________________
૧૦૧
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૬
અંકુરાદિ શું છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – ધર્મનિષ્પત્તિનું ચિંતન અંકુરો છે અને ધર્મ સાંભળવાની ક્રિયા સત્કાંડ=કંદ છે. ધર્મશ્રવણથી બોધ થયા પછી અનુષ્ઠાનનું સેવન તે નાલ છે. અને અનુષ્ઠાનના સેવનના ફળરૂપે દેવભવની અને મનુષ્યભવની ઉત્તમ સંપત્તિ મળે છે તે પુષ્પ સમાન છે અને પૂર્ણ ધર્મના સેવનનું ફળ મોક્ષ છે.
આ રીતે શ્લોકના પૂર્વાર્ધનો અર્થ કર્યા પછી શ્લોકના ઉત્તરાર્ધનો અર્થ કરે છે. કેવા પ્રકારનાં એવાં તે ધર્મબીજો અંકુરાદિ રૂપે પ્રરોહ પામે છે એ પ્રકારની જિજ્ઞાસા થાય. તેથી કહે છે – વિધિપૂર્વક વપન કરાયેલ એવાં યોગબીજો પ્રરોહ પામે છે. અહીં પ્રશ્ન થાય કે જિનમાં કુશલચિત્તાદિ વિધિપૂર્વક વપન કઈ રીતે થાય ? એથી કહે છે – દેશનાયોગ્ય જીવો ત્રણ પ્રકારના છે. ૧. બાલ, ૨. મધ્યમ, ૩. પ્રાજ્ઞ. તે પુરુષો પોતાની ભૂમિકાના ઔચિત્યપૂર્વક, જિનમાં કુશલચિત્તાદિ કરે તો તે યોગબીજો પોતાના આત્મામાં વપન થાય છે.
આશય એ છે કે ધર્મના અર્થી જીવો હોય તે દેશનાયોગ્ય છે, અન્ય નહિ. દેશનાયોગ્ય જીવો જ્ઞાનાવરણીયાદિ કર્મના ક્ષયોપશમના ભેદથી ત્રણ પ્રકારના છે. બાલ, મધ્યમ અને બુદ્ધિમાન. તે ત્રણેય પ્રકારના જીવો પોતાના બોધ અનુસાર જિનમાં કુશલચિત્તાદિ કરે તો તે કુશલચિત્તાદિ બીજોનું આત્મામાં વપન થાય અને જો તેઓ પોતાના બોધને અનુસાર કુશલચિત્તાદિ ન કરે તો બીજોનું વપન થાય નહિ.
જેમ દુર્ગતાનારી અત્યંત મુગ્ધ અવસ્થામાં છે. તે વખતે કેવાં પુષ્પો ભગવાનને ચઢાવાય અને કેવાં પુષ્પો ભગવાનને ન ચઢાવાય ? તેનો બોધ નથી. આમ છતાં સ્વબોધ અનુસાર તે દુર્ગતાનારીને ભગવાનની ભક્તિનો પરિણામ થાય છે. તેથી ભગવાનને ચઢાવવા માટે ન કહ્યું તેવાં પણ પુષ્પોને ગ્રહણ કરીને ભગવાન પ્રત્યેની ભક્તિના અતિશયથી ભગવાનની પૂજા કરવાના પ્રણિધાનથી જાય છે. તેથી મૃત્યુ પામીને દેવલોકમાં જાય છે. જો અન્ય કોઈને જ્ઞાન હોય કે આવાં પુષ્પોથી ભગવાનની પૂજા થાય નહિ આમ છતાં ભગવાન પ્રત્યેની ભક્તિપૂર્વક તેવાં અસાર પુષ્પ લઈને ભક્તિ કરવા યત્ન કરે તો તે યોગબીજો વિધિપૂર્વક વપન થયાં કહેવાય નહિ.
આનાથી એ ફલિત થાય કે તત્ત્વના અર્થી એવા બાલજીવો પોતાના બોધ અનુસાર ઉચિત પ્રવૃત્તિ કરવાના પક્ષપાતવાળા હોય. તત્ત્વના અર્થી એવા મધ્યમબુદ્ધિવાળા જીવો પોતાના બોધ અનુસાર ઉચિત પ્રવૃત્તિ કરવાના પક્ષપાતવાળા હોય અને પ્રાજ્ઞ જીવો પોતાના બોધ અનુસાર ઉચિત પ્રવૃત્તિ કરવાના પક્ષપાતવાળા હોય તો તેઓના જિનકુશલચિત્તાદિ બીજો વિધિપૂર્વક વપન થાય છે, અન્યથા નહિ. આથી જ બાલાદિ જીવોની યોગ્યતા અનુસાર યોગ્ય ઉપદેશક ઉપદેશ આપે તો તેઓમાં યોગબીજોનું વપન થાય છે. માટે ઉપદેશકને પણ બાલાદિના વિભાગથી જ દેશના આપવાનું વિધાન શાસ્ત્રમાં છે. વળી યોગ્ય રીતે વપન કરાયેલાં યોગબીજો સામગ્રી પામીને ધર્મચિંતાદિ રૂપે પ્રરોહ પામે છે. જે જીવોએ આત્મામાં યોગબીજો નાખ્યાં નથી તેવા જીવોમાં કોઈપણ રીતે ધર્મનો ઉદય થતો નથી. તેમાં ઉપદેશપદની સાક્ષી આપે છે --