________________
ધર્મસંગ્રહ ભાગ-૧ / પ્રથમ અધિકાર | શ્લોક-૧૯
૨૧૭
યોગ્ય શ્રોતાને ઉપદેશ આપતાં ઉપદેશક કહે કે બંધ-મોક્ષની ઉપપત્તિથી જ શાસ્ત્રની શુદ્ધિ છે, તેમ પૂર્વમાં બતાવ્યું. હવે બંધ-મોક્ષની ઉપપત્તિ કઈ રીતે સંગત થાય ? તે બતાવે છે
જે દર્શનકારો બધ્યમાન એવા આત્માને સ્વીકારતા હોય અને બંધનરૂપ કર્મને સત્ સ્વીકારતા હોય તેના મતમાં જ બંધ અને મોક્ષની ઉપપત્તિ થાય છે. જેઓ તેમ સ્વીકારતા નથી તેઓના મતમાં બંધ અને મોક્ષ કલ્પનામાત્ર સિદ્ધ થાય છે. જો કે સર્વ દર્શનકારો મોક્ષની વાતો કરે છે અને સંસારના ઉચ્છેદનો ઉપદેશ આપે છે તોપણ તેઓએ એકાંતવાદ સ્વીકારેલો હોવાથી આત્માને સ્વીકારવા છતાં આત્મા કર્મોથી બધ્યમાન છે અને આત્માથી બંધાતાં કર્મો વસ્તુરૂપે સત્ છે તેમ સ્વીકારતા નથી. તેને સામે રાખીને જ અહીં કહે છે કે અનુભવ અનુસાર પદાર્થ વિચારવામાં આવે તો આત્મા કર્મોથી બધ્યમાન હોય અને આત્માથી અતિરિક્ત જ્ઞાનાવરણીયાદિ કર્મો વિદ્યમાન હોય અને તેનાથી આત્મા બંધાતો હોય તો જ બંધ અને મોક્ષ ઘટે, અન્યથા ઘટે નહિ. આ રીતે જૈનદર્શન સ્વીકારે છે; કેમ કે આત્માને પરિણામી સ્વીકારે છે અને સંસારાવસ્થામાં રહેલા આત્માઓ ચૌદ પ્રકારના જીવસ્થાનરૂપ ચૌદ ભૂત ગ્રામના ભેદવાળા છે અને તેઓ કર્મથી બંધાયેલા છે અને નવાં કર્મોથી બધ્યમાન છે; કેમ કે કર્મબંધના હેતુ એવા મિથ્યાત્વાદિ પાંચ કારણોમાંથી જેમને જે કારણો વિદ્યમાન હોય તે કારણોથી તેઓને બંધ થાય છે. આથી જે જીવોમાં મિથ્યાત્વાદિ પાંચ બંધનાં કારણો છે તે જીવો તે પ્રકારનાં કર્મોને બાંધે છે અને તે પાંચ કારણોમાંથી બંધનું જે જે કા૨ણ ઉચ્છેદ થાય છે તે તે કારણજન્ય કર્મબંધ અટકે છે અને આથી જ મિથ્યાત્વાદિ ચાર કારણોનો ઉચ્છેદ થયો છે એવા કેવલીને પણ કર્મબંધનું યોગરૂપ કારણ વિદ્યમાન હોવાથી યોગકૃત કર્મબંધ થાય છે. જ્યારે કેવલી યોગનિરોધ કરે છે ત્યારે સર્વ કારણોનો અભાવ થવાથી કર્મબંધ થતો નથી અને જે કર્મો બંધાય છે તે કર્મો પણ વસ્તુ રૂપે સત્ એવા કાર્મણવર્ગણાના પુદ્ગલો જૈનદર્શન સ્વીકારે છે. તેથી જૈનદર્શનમાં બંધમોક્ષની ઉપપત્તિ અનુભવને અનુરૂપ સિદ્ધ થાય છે.
હવે, જે દર્શનવાળા મોક્ષનો ઉપદેશ આપે છે; આમ છતાં, બધ્યમાન એવા આત્માને માનતા નથી અથવા બધ્યમાન એવા કર્મને માનતા નથી તેમને બતાવે છે .
તેમાં પ્રથમ આત્માને બધ્યમાન નહિ માનનાર સાંખ્યમતના વચનને કહે છે સાંખ્યદર્શનકારો આત્માને ફૂટસ્થનિત્ય માને છે. તેથી તેઓ કહે છે કે આત્મા બંધાતો નથી અને આત્મા સંસારમાં પરિભ્રમણ કરતો નથી, પરંતુ આત્મા તો સદા પોતાના સ્વરૂપમાં જ રહેલો છે.
આ વચન સાંભળીને વિચારકને પ્રશ્ન થાય કે આ સંસાર દેખાય છે તે શેનાથી ઉત્પન્ન થયો ? તેથી કહે
–
જુદા જુદા જીવના આશ્રયવાળી પ્રકૃતિ સંસરણ કરે છે=સંસારમાં પરિભ્રમણ કરે છે, બંધાય છે અને મુકાય છે. તેથી પ્રકૃતિને જ બંધ અને મોક્ષ છે. તે પ્રકૃતિના જ બંધ અને મોક્ષનો ઉપચાર આત્મામાં કરાય છે. તેથી કહેવાય છે કે આત્મા બંધાય છે અને આત્મા મુકાય છે.
આ પ્રકારના સાંખ્યદર્શનના સ્વીકાર પ્રમાણે આત્મા અનુપચરિત બધ્યમાન નથી, પરંતુ ઉપચિરત બધ્યમાન છે. તેથી સાંખ્યદર્શનમાં બંધ અને મોક્ષની ઉપપત્તિ થાય નહિ.