________________
૨૧૮
ધર્મસંગ્રહ ભાગ-૧) પ્રથમ અધિકાર | શ્લોક-૧૯ વળી, પૂર્વમાં કહ્યું કે આત્માને બધ્યમાન સ્વીકારવાથી અને વસ્તુરૂપે સતું એવા કર્મને બંધનરૂપે સ્વીકારવાથી બંધ-મોક્ષની ઉપપત્તિ થાય છે. તેથી હવે વસ્તુરૂપે સત્ એવા કર્મને બંધનરૂપે નહિ સ્વીકારનાર સૌગતમત શું માને છે ? તે બતાવીને તેના મનમાં બંધ-મોક્ષ સંગત નથી તે બતાવતાં કહે છે –
સૌગતો=બૌદ્ધમત, કહે છે કે રાગાદિ ક્લેશથી વાસિત એવું ચિત્ત જ સંસાર છે અને તે રાગાદિ ક્લેશથી રહિત ચિત્ત જ ભવનો અંત છે=મોક્ષ છે. તેથી સૌગતના મતાનુસાર વસ્તરૂપે સત્ એવા કર્મો બંધનરૂપે સ્વીકારાતાં નથી, પરંતુ રાગાદિવાળું ચિત્ત જ સંસાર છે તેમ સ્વીકારાય છે. તેથી આત્માથી અતિરિક્ત એવાં કર્મોથી આત્મા બંધાયેલો નહિ હોવા છતાં રાગાદિવાળો આત્મા સંસાર છે તેમ ફલિત થાય અને રાગાદિભાવ વગરનો આત્મા મુક્ત છે તેમ સિદ્ધ થાય. પરંતુ આત્માથી અતિરિક્ત વસ્તુરૂપે સત્ એવાં કર્મો બંધનરૂપે તેઓ સ્વીકારતા નથી. તેથી તેમના મતે પણ બંધ-મોક્ષ સંગત થાય નહિ.
બૌદ્ધદર્શનવાળા કર્મને આત્માથી ભિન્ન વસ્તુરૂપે સ્વીકારતા નથી તેથી તેના મતમાં બંધન ઘટે નહિ તે યુક્તિથી સ્પષ્ટ કરતાં કહે છે –
જે જેનાથી અવ્યતિરિક્ત=અભિન, સ્વરૂપવાળું છે તે તે જ છે અર્થાત્ બૌદ્ધ મતાનુસાર ચિત્તથી અતિરિક્ત સ્વરૂપવાળું કર્મ છે, તેથી તે કર્મ ચિત્તસ્વરૂપ જ છે. આમ સ્વીકારીએ તો ચિત્તથી જ ચિત્ત બંધાય છે તેમ પ્રાપ્ત થાય પરંતુ ચિત્ત જ ચિત્તથી બંધાય છે તે પ્રકારની પ્રતીતિ લોકવિરુદ્ધ સિદ્ધ થાય. વસ્તુતઃ લોકપ્રતીતિ અનુસાર બધ્યમાન એવો પુરુષ અને બંધન એવી બેડી આદિ જુદા જુદા સ્વભાવવાળી વસ્તુ છે. તેમ બધ્યમાન એવો આત્મા અને બંધન એવું કર્મ જુદાં છે તેમ માનવું ઉચિત છે. વળી, ચિત્ત જ સંસાર છે અને ચિત્ત જ મોક્ષ છે તેમ સ્વીકારીએ તો સંસારઅવસ્થામાં કેવલ ચિત્ત છે છતાં તે રાગાદિવાળું છે અને મુક્ત અવસ્થામાં કેવલ ચિત્ત છે છતાં મુક્ત છે તેમ સ્વીકારવું પડે. વસ્તુતઃ સંસારઅવસ્થામાં ચિત્તથી અતિરિક્ત કર્મ ન હોય તો કેવલ ચિત્ત રાગાદિવાળું થઈ શકે નહિ અને જો ચિત્તથી અતિરિક્ત કર્મ નહિ હોવા છતાં સંસારઅવસ્થામાં પણ રાગાદિવાળું ચિત્ત હોય તો મુક્ત અવસ્થામાં પણ તે ચિત્ત રાગાદિ અભાવવાળું થઈ શકે નહિ. માટે સંસારઅવસ્થાવાળા ચિત્તનો અને મુક્ત અવસ્થાવાળા ચિત્તનો ભેદ કરવા અર્થે માનવું જોઈએ કે સંસારઅવસ્થામાં ચિત્તથી અતિરિક્ત કર્મ છે તેથી તે ચિત્ત રાગાદિવાળું થયેલ છે અને મુક્ત અવસ્થામાં તે કર્મોનું વિગમન થયેલ છે તેથી તે ચિત્ત રાગાદિ વગરનું થયેલ છે. અહીં ‘ચિત્ત” શબ્દથી પરમાર્થથી આત્માનું જ ગ્રહણ છે.
ઉપદેશકે પૂર્વમાં યોગ્ય શ્રોતાને કહ્યું કે, બધ્યમાન એવો આત્મા અને સ્વરૂપથી સત્ એવું બંધનરૂપ કર્મ સ્વીકારવામાં આવે તો બંધ અને મોક્ષની ઉપપત્તિ થાય છે. આ પ્રકારે બોધ કરાવ્યા પછી બંધના હેતુઓ કયા છે ? અને મોક્ષના હેતુઓ કયા છે ? તેનો બોધ કરાવતાં કહે છે –
હિંસાદિ જીવના પરિણામવિશેષ છે અને તે બંધનાં કારણો છે. તે બંધનાં કારણોને સ્પષ્ટ કરતાં કહ્યું કે હિંસાદિ પાંચ, તત્ત્વનું અશ્રદ્ધાન અને ક્રોધાદિ ચાર કષાયો પાપના હેતુઓ છે.