________________
ધર્મસંગ્રહ ભાગ-૧ / પ્રથમ અધિકાર | શ્લોક-૧૯
૨૧૯
તેથી એ ફલિત થાય કે આ દસ કા૨ણો જીવને પાપ બંધાવીને સંસારમાં પરિભ્રમણનું કારણ બને છે અને તે કા૨ણોનું સેવન કરીને પ્રાયઃ જીવ દુર્ગતિઓની પરંપરાને પ્રાપ્ત કરે છે. વળી, આ બંધનાં કારણોથી ઈતર અહિંસાદિ પાંચ મહાવ્રતો ભગવાનના વચનમાં સ્થિર શ્રદ્ધારૂપ સમ્યક્ત્વ અને ક્રોધાદિથી વિપરીત એવા ક્ષમાદિ ચાર ભાવો પુણ્યબંધની પ્રાપ્તિ દ્વારા, સદ્ગતિની પરંપરા પ્રાપ્ત કરાવે છે અને અંતે મોક્ષરૂપ ફળને આપે છે. આ પ્રકારે બંધનાં અને મોક્ષનાં કારણો બતાવ્યા પછી તેમાં યુક્તિ આપી કે સર્વ કાર્યો, અનુરૂપ કારણથી થાય છે. આથી જ વ્યવહારમાં જે જે કાર્યના અર્થી જીવો છે. તે તે કાર્યને અનુરૂપ તેવી કારણસામગ્રીમાં યત્ન કરીને ફળને પ્રાપ્ત કરે છે. તે પ્રમાણે હિંસાદિ કારણો જીવમાં તે પ્રકારના ક્લિષ્ટ ભાવો કરે છે. તે ક્લિષ્ટ ભાવોને અનુરૂપ પાપબંધ થાય છે અને તે પાપબંધને અનુરૂપ દુર્ગતિના પરિભ્રમણરૂપ કાર્ય થાય છે. વળી, તે હિંસાદિથી વિપરીત અહિંસાદિમાં યત્ન કરવાથી તે અહિંસાદિને અનુરૂપ જીવમાં અક્લિષ્ટ ભાવો થાય છે અર્થાત્ શુભ ભાવો થાય છે. તે શુભ ભાવોને અનુરૂપ પુણ્યબંધ અને નિર્જરા થાય છે; કેમ કે તે શુભ ભાવમાં જે જે મોહનો અભાવઅંશ છે, તે તે મોહના અભાવઅંશથી પૂર્વમાં તે તે પ્રકારના મોહથી બંધાયેલા પાપનો નાશ થાય છે. તે શુભ ભાવમાં જે જે અંશે પ્રશસ્ત શુભ લેશ્યા છે તે-તે અંશે પાપથી વિપરીત એવું પુણ્ય બંધાય છે. તેથી અહિંસાદિના સેવનરૂપ કારણથી થયેલા શુભ ભાવ દ્વારા પુણ્યબંધ અને નિર્જરારૂપ કાર્ય થાય છે અને તે પુણ્યબંધ અને નિર્જરારૂપ કારણને અનુરૂપ ઉત્તરમાં સુંદર ભવની પ્રાપ્તિ અને ગુણની સમૃદ્ધિરૂપ કાર્ય થાય છે. સુંદર ભવની પ્રાપ્તિ અને ગુણની સમૃદ્ધિરૂપ કારણને અનુરૂપ વિશિષ્ટ યોગમાર્ગના સેવનરૂપ કાર્ય થાય છે. જેના અંતિમ ફળરૂપે સર્વકર્મનો નાશ અને સર્વકર્મરહિત અવસ્થારૂપ મોક્ષ પ્રાપ્ત થાય છે. તેથી સુગતિની પરંપરા દ્વારા મોક્ષના અર્થી જીવે પાપબંધના હેતુ એવા હિંસાદિનો ત્યાગ કરવો જોઈએ અને મોક્ષના કારણભૂત એવા અહિંસાદિમાં ઉદ્યમ ક૨વો જોઈએ.
અહીં વિશેષ એ છે કે પૂર્વમાં સંસા૨ના કારણ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ કહેલાં તે જ પાંચ કારણોને અહીં મિથ્યાત્વથી તત્ત્વ અશ્રદ્ધાન કહેલ છે. હિંસાદિ પાંચથી, અવિરતિને ગ્રહણ કરેલ છે. ક્રોધાદિ ચાર કષાયોથી, કષાયને ગ્રહણ કરેલ છે. તેમાં પ્રમાદનો અંતર્ભાવ છે. આ સર્વ પાપનાં કારણો ઉચ્છેદ થાય ત્યારે જીવ વીતરાગ – સર્વજ્ઞ બને છે. ત્યારપછી સંસારનું એક કારણ યોગ રહે છે જેનો નિરોધ કરીને કેવલી સંસા૨નો ઉચ્છેદ કરે છે. તેથી વિવક્ષાના ભેદથી કથનભેદ છે. તેથી અનેક દૃષ્ટિકોણથી જીવને સંસારના હેતુઓનો બોધ થાય તે પ્રમાણે શાસ્ત્રમાં પ્રરૂપણા હોય છે. માટે સંસા૨ના કારણ રૂપે મિથ્યાત્વાદિ પાંચ કારણો પૂર્વમાં કહ્યાં અને પ્રસ્તુતમાં હિંસાદિ દસ કારણો બંધના હેતુ કહ્યાં, તેમાં પરસ્પર કોઈ વિરોધ નથી.
પૂર્વમાં બંધના અને મોક્ષના હેતુઓ બતાવ્યા હવે આત્મા સાથે જે કર્મનો બંધ થાય છે તે બંધના સ્વરૂપને કહે છે –
જીવ સાથે જે કર્મનો બંધ થાય છે તે પ્રવાહથી અનાદિમાન છે.