________________
૧૩૦
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૮ રહેલા જીવોમાં પણ તે પ્રકારનો જ અતત્ત્વનો પક્ષપાત થશે અને તેઓમાં મધ્યસ્થભાવ ન હોય તો તે જીવો દેશના યોગ્ય કઈ રીતે થઈ શકે ? અર્થાત્ થઈ શકે નહિ. તેના નિરાકરણ માટે શ્લોકના ઉત્તરાર્ધથી કહે છે –
અન્યદર્શનમાં રહેલા પણ ભદ્રકપ્રકૃતિવાળા જીવોમાં યોગદૃષ્ટિનો પ્રાદુર્ભાવ છે. તેથી “ગુણસ્થાનક' શબ્દની વ્યુત્પત્તિથી યુક્ત એવું પ્રથમ ગુણસ્થાનક તેઓમાં છે અને તેનું તાત્પર્ય સ્પષ્ટ કરતાં કહે છે –
અન્યદર્શનમાં રહેલા કેટલાક મિથ્યાદૃષ્ટિ જીવો પણ પરમાર્થથી ગવેષણામાં તત્પર હોય છે. અને અસદ્દ પક્ષપાતનો ત્યાગ કરીને અદ્વેષ-જિજ્ઞાસાદિ ગુણોને ધારણ કરનારા હોય છે. અને ધર્મની પ્રવૃત્તિમાં ખેદાદિ દોષના પરિહારથી યત્ન કરનારા હોય છે. ત્યારે મોક્ષના અભિલાષરૂપ સંવેગનો પરિણામ તેઓમાં પણ તરતમતાથી પ્રાપ્ત થાય છે. તે વખતે તેઓ રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગના પરિણામવાળા નથી તોપણ મોક્ષમાર્ગના અભિમુખ પરિણામવાળા છે. તેના કારણે તેઓમાંથી કેટલાકને ઇશુ જેવી મિત્રાદષ્ટિ, ઇશુના રસ જેવી તારાદષ્ટિ, ઇશુના રસને ઉકાળીને કંઈક ઘટ્ટ થયેલ એવા કક્કબ જેવી બલાદષ્ટિ અને ઇક્ષુમાંથી થયેલ ગુડ જેવી દીપ્રાદષ્ટિ ઉલ્લાસ પામે છે.
અહીં પ્રશ્ન થાય કે યોગમાર્ગમાં, પ્રવૃત્તિરૂપ યોગની પ્રથમ ચારદષ્ટિ અન્ય દર્શનવાળા જીવોમાં છે તેમાં ' પ્રમાણ શું? તેથી કહે છે –
ભગવાન પતંજલિ અને ભદન્ત ભાસ્કરાદિમાં તે યોગદૃષ્ટિનો સ્વીકાર કરાયો છે. તેથી નક્કી થાય છે કે અન્યદર્શનમાં રહેલા પણ ભદ્રકપ્રકૃતિવાળા જીવોમાં તેઓની ભૂમિકાનુસાર પ્રથમની ચાર દૃષ્ટિમાંથી કોઈ દૃષ્ટિ પ્રગટ થાય છે, માટે તેઓ દેશનાને યોગ્ય છે.
અહીં ગ્રંથકારશ્રી પ્રથમની ચાર દૃષ્ટિઓનું સંક્ષેપથી સ્વરૂપ બતાવતાં કહે છે – મિત્રાદષ્ટિમાં મોક્ષનું કારણ બને તેવી પ્રારંભિક અલ્પબોધ છે. વળી, યમ નામનું પ્રથમ યોગાંગે છે.' તેથી એ પ્રાપ્ત થાય કે મિત્રાદષ્ટિવાળા જીવોનો અલ્પ એવો પણ બોધ મોક્ષને અનુકૂળ છે. તેઓ મોક્ષને અનુકૂળ એવા યમ નામના યોગાંગને સેવનારા છે. વળી તેઓને દેવકાર્યાદિમાં અખેદ વર્તે છે. તેથી તેઓ પ્રીતિપૂર્વક આત્મકલ્યાણના કારણભૂત એવાં દેવકાર્યાદિ કૃત્યો કરે છે. વળી, યોગબીજોનું ગ્રહણ કરે છે તેથી પ્રથમ ભૂમિકાના યોગમાર્ગના ઉત્તમ સંસ્કારોનું આત્મામાં આધાન કરે છે તેમ પ્રાપ્ત થાય. વળી, તેઓને ચાર ગતિના પરિભ્રમણરૂપ ભવ પ્રત્યે ઉદ્વેગ હોય છે. સિદ્ધાંતના લેખનાદિની પ્રવૃત્તિ હોય છે. વળી યોગબીજોને સાંભળવામાં પરમ શ્રદ્ધા હોય છે. અર્થાત્ શ્રેષ્ઠ કોટિની રુચિ હોય છે. ઉત્તમ પુરુષો સાથે સંગ કરનારા હોય છે.
અહીં પ્રશ્ન થાય કે મિત્રાદષ્ટિવાળા જીવો આવી ગુણસંપત્તિવાળા કેમ છે ? તેથી કહે છે – મિત્રાદષ્ટિવાળા જીવોમાં ચરમયથાપ્રવૃત્તિકરણના સામર્થ્યથી કર્મમલ અલ્પ થયો છે તેથી તેઓમાં આવી ગુણસંપત્તિ પ્રગટેલી છે. અને ચરમયથાપ્રવૃત્તકરણના સામર્થ્યથી કર્મમલ અલ્પ થવાને કારણે જ ચરમયથાપ્રવૃત્તકરણને “યોગદષ્ટિસમુચ્ચય' ગ્રંથમાં પરમાર્થથી અપૂર્વકરણ જ કહેલ છે.