________________
૧૦૦
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૬
સંસ્કારો આત્મામાં પડે છે. તે સંસ્કારો યોગનાં બીજો છે. વળી, જેમ જિન વિષયક કુશલાદિ ચિત્ત યોગબીજ છે, તેમ ભાવયોગી એવા આચાર્યમાં બહુમાનના પરિણામવાળું જે વિશુદ્ધચિત્ત છે તે પણ યોગબીજ છે. વળી, આચાર્યાદિ પ્રત્યેના બહુમાનના કારણે હું આમની ભક્તિ કરીને મારું આત્મહિત સાધું તેવા શુદ્ધાશય વિશેષથી વિધિપૂર્વક વૈયાવચ્ચની પ્રવૃત્તિ પણ યોગબીજ છે. વળી, ભવ ચારગતિની વિડંબના સ્વરૂપ છે. તેવું જણાવાથી ભવના સ્વરૂપના આલોચનકાળમાં ભવ પ્રત્યે જે સહજ ઉદ્વેગ પેદા થાય છે અર્થાત્ ચિત્તમાં વિકલ્પ થાય છે કે આ ચારગતિના પરિભ્રમણરૂપ ભવનો ઉચ્છેદ કરવા જેવો છે તે પણ યોગબીજ છે; કેમ કે ભવથી નિતાર થવાના અભિલાષનો પરિણામ એ યોગમાર્ગના પક્ષપાતવાળા ચિત્ત સ્વરૂપ છે. વળી, ભવથી વિસ્તાર પામવાના અર્થી જીવો અનેક પ્રકારના દ્રવ્ય અભિગ્રહો ગ્રહણ કરે છે. અને તેનું પાલન કરે છે તે પણ યોગબીજ છે. વળી, ભગવાનના શાસ્ત્રના વચનને આશ્રયીને વિધિપૂર્વક શાસ્ત્રોને લખાવે, શાસ્ત્રોનું પૂજન કરે, સતુશાસ્ત્ર યોગ્ય જીવોને આપે, વળી સત્શાસ્ત્રોનું શ્રવણ કરે, સતુશાસ્ત્રોનું વાંચન કરે, સતુશાસ્ત્રનો વિધિપૂર્વક ઉદ્ગહ કરે અર્થાત્ સત્શાસ્ત્રની વાચનાને વિધિપૂર્વક ગ્રહણ કરે વળી પોતાને થયેલ બોધ બીજાને પણ તેવો બોધ થાય તેવા આશયપૂર્વક પ્રકાશન કરે, અભ્યાસ કરેલાં શાસ્ત્રોનો સ્વાધ્યાય કરે, શાસ્ત્રોએ બતાવેલા બધા પદાર્થોનું ચિંતન કરે, તેનું ભાવન કરે તે સર્વ યોગબીજો છે; કેમ કે સંસારથી નિસ્તાર પામવાના આશયપૂર્વક તેના ઉપાયના સેવનરૂપ આ સર્વ પ્રવૃત્તિ છે. વળી, દુઃખી જીવોને જોઈને તેઓનાં દુઃખ દૂર કરવાના પરિણામ સ્વરૂપ જે અત્યંત દયા થાય છે. વળી, ગુણવાન પુરુષોમાં તેઓના ગુણને જોઈને દ્વેષ થતો નથી અને ગૃહસ્થજીવનમાં સર્વત્ર સર્વજીવો સાથે પક્ષપાત વગર ઔચિત્યથી વર્તન કરે છે તે પણ યોગબીજ છે. આ પ્રકારે યોગદૃષ્ટિ સમુચ્યમાં જે યોગબીજો કહ્યા છે તે સર્વ ધર્મબીજો જાણવાં.
જે સગૃહસ્થ પૂર્વમાં બતાવેલ પાંત્રીસ પ્રકારના સામાન્ય ગૃહસ્થ ધર્મનું યથાયોગ્ય ભાજન છે તે ગૃહસ્થ આવાં યોગબીજોનું વપન કરે છે. ત્યારપછી તે ગૃહસ્થમાં તે યોગબીજો ધર્મચિંતાદિલક્ષણ અંકુરાદિવાળાં થાય છે.
આશય એ છે કે પ્રકૃતિથી ભદ્રક જીવો ગૃહસ્થજીવનમાં સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરનારા હોય છે અને તેવા જીવોમાં કોઈક નિમિત્તને પામીને જિન પ્રત્યે સંશુદ્ધ કુશલચિત્તાદિ બીજોનું વપન થાય તે બીજો સામગ્રીને પામીને ધર્મચિંતારિરૂપ અંકુરાને પ્રાપ્ત કરે છે; કેમ કે એ વખતે તે ગૃહસ્થને ગુણ પ્રત્યેનો રાગ પ્રગટે છે તે વખતે યોગબીજોનું વપન થાય છે. અને ગુણના રાગી જીવોને સામગ્રી મળતાં અધિક અધિક ગુણનિષ્પત્તિના ઉપાયભૂત ધર્મનું ચિંતન આદિ કરવાનો પરિણામ થાય છે જે ક્રમસર અંકુરાદિરૂપ છે.
ધર્મબીજમાંથી ધર્મચિંતાદિ અંકુર થાય છે. તે કથનમાં સાક્ષીપાઠ આપ્યો તેનો અર્થ આ પ્રમાણે છે. ધર્મબીજોનું વપન સત્પ્રશંસાદિ છે. તેથી એ ફલિત થાય કે સત્કૃત્યો જોઈને તેની પ્રશંસા કરવામાં આવે અથવા પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રમાણે જિનમાં કુશલચિત્તાદિ થાય તે સર્વ ધર્મબીજોનું વપન છે. અને તે ધર્મબીજોનું વપન થયા પછી તે ધર્મનિષ્પત્તિના ચિંતનાદિ અંકુરા છે. અને તે ધર્મબીજોનું ફળ મોક્ષ છે.