________________
૧૩૩
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | બ્લોક-૧૮
આશય એ છે કે અનાદિકાળથી જીવ તત્ત્વમાર્ગના બોધથી રહિત છે. તેથી આત્મામાં તત્ત્વ વિષયક ગાઢ અંધકાર પ્રવર્તે છે અને કર્મની કંઈક લઘુતા થવાને કારણે પ્રાથમિક ભૂમિકાનો તત્ત્વમાર્ગ વિષયક બોધ મિત્રાદષ્ટિવાળા જીવોને થાય છે.
આ બોધ અતિ અલ્પ છે તેને દૃષ્ટાંતથી બતાવે છે – તૃણના અગ્નિના કણની ઉપમા જેવો અલ્પ છે. તે બોધ અતિઅલ્પ હોવાને કારણે પરમાર્થથી યોગમાર્ગમાં સમ્યફ યત્ન કરવાને અનુરૂપ પ્રવૃત્તિ કરાવવા સમર્થ નથી; કેમ કે ઉપદેશ આદિની સામગ્રીથી કંઈક બોધ થયો છે, તોપણ તે બોધથી પ્રેરાઈને મિત્રાદૃષ્ટિવાળા જીવો ધર્મની પ્રવૃત્તિ કરે છે ત્યારે પ્રવૃત્તિકાળ સુધી તે બોધ સમ્યફ રહેતો નથી, તેથી તે ધર્મની પ્રવૃત્તિ બોધથી નિયંત્રિત બનતી નથી. માટે તે બોધ અભીષ્ટ કાર્ય કરવા સમર્થ નથી.
અહીં પ્રશ્ન થાય કે થયેલો બોધ ધર્મની પ્રવૃત્તિકાળ સુધી કેમ ટકતો નથી ? તેથી કહે છે – ને યોગમાર્ગના પરમાર્થને જાણવા વિષયક જે ઉપયોગ પ્રવર્તે છે તે ઉપયોગમાં અલ્પવિર્યપણું હોવાને કારણે તે બોધથી પટુબીજના સંસ્કારના આધાનની અનુપપત્તિ છે. અર્થાત્ તે બોધથી કંઈક સંસ્કારો પડે છે. પરંતુ સ્મૃતિ કરાવે તેવા પટુબીજવાળા સંસ્કારોનું આધાન થતું નથી. આથી ધર્મની પ્રવૃત્તિ બોધથી નિયંત્રિત નહિ હોવાને કારણે વિકલપ્રયોગવાળી થાય છે. તેથી મિત્રાદૃષ્ટિવાળા જીવો વંદનાદિ ક્રિયા કરે તો પણ તે વંદનાદિ ક્રિયાથી જન્ય વિશિષ્ટ શુભ પરિણામરૂપ કાર્યની અપ્રાપ્તિ છે. તેથી મિત્રાદષ્ટિનો બોધ ક્રિયાની સમ્યફ નિષ્પત્તિનું કારણ બનતો નથી.
. વળી, મિત્રાદષ્ટિ કરતાં તારાદષ્ટિનો બોધ કંઈક અધિક છે અને તે છાણના અગ્નિના કણ જેવો છે. આ દૃષ્ટિ પણ મિત્રાદૃષ્ટિ જેવી જ છે તેથી તત્ત્વથી અભીષ્ટકાર્ય કરવા સમર્થ નથી. જો કે મિત્રાદષ્ટિ કરતાં કંઈક અધિક બોધ છે તોપણ બોધકાળમાં વિશિષ્ટ વીર્ય નથી અને અધિક કાળ ટકે તેવી સ્થિતિવાળો પણ બોધ નથી. આથી તારાદષ્ટિવાળા જીવો પણ ધર્માનુષ્ઠાન સેવે ત્યારે તે બોધથી સ્મૃતિ થતી નથી. તેના અભાવને કારણે તેઓની વંદનાદિની ક્રિયા બોધના પરિણામથી વિકલ હોય છે. માટે તારાદૃષ્ટિવાળા જીવોને પણ વંદનાદિ ક્રિયામાં મિત્રાદષ્ટિવાળા જીવોની જેમ વિશિષ્ટ પ્રકારનો શુભભાવ થતો નથી.
બલાદૃષ્ટિનો બોધ પ્રથમ બે દૃષ્ટિ કરતાં કંઈક અધિક છે અને તે કાષ્ઠના અગ્નિના કણ જેવો છે. વિશિષ્ટ બોધ હોવાને કારણે તે બોધકાળમાં કંઈક વિર્ય પ્રવર્તે છે અને તે બોધના સંસ્કારો પણ કંઈક રહે છે. આથી બલાદષ્ટિવાળા જીવો તે બોધથી ધર્માનુષ્ઠાનની પ્રવૃત્તિ કરે છે ત્યારે તે ક્રિયા વિષયક જે કંઈક બોધ થયેલો છે તેની કંઈક પટ્ટપ્રાયઃ સ્મૃતિ થાય છે. ક્રિયાકાળમાં તે બોધ હોવાને કારણે બલાદૃષ્ટિવાળા જીવોને ખાલી ક્રિયા કરવામાં પ્રીતિ નથી હોતી, પરંતુ અર્થપ્રયોગમાત્રમાં પ્રતિ વર્તે છે અર્થાત્ તે તે ક્રિયાઓ દ્વારા ગુણવૃદ્ધિને અનુકૂળ અંતરંગ યત્ન થાય તેવા અર્થવાળી ક્રિયા કરવામાં તેઓને પ્રીતિ વર્તે છે. તેથી બલાદૃષ્ટિવાળા જીવો તે ધર્માનુષ્ઠાનની પ્રવૃત્તિમાં તત્ત્વના પારમાર્થિક બોધને અનુકૂળ એવો યત્નલેશ કરે છે. આથી જ ત્રીજી દૃષ્ટિવાળા જીવોનું ચિત્ત માર્ગગમનવાળું હોય છે તેને આશ્રયીને જ નમુત્યુર્ણ સૂત્રમાં ભગવાનને માર્ગ દેનારા કહ્યા છે.