાપ્ત અંશમાં જ વિધિની પ્રવૃત્તિ હોય છે. જ્યારે પ્રાપ્ત એવા ધનાદિ અર્જનની પ્રવૃત્તિમાં વિધિની પ્રાપ્તિ નથી પરંતુ ન્યાયપૂર્વક ધનઅર્જન અંશમાં વિધિની પ્રાપ્તિ છે તેથી “ન્યાયાર્જિત ધન કમાવું ધર્મ છે' તેમ કઈ રીતે કહી શકાય ? અર્થાત્ કહી શકાય નહિ; કેમ કે ધન કમાવાની પ્રવૃત્તિ ધર્મરૂપ નથી. પરંતુ ધન કમાવાની ક્રિયામાં ન્યાયપૂર્વકની પ્રવૃત્તિ ધર્મ છે. એ પ્રકારની શંકા કરીને ગ્રંથકારશ્રી કહે છે – ઉદ્દેશ્યની વિષયતા અને વિધેયની વિષયતા ભિન્ન પ્રકારની છે એવા ઉદ્દેશ્ય-વિધેયભાવનું પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં નિયતપણું હોવા છતાં પણ ઇષ્ટ સાધન–ાદિરૂપ વિધિઅર્થનું ન્યાયાર્જિત વિશેષણથી વિશિષ્ટ એવા ધનમાં જ સંભવ છે. માટે ન્યાયપૂર્વક ધન કમાવાની પ્રવૃત્તિને ધર્મ કહી શકાય.
આશય એ છે કે કોઈ પુરુષ પોતાની ભૂમિકા પ્રમાણે ધન કમાવામાં અપ્રવૃત્ત હોય ત્યારે શિષ્ટપુરુષ તેને કહે કે સદ્ગહસ્થ પોતાની આજીવિકા અર્થે ન્યાયપૂર્વક ધન કમાવું જોઈએ. તે વખતે તે જીવને આશ્રયીને ન્યાયપૂર્વક ધન કમાવામાં વિધિની પ્રાપ્તિ છે; કેમ કે સગૃહસ્થ પોતાની આજીવિકા ભીખ માંગીને કરે અથવા આજીવિકાની ચિંતા કર્યા વગર જીવે તો ક્લેશની પ્રાપ્તિ થાય તે ગૃહસ્થ માટે ઉચિત નથી. તેથી તે સ્થાનમાં ન્યાયપૂર્વક ધન કમાવું તે વિધેયે છે અને તે સ્થાનમાં ક્લેશ વગરનું ધર્મપરાયણ જીવન જીવવું તે ઉદ્દેશ્ય છે. તેથી ક્લેશ રહિત ધર્મપરાયણ જીવન જીવવાને ઉદ્દેશીને ન્યાયપૂર્વક ધન કમાવામાં વિધિ છે. અને કોઈક ગૃહસ્થ ધન કમાવા માટે સ્વતઃ પ્રવૃત્ત હોય પરંતુ લોભને વશ ન્યાયનીતિને છોડીને અન્યાયથી પણ ધન પ્રાપ્ત કરતો હોય તેવા પુરુષને કહેવામાં આવે કે “ન્યાયપૂર્વક ધન કમાવું જોઈએ' તે સ્થાનમાં ધન કમાવાની પ્રવૃત્તિ સ્વતઃ પ્રાપ્ત હતી. તેથી ન્યાયપૂર્વક ધન કમાવાની પ્રવૃત્તિને ઉદ્દેશીને ન્યાયપૂર્વક પ્રવૃત્તિ કરવાનું વિધાન કરાય છે=તું જે ધન કમાવાની પ્રવૃત્તિ કરે છે તે અન્યાયપૂર્વક કરીશ નહીં પરંતુ ન્યાયપૂર્વક કરજે, એમ કહેવામાં આવે છે. તે સ્થાનમાં ન્યાયપૂર્વક ધન કમાવામાં વિધિ નથી; કેમ કે ધન કમાવાની પ્રવૃત્તિ સ્વતઃ પ્રાપ્ત હતી છતાં ન્યાયપૂર્વકની પ્રવૃત્તિ અપ્રાપ્ત હતી તેથી ન્યાયપૂર્વકની પ્રવૃત્તિ કરાવવામાં વિધિ છે. માટે તે સ્થાનમાં ન્યાયપૂર્વક અંશમાં જ વિધિની પ્રાપ્તિ છે. તોપણ સગૃહસ્થને માટે ઇષ્ટ એવી આજીવિકાનું સાધન અને ઇષ્ટ એવા ધર્મનું સાધન ન્યાયપૂર્વકનું ધન છે. તેથી આજીવિકા માટે અને ધર્મનાં કાર્યોમાં સવ્યય કરવાના આશયથી ન્યાયપૂર્વક ધન અર્જન કરે તે ગૃહસ્થ માટે ધર્મરૂપ છે; કેમ કે ન્યાયપૂર્વક ધન કમાય તો ધન કમાવામાં અનીતિનો પરિણામ થતો નથી અને ન્યાયપૂર્વક ધન કમાઈને ધર્મપ્રધાન જીવન જીવે તો તે ધનનો સન્માર્ગમાં વ્યય કરી તે ગૃહસ્થ ઉત્તમ ભાવો કરી શકે છે તે સર્વ ભાવો ધનના અભાવમાં થાય નહિ. તેથી ક્લેશ વગરની આજીવિકા અને સ્વભૂમિકા અનુસાર ઉચિત ધર્મકૃત્ય કરી શકે તેમાં સહાયક ન્યાયપૂર્વક કમાયેલું ધન છે. માટે ન્યાયપૂર્વક ધન કમાવાની પ્રવૃત્તિને ધર્મ કહેવામાં કોઈ દોષ નથી.
અહીં કહ્યું કે ઇષ્ટ સાધન–ાદિરૂપ વિધિઅર્થનો વિશિષ્ટમાં જ સંભવ છે ત્યાં આદિ પદથી બલવદ્ અનિષ્ટ અનનુબંધીત્વ અને કૃતિસાધ્યત્વનું ગ્રહણ છે. એથી એ પ્રાપ્ત થાય કે ગૃહસ્થ માટે જે ધનની પ્રાપ્તિ ઇષ્ટનું સાધન હોય, બલવાન અનિષ્ટનું અનનુબંધી હોય અને કૃતિથી સાધ્ય હોય તેવા ધનની પ્રાપ્તિ માટે ગૃહસ્થ ઉદ્યમ કરવો જોઈએ અને એ પ્રકારનો ગૃહસ્થનો ઉદ્યમ ધર્મ છે.