________________
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૮
૧૨૯
માટે અયોગ્ય છે અને જેઓ સ્વદર્શનમાં રાગવાળા કે પરદર્શનમાં કેષવાળા નથી પરંતુ રાગ-દ્વેષથી આકુળ થયા વગર “તત્ત્વ શું છે ? તે જાણવા માટે અભિમુખ થયા છે તેવા મધ્યસ્થ જીવો દેશના માટે યોગ્ય છે.
આ કથનથી શું ફલિત થાય છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે –
શ્રી હરિભદ્રસૂરિ મહારાજ સાહેબે મિથ્યાદૃષ્ટિ જીવોના શુભભાવ અશુભ છે તે કથન કદાગ્રહથી ગ્રસ્ત મતિવાળા એવા આભિગ્રહિક મિથ્યાદૃષ્ટિ જીવોને આશ્રયીને કહ્યું છે; જ્યારે ગ્રંથકારશ્રીએ જે જીવોને મિથ્યાત્વ મંદ થયેલ છે અને તેથી રાગ-દ્વેષની આકુળતા વગર તત્ત્વને સાંભળવાને સન્મુખ થયેલા છે તેવા મધ્યસ્થ જીવોને દેશનાયોગ્ય કહ્યા છે. માટે શ્રી હરિભદ્રસૂરિ મહારાજ સાહેબના વચન સાથે કોઈ વિરોધ નથી.
આ કથનથી શું ફલિત થાય ? તે સ્પષ્ટ કરતાં કહે છે –
કેટલાક જીવો મિથ્યાત્વદશામાં પણ પોતાના પક્ષ પ્રત્યે અત્યંત રાગવાળા હોય છે તેથી પોતાના પક્ષનો રાગ તેઓને તત્ત્વ જાણવા માટે સમ્યક્રયત્ન કરવામાં બાધક બને છે. આમ છતાં, પોતાના દર્શન અનુસાર બાહ્ય તપ-ત્યાગાદિની આચરણ કરતા હોય ત્યારે રાગ-દ્વેષની મંદતારૂપ ઉપશમ દેખાય છે અને તેના કારણે તેઓ કંઈક પુણ્ય બાંધે છે તો પણ અતત્ત્વના ગાઢ રાગયુક્ત તેઓનો ઉપશમ હોવાથી પાપાનુબંધી પુણ્ય બંધાય છે અને તે કર્મ જ્યારે વિપાકમાં આવે છે ત્યારે તેવા જીવો તે સુખમાં મૂઢ=આસક્ત, થાય છે અને જ્યારે તે પુણ્યકર્મ પૂર્ણ થાય છે ત્યારે નરકાદિ પાતની પ્રાપ્તિ થાય છે. તેથી તેઓનો તપ-ત્યાગાદિ દ્વારા થયેલો ઉપશમ પણ અસતુપ્રવૃત્તિનો હેતુ છે અને તેવા જીવોને આશ્રયીને શ્રી હરિભદ્રસૂરિ મહારાજ સાહેબે કહ્યું છે કે તેઓનો શુભભાવ પણ ફલથી અશુભ જ છે. _
વળી, જે જીવોનું મિથ્યાત્વ મંદ થયું છે તેવા જીવોને ગુણવાન પુરુષ તેની બુદ્ધિને અનુસાર ઉચિત ઉપદેશ આપે તો તેઓ તત્ત્વને જાણવા માટે પ્રયત્ન કરે તેવા છે અને જેમાં તત્ત્વ વિષયક જિજ્ઞાસાદિ ગુણો વર્તે છે અને તત્ત્વાતત્ત્વના વિષયમાં મૂઢતા નહિ હોવાથી મોહની અલ્પતાકૃત રાગ-દ્વેષની શક્તિના પ્રતિઘાતરૂપ ઉપશમભાવ વર્તે છે તેવા આદિધાર્મિક જીવોની પ્રવૃત્તિ સતુપ્રવૃત્તિ જ છે; કેમ કે તેઓમાં અતત્ત્વનો આગ્રહ નિવૃત્ત થયેલો હોવાથી સઅર્થના પક્ષપાતનો ગુણ વર્તે છે. આવા જીવોને આશ્રયીને ગ્રંથકારશ્રીએ આદિધાર્મિક જીવોને દેશનાયોગ્ય કહેલ છે.
શ્લોકમાં કહ્યું કે પૂર્વમાં વર્ણન કરાયેલ ગુણસંપત્તિવાળો આદિધાર્મિક પુરુષ દેશનાયોગ્ય છે. કેમ દેશના યોગ્ય છે ? તેમાં યુક્તિ આપી કે તેનામાં મધ્યસ્થપણું છે.
ત્યાં શંકા કરતાં કહે છે કે આ રીતે જેઓ જૈનદર્શનને પામેલા છે તેવા આદિધાર્મિકમાં મધ્યસ્થપણું ઘટે; કેમ કે જૈનદર્શનમાં રહેલા જીવોને ભગવાનના વચનાનુસાર ઉપદેશ આપનારા યોગ્ય ગુરુના યોગને કારણે મધ્યસ્થતાથી તત્ત્વ-અતત્ત્વના વિચારનો ઊહ પ્રગટ થાય છે. પરંતુ જેઓ અન્યદર્શનમાં રહેલા છે અને તે તે દર્શનના આચારોમાં ધર્મબુદ્ધિ ધારણ કરે છે તેમાં મધ્યસ્થપણું કઈ રીતે હોઈ શકે ? અર્થાતું હોઈ શકે નહિ; કેમ કે તે તે દર્શનના ઉપદેશકો સ્વ-સ્વ દર્શનાનુસાર એકાંતવાદનો ઉપદેશ આપે છે. તેથી તે દર્શનમાં