________________
૨૧૨
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૯ નથી ? તેનો પ્રથમ નિર્ણય કરવો જોઈએ. જે દર્શન આત્માને પરિણામી માનતું નથી પરંતુ આત્માને એકાંત નિત્ય માને છે તે દર્શનના વચનાનુસાર આત્મામાં પરિણામાન્તર થતું નથી તેથી તે દર્શનના વચનાનુસાર ધર્મની પ્રવૃત્તિ કરવાથી પણ જો આત્મામાં કોઈ પરિણામાન્તર ન થતું હોય તો ધર્મના સેવનનું કોઈ ફળ પ્રાપ્ત થાય નહિ માટે તે દર્શનનું વચન સમ્યક કૃતવચનરૂપ નથી. વળી, કેટલાક દર્શનકારો આત્માને એકાંત અનિત્ય માને છે. તે દર્શનના વચનાનુસાર આત્માનો બીજી ક્ષણમાં અભાવ પ્રાપ્ત થાય છે. તેથી તે દર્શનના વચનાનુસાર કરાયેલ ધર્મની પ્રવૃત્તિનું ફળ પણ પોતાને મળે છે તેમ કહી શકાય નહિ. માટે તે દર્શનને પણ પ્રમાણભૂત સ્વીકારી શકાય નહિ પરંતુ જે દર્શન આત્માને પરિણામી સ્વીકારે છે તે દર્શનના વચનાનુસાર પ્રવૃત્તિ કરવાથી જ ધર્મ - અધર્મની વ્યવસ્થા સંગત થાય છે. માટે આત્માદિને પરિણામી સ્વીકારનાર સાદ્વાદનો મત જ પ્રમાણભૂત છે તેમ નિર્ણય કરીને તે દર્શનના અભ્યાસ માટે યત્ન કરવો જોઈએ અને તે દર્શનના વચનાનુસાર શ્રુતના રહસ્યને પામીને પ્રવૃત્તિ કરવાથી સર્વ કલ્યાણની પ્રાપ્તિ થાય છે.
પૂર્વમાં કહ્યું કે કોઈ દર્શન કષ-છેદ-શુદ્ધ હોય અને તાપશુદ્ધ ન હોય તો તે દર્શન સ્વીકૃત થાય નહિ. જેમ કષ-છેદથી શુદ્ધ પણ સુવર્ણ તાપશુદ્ધ ન હોય તો તે, સુવર્ણરૂપે સ્વીકૃત થાય નહિ. તેની સ્પષ્ટતા કરતાં કહે છે –
તાપશુદ્ધિ હોતે છતે જ કષ-છેદ શુદ્ધિનું સફલપણું છે. કઈ રીતે તાપશુદ્ધ હોય તો જ કષ-છેરશુદ્ધિનું સફલપણું છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
જે દર્શન તાપથી શુદ્ધ હોય તે દર્શન આત્માને પરિણામી સ્વીકારે છે. તે દર્શનાનુસાર કરાતાં ધ્યાનઅધ્યયનાદિ કૃત્યો પૂર્વમાં બંધાયેલાં કર્મોની નિર્જરાનું કારણ બને છે; કેમ કે આત્માને પરિણામી સ્વીકારવાથી ધ્યાન-અધ્યયનની ક્રિયા દ્વારા આત્મામાં મોહના ઉન્મેલનને અનુકૂળ વ્યાપાર ઉલ્લસિત થાય છે, તેમ સ્વીકારી શકાય છે. જે વ્યાપારના બળથી પૂર્વમાં બંધાયેલાં કર્મોની નિર્જરા થાય છે. વળી, આત્મા પરિણામી હોય તો પ્રતિષેધ કરાતાં એવાં હિંસાદિથી નવાં કર્મોના ગ્રહણનો નિરોધ થાય છે; કેમ કે આત્મા પરિણામી હોવાથી હિંસાદિની પ્રવૃત્તિનો ત્યાગ કરવાને કારણે હિંસાદિથી જન્યભાવોનો અભાવ થાય છે તેમ સ્વીકારી શકાય છે અને તેના કારણે હિંસાદિજન્ય ભાવોથી બંધાતાં નવાં કર્મોનો નિરોધ થાય છે. આત્માને પરિણામી સ્વીકારવામાં ન આવે તો ધ્યાન-અધ્યયન આદિ દ્વારા પણ આત્મામાં કોઈ મોહના ઉન્મેલનને અનુકૂળ ઉદ્યમ થાય નહિ અને હિંસાના નિષેધથી પણ નવા કર્મના ગ્રહણને અનુકૂળ ભાવોનો નિરોધ થાય નહિ. તેથી વિધિ-પ્રતિષધની ક્રિયાનું કોઈ ફળ પ્રાપ્ત થાય નહિ. માટે આત્માને પરિણામી સ્વીકારવાથી કષછેદની શુદ્ધિનો સફલભાવ છે.
પૂર્વમાં કહ્યું કે આત્માને પરિણામી સ્વીકારવાથી ધ્યાન-અધ્યયન દ્વારા પૂર્વે બાંધેલાં કર્મોની નિર્જરા થાય છે અને હિંસાદિના ત્યાગથી નવા કર્મના ગ્રહણનો નિરોધ થાય છે તે બંને કૃત્યો આત્માના તે પ્રકારના અંતરંગ પરિણામથી થાય છે. તેથી હવે તે અંતરંગ પરિણામ પ્રત્યે ધ્યાન-અધ્યયનની બાહ્ય ચેષ્ટા અને હિંસાદિના ત્યાગની બાહ્ય ચેષ્ટા કઈ રીતે કારણ છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –