________________
૨૨૪
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૯ અહીં કદાચ શ્રોતા કહે કે તો પરલોક નથી તેમ માનીએ તો શું વાંધો ? તેથી ઉપદેશક કહે છે –
સર્વ શિષ્ટપુરુષો વડે પરલોક પ્રમાણ રૂપે સ્વીકારાયેલો છે અર્થાત્ પ્રામાણિક પ્રતીતિથી પરલોક ઘટે છે તેમ સ્વીકારાયું છે.
પરલોકને સ્વીકારવાની પ્રામાણિક પ્રતીતિ સ્પષ્ટ કરે છે –
સંસારી જીવોને જે જે અભિલાષ થાય છે તે સર્વ અભિલાષ, પૂર્વના અભિલાષપૂર્વક હોય છે. જેમ યૌવનકાળના અભિલાષ બાલકાળના અભિલાષપૂર્વક હોય છે. અને તે દિવસે જન્મેલ બાળક સ્તનપાનની અભિલાષા કરે છે. તેથી જણાય છે કે આ અભિલાષ પણ પૂર્વના કોઈ અભિલાષપૂર્વક છે અને પૂર્વનો અભિલાષ નિયમથી ભવાતંરનો અભિલાષ છે.
આશય એ છે કે અભિલાષ તે ઇચ્છારૂપ છે. ઇચ્છા કેમ કરવી તેનો કોઈને બોધ ન હોય તો તેને કોઈ દિવસ ઇચ્છા થાય નહિ અને બાલકાળમાં બાલ્યભાવને અનુરૂપ બાલને ઇચ્છા હતી તેથી યૌવનકાળમાં યૌવનભાવને અનુરૂપ તે ઇચ્છા કરે છે. જેમ તે દિવસનું જન્મેલું બાળક સ્વભૂમિકાનુસાર સ્તનપાન કરવાનો અભિલાષ કરે છે. આ અભિલાષ કરવાનો-પરિણામ પૂર્વમાં કરેલા અભિલાષના સંસ્કારોથી ઉત્પન્ન થયો છે. અને તે અભિલાષના સંસ્કારોનું કારણ પૂર્વ જન્મનો અભિલાષ છે; કેમ કે બાળકના જન્મ પૂર્વનો અભિલાષ બતાવે છે કે આ બાળકે પૂર્વભવમાં સ્વભૂમિકાનુસાર અભિલાષ કરેલ છે તેથી અભિલાષ કરનાર આત્મા પૂર્વભવમાં હતો એમ સિદ્ધ થાય છે.
પૂર્વમાં સ્થાપન કર્યું કે દેહથી અભિન્ન આત્માને સ્વીકારવામાં આવે તો પરલોકનો અભાવ પ્રાપ્ત થાય. હવે સાંખ્ય દર્શનકારો આત્માને કૂટસ્થ નિત્ય માને છે અને દેહને આત્માથી એકાંત ભિન્ન માને છે. તેમ સ્વીકારીએ તો શું દોષ પ્રાપ્ત થાય ? તે બતાવવા અર્થે કહે છે –
સાંખ્યદર્શનકારો માને છે તેમ દેહ અને આત્માનો એકાંતભેદ સ્વીકારવામાં આવે તો વર્તમાનમાં જે મનુષ્ય શુભ કે અશુભ કૃત્યો કરે છે તે શુભ કે અશુભ કૃત્યો તેના દેહે કરેલ છે, આત્માએ કર્યા નથી તેમ માનવું પડે. તેથી તે દેહથી કરાયેલા શુભાશુભ કૃત્યનું ફળ સુખ-દુઃખના અનુભવ રૂપે આત્માને થાય છે તે અનુભવ આત્માને થવો જોઈએ નહિ; કેમ કે જેમ કોઈ અન્ય પુરુષ શુભ કે અશુભ કર્મ કરે તેનું ફળ અન્યને પ્રાપ્ત થતું નથી તેમ કોઈ મનુષ્ય શુભ કે અશુભ કૃત્ય કરતો હોય અને તેનો આત્મા દેહથી સર્વથા ભિન્ન હોય તો તે મનુષ્યના દેહથી કરાયેલા શુભ-અશુભ કર્મનું ફળ તેના આત્માને થાય નહિ અને દેહથી કરાયેલાં કર્મોનું ફળ સુખદુઃખના વેદનરૂપે તેના આત્માને થાય છે તેમ સ્વીકારીએ તો કૃતનાશ અને અકૃત અભ્યાગમનો દોષ આવે; કેમ કે દેહે તે શુભ કે અશુભ કર્મો કર્યા છે અને તે દેહને તેનું ફળ મળ્યું નથી તેથી દેહ વડે કરાયેલા કર્મનો દેહને ફળ આપ્યા વિના નાશ થયો તેથી કૃતનાશ દોષ આવ્યો અને દેહથી ભિન્ન એવા આત્માએ તે કૃત્યો કર્યા નથી છતાં દેહ વડે કરાયેલાં કર્મોનું ફળ તે આત્માને પ્રાપ્ત થયું તેમ કહેવાય તેથી અકૃત અભ્યાગમ દોષ આવ્યો. આથી કૃતનાશ અને અકૃત અભ્યાગમ નામના દોષ હોવાને કારણે દેહથી સર્વથા ભિન્ન આત્મા છે તેમ જ સાંખ્ય દર્શને માને છે તે ઉચિત નથી. પરંતુ દેહથી કથંચિત અભિન્ન આત્મા