________________
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૫ થી ૧૪
આ કથનની પુષ્ટિ માટે કહે છે – આથી જ અપુનબંધક જીવોને અધ્યાત્મભાવનારૂપ યોગમાર્ગ વ્યવહારનયથી તાત્ત્વિક છે અને સમ્યગ્દષ્ટિ આદિ જીવોને નિશ્ચયનયથી તાત્ત્વિક છે એમ યોગબિંદુમાં કહેલ છે. અહીં પ્રશ્ન થાય કે નિશ્ચયનય વ્યુત્ક્રાંત અર્થગ્રાહી વ્યવહારનય અપુનબંધક જીવોને ઔપચારિક યોગમાર્ગ સ્વીકારતો હોય અને તેને સામે રાખીને અપુનબંધકનો યોગમાર્ગ વ્યવહારનયથી તાત્ત્વિક છે તેમ કહેવામાં આવ્યું હોય અને નિશ્ચયનયથી સમ્યગ્દષ્ટિ આદિ જીવોને અધ્યાત્મભાવનારૂપ યોગમાર્ગ હોય તો યોગબિંદુની ટીકામાં અપુનબંધકના ઉપલક્ષણથી સમ્યગ્દષ્ટિનું ગ્રહણ કેમ કર્યું ? તેથી ગ્રંથકારશ્રી કહે છે તે ટીકાકારશ્રીનું વચન અપેક્ષાએ છે માટે દોષ નથી.
આશય એ છે કે સમ્યગ્દષ્ટિ જીવને અપેક્ષાએ અનંતાનુબંધીના ક્ષયપશામજન્ય ચારિત્રનો પરિણામ છે તેમ સૂક્ષ્મ ચારિત્રને ચારિત્રરૂપે સ્વીકારનાર નિશ્ચયનય કહે છે. તે અપેક્ષાએ સમ્યગ્દષ્ટિમાં સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન, સમ્યફચારિત્રનો અભ્યાસ છે તેથી ભાવાભ્યાસ છે. વળી દેશવિરતિથી જ ચારિત્રનો સ્વીકાર વ્યવહારનય કરે છે. તે અપેક્ષાએ સમ્યગ્દષ્ટિ જીવોમાં ચારિત્ર નથી પરંતુ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન માત્ર છે અને ભાવાભ્યાસ એ રત્નત્રયીના અભ્યાસરૂપ છે. માટે વ્યવહારનય સમ્યગ્દષ્ટિમાં ચારિત્ર નહિ હોવાથી સમ્યગ્દષ્ટિને પણ ભાવાભ્યાસ નથી એમ કહે છે. માટે યોગબિંદુની વૃત્તિમાં અપુનબંધકના ઉપલક્ષણથી સમ્યગ્દષ્ટિને ગ્રહણ કરેલ છે; કેમ કે અપેક્ષાએ સમ્યગ્દષ્ટિમાં પણ ભાવાભ્યાસ નથી તે અપેક્ષાએ સમ્યગ્દષ્ટિમાં પણ અપુનબંધક જીવોની જેમ જ વ્યવહારનયથી ઔપચારિક યોગમાર્ગ છે એ પ્રકારનું તત્ત્વ છે=એ પ્રકારનો પરમાર્થ છે.
પૂર્વના કથનથી શું ફલિત થાય છે ? તે બતાવે છે – નિશ્ચયનયથી અનુપચરિત ધર્માનુષ્ઠાન અપ્રમત્તસંયતને જ હોય છે; કેમ કે અપ્રમત્તસંયત સતત અસંગાનુષ્ઠાનને સેવીને રત્નત્રયીની વૃદ્ધિ કરે છે તેથી તેઓનું ધર્માનુષ્ઠાન સંસારના ક્ષયનો એકાંત હેતુ છે. વળી, પ્રમત્તસંયતાદિને અપેક્ષાથી નિશ્ચયનયથી અને વ્યવહારનયથી ધર્માનુષ્ઠાન છે. આશય એ છે કે પ્રમત્તસંયત, દેશવિરત અને અવિરત સમ્યગ્દષ્ટિ જીવો જે રત્નત્રયીની વૃદ્ધિનું કારણ બને તે પ્રકારે જે ધર્માનુષ્ઠાન સેવે છે તે નિશ્ચયનયથી ધર્માનુષ્ઠાન છે અને ધર્માનુષ્ઠાન સેવનકાલમાં પ્રમત્તસાધુ જે વિકલ્પો કરે છે તે વિકલ્પઅંશથી વ્યવહારનયથી ઉપચરિત ધર્માનુષ્ઠાન છે; કેમ કે પ્રશસ્ત એવા રાગાદિથી તે વિકલ્પો થાય છે. વળી, દેશવિરત કે અવિરત સમ્યગ્દષ્ટિ જીવો જે ધર્માનુષ્ઠાન સેવે છે તેમાં પણ રત્નત્રયીની વૃદ્ધિને અનુકૂળ જે વ્યાપાર છે તે નિશ્ચયનયથી અનુપચરિત ધર્માનુષ્ઠાન છે અને તે ધર્મવ્યાપારકાલમાં જે વિકલ્પઅંશો છે તે વ્યવહારનયથી ઉપચરિત ધર્માનુષ્ઠાન છે.
વળી, દેશવિરતિધર અને અવિરત સમ્યગ્દષ્ટિ જીવો ધનઅર્જનાદિ કે માતા-પિતાની સેવા કરે છે કે ઉચિત સ્થાને ગૃહનિર્માણ આદિ કરે છે તે સર્વ કૃત્યકાળમાં પણ નિશ્ચય-વ્યવહાર દ્વારા ધર્માનુષ્ઠાન છે; કેમ કે દેશવિરતિધર કે અવિરત સમ્યગ્દષ્ટિ જીવોને દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા હોય છે તેથી સંસારની કોઈપણ