________________
૧૪૯
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૯ યોગ્ય પણ જીવોને, ઉપદેશકે તે ગુણોના મર્મનો બોધ થાય તે પ્રકારે ઉચિત ઉપદેશ આપવો જોઈએ; કેમ કે સામાન્યથી જીવોનો સ્વભાવ હોય છે કે જે કંઈ દાન આપે તે લોકમાં દેખાવું જોઈએ. અને તે પ્રકારના પ્રચલિત માર્ગને કારણે ઉપદેશ સાંભળ્યા પછી પણ તેના સંસ્કારો નષ્ટ થતા નથી. માટે, ગંભીરતાપૂર્વક શ્રોતાની બુદ્ધિ અનુસાર પૂર્વમાં કહેલા એવા લોક-લોકોત્તર સામાન્ય ગુણોનું વર્ણન શ્રોતા આગળ કરવું જોઈએ.
વળી, તે સામાન્ય ગુણોના મર્મને જાણનારો શ્રોતા બને ત્યાર પછી તે સામાન્ય ગુણો કરતાં વિશેષ ગુણો તે શ્રોતા આગળ કહેવા જોઈએ. જેના વર્ણનમાં પાંચ મહાવ્રતોનું સ્વરૂપ આવે છે. અહિંસાદિ પાંચ મહાવ્રત સર્વધર્મવાળાને સામાન્યથી અભિમત છે; છતાં શ્રોતાની બુદ્ધિને અનુરૂપ જિનવચન અનુસાર તે પાંચ મહાવ્રતોનું વિશેષ સ્વરૂપ ઉપદેશ કે બતાવવું જોઈએ. જેથી શ્રોતાને પારમાર્થિક ધર્મનો યથાર્થ બોધ થાય. આ રીતે પ્રથમ સામાન્ય ગુણોનું વર્ણન બતાવ્યું અને પછી વિશેષ ગુણોનું વર્ણન કર્યું અને તે વર્ણન ઉપદેશકે પોતાની બુદ્ધિ અનુસાર વિસ્તારથી કરે છતાં તેના મર્મનો બોધ શ્રોતાને ન થાય તો તેની નિંદા કરે નહિ અર્થાત્ ઉપદેશક કહે નહિ કે તું મંદબુદ્ધિવાળો છું, જેથી આ રીતે વિસ્તારથી ગુણોનું સ્વરૂપ બતાવવા છતાં તને બોધ થતો નથી; કેમ કે એમ કહેવાથી તત્ત્વને જાણવાનો અર્થ એવો તે શ્રોતા તત્ત્વ સાંભળવા માટે વિમુખ ભાવવાળો બને તો તે શ્રોતાના અહિતની નિષ્પત્તિ પ્રત્યે ઉપદેશકને નિમિત્તભાવની પ્રાપ્તિ થાય. માટે પરના કલ્યાણના અર્થ એવા ઉપદેશકે જિજ્ઞાસુ શ્રોતાની નિંદા કરવી જોઈએ નહિ પરંતુ તેનામાં શુશ્રુષાભાવ પ્રગટ થાય તે પ્રકારે ઉપદેશ આપવો જોઈએ અર્થાત્ આ ગુણોનો માર્ગાનુસારી બોધ જ સર્વ કલ્યાણની પરંપરાનું કારણ છે તે પ્રકારે શ્રોતાની બુદ્ધિ અનુસાર બતાવીને તેનામાં શુશ્રુષા ગુણ પેદા થાય તેવો યત્ન કરવો જોઈએ. જેથી તે શ્રોતા ફરી ફરી તે ગુણોનું વર્ણન સાંભળવા યત્ન કરે, જ્યાં નિર્ણય ન થાય ત્યાં યોગ્ય પૃચ્છા કરે અને અંતે તે ગુણોના પરમાર્થને જાણનારો બને જેથી સર્વ કલ્યાણની પરંપરાની પ્રાપ્તિ થાય.
જે વક્તા તત્ત્વજિજ્ઞાસાથી ધર્મ સાંભળવા આવેલા શ્રોતાને પોતાના કથનથી બોધ થતો ન હોય ત્યારે તેનામાં શુશ્રુષા ગુણ પ્રગટ કરવા માટે ઉદ્યમ ન કરે અને ફરી ફરી ઉપદેશ આપ્યા કરે તો તે ઉપદેશક પિશાચગ્રસ્ત છે કે બોલવાના વાચાળ સ્વભાવવાળો છે. તેથી તત્ત્વનો અર્થી શ્રોતા હજી થયો નથી એવા પણ પરમાં તે પ્રકારનો ઉપદેશ આપે છે.
આનાથી એ ફલિત થાય કે ઉપદેશક શ્રોતાની યોગ્યતા જાણીને તેનામાં શુશ્રુષા ગુણ પ્રગટ થાય તેવો ઉપદેશ આપ્યા પછી સામાન્ય ગુણોનું વર્ણન કે વિશેષગુણોનું વર્ણન કરવું જોઈએ પરંતુ વિચાર્યા વગર ઉપદેશ આપવો જોઈએ નહિ. વળી, શુશ્રુષા ગુણવાળા એવા શ્રોતાની બુદ્ધિ એવી પટુ ન હોય તો તે ગુણોના સૂક્ષ્મ ભાવોને ધારણ કરી શકે નહિ. ત્યારે ઉપદેશકે તે વસ્તુનો ફરી ફરી ઉપદેશ આપવો જોઈએ; કેમ કે દઢ સંનિપાતવાળા રોગીને કટુકક્વાથ પાનનો ઉપચાર ફરી ફરી કરાય છે, તેમ જે જીવોમાં ધર્મના મર્મને જાણવાની મહાપ્રજ્ઞા નથી તેવા મંદબુદ્ધિવાળા પણ તત્ત્વના અર્થી શ્રોતાને ફરી ફરી ઉપદેશ અપાય છે. જેથી ફરી ફરી ઉપદેશને સાંભળીને તે શ્રોતાની તે પ્રકારની બુદ્ધિ વિકસિત થાય છે.