________________
૨૩૬
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | બ્લોક-૧૯
ચરમભવમાં જ પાકે છે અને તે જ વખતે બીજાધાનાદિના ક્રમથી મરુદેવામાતાને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ. અને જે જીવોની નિયતિ તેવી નથી તે જીવો કાળના પરિપાક પછી પોતાની નિયતિ અનુસાર બીજાધાનાદિના ક્રમથી સમ્યક્તની પ્રાપ્તિ યાવતું મોક્ષની પ્રાપ્તિ કરે છે. ૪. કર્મ -
અપચીયમાન સંક્લેશવાળું, જુદા જુદા પ્રકારના સંવેદનના હેતુ એવું કુશલાનુબંધી કર્મ સમ્યક્તની પ્રાપ્તિનો હેતુ છે. તેથી એ પ્રાપ્ત થાય કે જીવમાં મોહઆપાદક કર્મો છે જે સંક્લેશને કરનારા છે. પરંતુ જ્યારે જીવનું તથાભવ્યત્વ પરિપાકને અભિમુખ થાય છે અને સમ્યક્તને અભિમુખ જીવનો કાળ પાકે છે ત્યારે તે સંક્લેશ કરનારા કર્મો ક્ષીણ - ક્ષીણતર થઈ રહ્યાં છે અને તેના કારણે તે જીવને કુશલબુદ્ધિ પેદા કરાવે તેવું કર્મ વિપાકમાં આવે છે અને તેના કારણે જુદા જુદા પ્રકારના શુભ અધ્યવસાયોનું તે જીવોને સંવેદન થાય છે. આથી જ સમ્યક્તને અભિમુખ થયેલા જીવોનું તેવું કર્મ હોવાને કારણે જીવોને માર્ગાનુસારી બુદ્ધિ પ્રગટ થાય છે. આ માર્ગાનુસારી બુદ્ધિને આપાદક એવું કર્મ એ સમ્યક્તપ્રાપ્તિ પ્રત્યે હેતુ છે.
આથી એ ફલિત થાય કે ચરમાવર્ત બહાર-રહેલ જીવોનો તથાભવ્યત્વનો પરિપાક નહિ થયેલો હોવાથી તે જીવોનું કર્મ અતિ સંક્લેશ કરનારું હોય છે. અને તેના કારણે જ તે જીવોને તત્ત્વાતત્ત્વના વિભાગને અનુકૂળ માર્ગાનુસારી બુદ્ધિ પ્રગટ થતી નથી. તેના કારણે તેઓ સમ્યક્ત પામી શકતા નથી અને શાસ્ત્રવચન છે કે “બુદ્ધિ કર્માનુસારી” તેથી માર્ગાનુસારી બુદ્ધિ આપાદક એવું કુશલાનુબંધી કર્મ સમ્યક્ત પ્રાપ્તિ પ્રત્યે હેતુ છે. ૫. પુરુષકાર :- સમુપચિત પુણ્યના સંભારવાળો, મહાકલ્યાણના આશયવાળો, પ્રધાન પરિજ્ઞાનવાળો=મુખ્ય પદાર્થના બોધવાળો, અને ઉપદેશક દ્વારા પ્રરૂપણા કરાતા અર્થના પરિજ્ઞાનમાં કુશલ એવો પુરુષ એ જ પુરુષકાર છે. તે પુરુષકાર સમ્યક્તની પ્રાપ્તિ પ્રત્યે હેતુ છે.
આશય એ છે કે જ્યારે જીવ સમ્યક્તપ્રાપ્તિને અભિમુખ બને છે ત્યારે તે મહાત્માને પુણ્યનો સમૂહ. અત્યંત ઉસ્થિત થયેલો છે તેથી માર્ગાનુસારી બુદ્ધિ વર્તી રહી છે. આ માર્ગાનુસારી બુદ્ધિ મહાકલ્યાણના આશયવાળી છે અને આત્માને હિતકારી શું છે ? તેવા પ્રધાન અર્થને જાણવાને અનુકૂળ વ્યાપારવાળી છે. અને યોગ્ય ઉપદેશક દ્વારા તેની યોગ્યતાને અનુરૂપ જે અર્થપ્રરૂપણા કરાય છે, તે અર્થના પરિજ્ઞાનમાં કુશલ એવી તેની બુદ્ધિ પ્રવર્તે છે. તેના બળથી શાસ્ત્રવચનના પરમાર્થને તે જીવ પ્રાપ્ત કરે છે તે કુશલ વ્યાપાર
પુરુષકાર છે
આનાથી એ ફલિત થાય કે જીવનું તથાભવ્યત્વ જ્યારે પરિપાકને અભિમુખ બને તેવો કાળ પ્રગટ થાય ત્યારે તેની નિયતિને અનુસાર તેનામાં ઊહ પ્રગટે છે તેને અનુરૂપ તેનું કુશલાનુબંધકર્મ વિપાકમાં આવી રહ્યું છે અને તે કુશલાનુબંધીકર્મને અનુરૂપ તે જીવમાં ઉત્તમ આશય થાય છે અને તેથી ઉપદેશકાદિ દ્વારા કહેવાતા ઉપદેશનો સમ્યફબોધ કરવા તે જીવ સમ્યફ વ્યાપાર કરે છે. તેથી જીવમાં સમ્યક્ત પ્રગટે છે.