________________
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૯
૨૩૭
આમ, સમ્યક્તપ્રાપ્તિ પ્રત્યે તથાભવ્યત્યાદિ પાંચ હેતુઓનો સમુદાય કારણ છે
હેતુથી સમ્યક્ત બતાવ્યા પછી સ્વરૂપથી સમ્યક્ત બતાવે છે – ભગવાને જીવાદિ નવપદાર્થો જે પ્રકારે બતાવ્યા છે તે પ્રકારે જીવાદિ પદાર્થવિષયક તેવી રૂચિ=ભગવાને બતાવેલા જીવાદિ પદાર્થોને યથાર્થ જાણીને તે અનુસાર ઉચિત પ્રવૃત્તિ કરીને મારે આત્મહિત સાધવું છે તેવી તીવ્ર રુચિ, તે સમ્યક્તનું સ્વરૂપ છે. હેતુ અને સ્વરૂપથી સમ્યક્તને બતાવ્યા પછી ફલથી સમ્યક્ત શું છે ? તે બતાવે છે –
જીવમાં વર્તતી તત્ત્વાતત્વના વિભાગમાં બાધક એવી રાગ-દ્વેષની પરિણતિરૂપ ગ્રંથિ છે અને સમ્યક્તના : પ્રાપ્તિકાળમાં તે ગ્રંથિનો ભેદ થાય છે. તે ગ્રંથિનો ભેદ થયા પછી જીવને અત્યંત સંક્લેશ થતો નથી. અર્થાત્ ભોગાદિની ઇચ્છા તે સંક્લેશરૂપ છે. તોપણ વિવેકચક્ષુ ખૂલેલાં હોવાને કારણે ગાઢ આસક્તિનો અભાવ થવાથી અતિસંક્લેશ થતો નથી.
આશય એ છે કે કોઈ દોરીની ગાંઠ બંધાયેલી હોય અને લાંબા સમય સુધી રહેવાથી ગૂઢ, રૂઢ, કર્કશ એવી ગાંઠને ખોલવી અતિદુષ્કર છે. તેમ સંસારી જીવોને ઇન્દ્રિયને અનુકૂળ બાહ્યવિષયોમાં જ સારબુદ્ધિ વર્તે તેવી રાગાદિની પરિણતિરૂપ ગ્રંથિ અતિ મજબૂત થયેલી છે અને જીવો અનાદિકાળથી તે પ્રકારના ભાવોને કરીને બાહ્યપદાર્થને જોવાની દૃષ્ટિવાળા થયા છે અને કોઈક રીતે ઉપદેશાદિની સામગ્રીને પામીને ધર્મ કરે તોપણ તત્ત્વાતત્ત્વના વિભાગને અનુકૂળ માર્ગાનુસારી ઊહ પ્રગટ થતો નથી પરંતુ સ્વ-સ્વ દર્શન પ્રત્યેના પક્ષપાતથી જ ધર્મબુદ્ધિ થાય છે. તેથી સ્વદર્શનનો પક્ષપાત અને પરદર્શન પ્રત્યે અરુચિરૂપ રાગદ્વેષની પરિણતિ મજબૂત અને સ્થિર વર્તે છે, તેવા જીવોએ રાગ-દ્વેષની પરિણતિરૂપ ગ્રંથિનો ભેદ કર્યો નથી. પરંતુ જે જીવોમાં તત્ત્વ પ્રત્યેનો પક્ષપાત પ્રગટ્યો છે. તેથી સંસારના વાસ્તવિક સ્વરૂપને જોવા માટે નિર્મલદૃષ્ટિ પ્રગટી છે. અને તેના કારણે તત્ત્વાતત્ત્વના વિભાગને અનુકૂળ માર્ગાનુસારી ઊહ પ્રગટ્યો છે તેવા જીવોને જીવાદિ તત્ત્વો જે પ્રકારે ભગવાને બતાવ્યા છે તે પ્રકારે યથાર્થ ભાસે છે તેથી કોઈપણ દર્શનના પક્ષપાત વગર તત્ત્વ પ્રત્યેના પક્ષપાતથી તે જીવો શક્તિ અનુસાર જીવાદિ તત્ત્વોને જાણવા માટે અને જાણીને તે પ્રકારે ઉચિત પ્રવૃત્તિ કરવા માટે યત્ન કરે છે. તેવા જીવોમાં સમ્યત્વ વર્તે છે. અને સમ્યક્તને કારણે તેઓમાં નિર્મળબુદ્ધિ વર્તે છે. તેથી અવિરતિ આપાદક કર્મોના બળથી ભોગાદિની ઇચ્છારૂપ રાગાદિનો સંક્લેશ તેઓને થાય છે. તોપણ તે સંક્લેશ અત્યંત મંદ હોય છે. તેથી કહ્યું કે ગ્રંથિભેદ થયે છતે અત્યંત સંક્લેશ વર્તતો નથી. વળી આવા જીવો સમ્યક્તથી ભ્રષ્ટ થાય તોપણ પૂર્વના જેવો સંક્લેશ તેઓને ક્યારેય થતો નથી. તેમાં દૃષ્ટાંત કહે છે –
માળામાં પરોવવા માટે મણિમાં છિદ્ર પાડેલું હોય અને કોઈક રીતે તે છિદ્ર મલથી પૂર્ણ થાય તોપણ 'છિદ્ર નહિ પાડેલા મણિ જેવું તે છિદ્ર પાડેલું મણિ થતું નથી; કેમ કે તે મલથી પુરાયેલા છિદ્રના મલને કાઢવા માટે અલ્પ યત્નની આવશ્યકતા છે. પરંતુ ભેદ વગરના મણિમાં છિદ્ર પાડવા માટે અધિક યત્નની