________________
૧૮૪
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૯ ઉત્સાહિત થઈને તે શ્રોતા સ્વશક્તિને અનુસાર પંચાચારાદિ ઉચિત આચારોમાં યત્ન કરીને કલ્યાણને પ્રાપ્ત
કરે.
પુરુષકારની પ્રશંસા કઈ રીતે કરે ? તેમાં લૌકિક પુરુષકારનું પ્રથમ દૃષ્ટાંત બતાવે છે –
લોકમાં પણ કહેવાય છે કે ત્યાં સુધી સમુદ્રની પરિખા ઓળંગવી દુષ્કર છે જ્યાં સુધી સાહસિક પુરુષ યત્ન ન કરે. ત્યાં સુધી જ નિરાલંબન એવું આકાશ દુષ્કર છે અર્થાતુ નિરાલંબન એવા આકાશમાં ઉપર જવું દુષ્કર છે કે જ્યાં સુધી સાહસિક પુરુષ સાહસ ન કરે. અને ત્યાં સુધી જ વિષમ એવી પાતાલયાત્રાનું ગમન દુષ્કર છે જ્યાં સુધી દૈવના મસ્તક ઉપર પગ મૂકીને સાહસિક પુરુષ પોતાના જીવિતની પણ ઉપેક્ષા કરીને યત્ન ન કરે.
આનાથી એ ફલિત થાય કે સમુદ્રને તરવું, આકાશમાં ઉપર જવું કે પાતાલમાં પ્રવેશ કરવો દુષ્કર છે પરંતુ તે સાધતાં કદાચ મૃત્યુ થાય તેની પણ ચિંતા કર્યા વગર જે જીવો ઉદ્યમ કરનારા છે, તે જીવો અશક્ય દેખાતા એવા પણ કાર્યને સાધી શકે છે. માટે દુષ્કર કાર્ય સાધવાના અર્થી જીવોએ આ કાર્ય સાધવું સુકર છે કે દુષ્કર છે ? તેનો વિચાર કર્યા વિના સર્વશક્તિથી સાધ્યની સિદ્ધિ કરવા અર્થે યત્ન કરવો જોઈએ.
આ પ્રકારે લોકમાં કહેવાય છે તેમ બતાવીને ઉપદેશક કહે કે સમુદ્રને તરવા આદિ તુચ્છ કાર્ય પણ કીર્તિના અર્થી જીવો પ્રયત્ન દ્વારા સાધી શકે છે, જ્યારે પંચાચારનું પાલન તો મહાફલવાળું છે. કદાચ પ્રથમ ભૂમિકામાં અનભ્યાસ હોવાથી દુષ્કર જણાય તોપણ કૃતનિશ્ચયવાળો પુરુષ દુષ્કર પણ તે કાર્યને અવશ્ય સાધી શકે છે. માટે પંચાચારનું પાલન અતિદુષ્કર છે એમ વિચારીને નિરુત્સાહિત થવું જોઈએ નહિ; પરંતુ સર્વ ઉદ્યમથી પુરુષકાર કરવો જોઈએ, જેથી શક્તિના પ્રકર્ષથી આ ભવમાં પંચાચારનું સેવન થાય અને શક્તિના પ્રકર્ષથી સેવાયેલા પંચાચારના પાલનના બળથી બંધાયેલા પુણ્યથી જન્માન્તરમાં મહાશક્તિની પ્રાપ્તિ થાય અને અધિક-અધિક પંચાચાર સેવીને મહાત્મા સુખપૂર્વક આ સંસારસાગરને તરી જાય છે. માટે પ્રમાદ રહિત, સર્વ ઉદ્યમથી પંચાચારના પાલન માટે યત્ન કરવો જોઈએ.
વળી, પુરુષકારની પ્રશંસા કરતાં ઉપદેશક શ્રોતાને કહે છે કે કેટલાક જીવો પુરુષકારને છોડીને કર્મનું જ અનુસરણ કરે છે અને વિચારે છે કે મારું કર્મ જ તેવું છે જેથી આ પંચાચારનું પાલન મારાથી શક્ય નથી અથવા આ ઉચિત પ્રવૃત્તિ હું સાધી શકું તેમ નથી. આવા જીવો તે દેવનું અવલંબન લઈને પોતાના પુરુષકારનો વિનાશ કરે છે. કઈ રીતે તેઓ પોતાના પુરુષકારનો વિનાશ કરે છે ? તે દૃષ્ટાંતથી બતાવે છે –
નપુંસકપતિને પામીને સ્ત્રી જેમ પોતાનું સ્ત્રી જીવન નિષ્ફળ કરે છે તેમ નપુંસક જેવા જીવો પોતાના વીર્યનું આલંબન લઈને પોતાનું હિત સાધી શકતા નથી. અર્થાત્ આ કાર્ય કરવાનું મારું વીર્ય નથી, હું સાધી શકું તેમ નથી; કેમ કે મારું કર્મ બળવાન છે, તેમ વિચારીને સદ્વર્યને પ્રવર્તાવતા નથી. તેથી જેમ નપુંસકપતિને પામેલી એવી સ્ત્રીનું સ્ત્રીપણું નિષ્ફળ છે તેમ કર્મનું અવલંબન લઈ સદ્વર્યને ન પ્રવર્તાવનારમાં વિદ્યમાન સર્વીર્ય નિષ્ફળ છે.