________________
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૫ થી ૧૪ ભાવાર્થ :
પૂર્વમાં સામાન્યથી ગૃહસ્થના પાંત્રીસ પ્રકારના ધર્મનું સ્વરૂપ બતાવ્યું. તે કથનમાં આગળ કહે છે એ પદાર્થ વિચારવા જેવો છે અને તે ગ્રંથકારશ્રી સ્પષ્ટ કરે છે. ન્યાયાર્જિત ધન, સુસ્થાનમાં ઘરનો નિવેશ અને માતા-પિતાની પૂજાદિને સિદ્ધાંતમાં કર્તવ્યનો બોધ કરાવે તેવું પ્રત્યક્ષ વચન ક્યાંય ઉપલબ્ધ નથી, તેથી ન્યાયાર્જિત ધનાદિમાં ધર્મનું લક્ષણ યોજન કરી શકાય નહિ; તોપણ તે તે ધર્મના અધિકારીeતે તે ભૂમિકાના ધર્મના અધિકારી, એવા શિષ્ટાચારના મહિમાથી તેવી તેવી વિધિનું ઉન્નયન થાય છે=ન્યાયાર્જિત ધનાદિના વિધિવચનની ઉપસ્થિતિ થાય છે, તેથી ન્યાયાર્જિત ધનાદિમાં ધર્મનું લક્ષણ ગ્રંથકારશ્રીએ યોજન કર્યું છે તે અસંબદ્ધ નથી.
આંશય એ છે કે શાસ્ત્રમાં જે જે સ્થાનમાં જેને જેને જે જે પ્રવૃત્તિ કર્તવ્ય કહી હોય તે તે જીવને આશ્રયીને તે તે પ્રવૃત્તિ ધર્મ છે તેમ સ્વીકારી શકાય અને શાસ્ત્રમાં ધર્મપદથી વાચ્ય સર્વવિરતિધર્મ, દેશવિરતિધર્મ કે -અવિરત સમ્યગ્દષ્ટિનાં પૂજાદિ કૃત્યોને ધર્મ કહેલ છે. તેથી ન્યાયપૂર્વક ધનઅર્જનાદિને ધર્મ કહેનાર વચન શાસ્ત્રમાં સાક્ષાત્ ઉપલબ્ધ નથી, તોપણ જે જે શિષ્ટપુરુષના આચારો હોય તે ધર્મ છે. એ પ્રકારનો ધર્મપદનો સામાન્ય અર્થ છે; કેમ કે વિવેકપૂર્વકની સર્વ ઉચિત પ્રવૃત્તિમાં કાંઈક કાંઈક કષાયોનું અપ્રવર્તન હોય છે. અને ધર્મના પ્રથમ ભૂમિકાના અધિકારી એવા શિષ્ટપુરુષનો આચાર છે કે ગૃહસ્થાવસ્થામાં નીતિપૂર્વક ધન કમાવું, વળી ભવિષ્યમાં કોઈ આપત્તિ ન આવે તેના માટે ઉચિત સ્થાને ઘરનું નિર્માણ કરવું. વળી આલોકમાં પોતાનાં ઉપકારી માતા-પિતાનું પૂજન કરવું. તેથી તે શિષ્ટાચારના મહિમાથી આવા પ્રકારની વિધિ શાસ્ત્રસંમત છે તેમ નિર્ણય કરી શકાય છે. તેથી સાક્ષાત્ તેવી પ્રવૃત્તિને ધર્મ કહેનારું વચન શાસ્ત્રમાં ઉપલબ્ધ ન હોય તો પણ તેને ધર્મરૂપે સ્વીકારવામાં કોઈ દોષ નથી.
અહીં તે-તે અધિકારી શિષ્ટાચારના મહિમાથી તેવા-તેવા વિધિવચનનું ઉન્નયન થાય છે. એમ કહ્યું તેથી એ પ્રાપ્ત થાય કે જે જીવો સાક્ષાત્ નિર્લેપ પરિણતિરૂપ ધર્મ કરવા સમર્થ નથી તોપણ સારી રીતે ધનાદિ કમાઈને, તેના દ્વારા ભગવદ્ભક્તિ આદિ કરીને સુંદર ભાવો કરી શકે તેવી પ્રકૃતિવાળા છે. તેઓ ન્યાયપૂર્વક ધન કમાઈને ધનનો વ્યય ગુણવાનની ભક્તિમાં કરીને ગુણ પ્રત્યેના પક્ષપાતવાળા થાય તેવા છે. તેવા અધિકારી શિષ્ટપુરુષોનો આચાર છે કે ન્યાયપૂર્વક ધન કમાય અને શક્તિ અનુસાર ધર્મમાં વ્યય કરીને ગુણના પક્ષપાતી બને. તેવા જીવો માટે ન્યાયપૂર્વક ધન કમાવું એ પણ ધર્મની પ્રવૃત્તિનું અંગ હોવાથી ધર્મપ્રવૃત્તિ છે. વળી, પોતાના જીવનમાં આપત્તિઓ ન આવે તેના માટે સારા-સુરક્ષિત સ્થાને ગૃહનું નિર્માણ કરવું તે પણ ધર્મ છે; કેમ કે અસ્થાને ગૃહનું નિર્માણ કરે અને આર્થિકાદિ સંયોગો વિષમ થાય ત્યારે દુર્ગાનાદિ કરીને આલોકમાં દુઃખી થાય અને પરલોકમાં પણ દુઃખી થાય. માટે તેના પરિવારના ઉપાયભૂત એવા ગૃહનું ઉચિત સ્થાને નિર્માણ કરવાથી આલોકમાં પણ ઉપદ્રવ વગરનું જીવન થાય છે અને પરલોક અર્થે ઉચિત ધર્મની પ્રાપ્તિ કરવામાં વિઘ્ન ન આવે તેવી પ્રવૃત્તિ થવાથી પરલોકમાં હિતની પ્રાપ્તિ થાય છે. માટે સારા સ્થાને ગૃહનું નિર્માણ પણ ધર્મનું અંગ છે. વળી, આદિ શબ્દથી અજીર્ણમાં ભોજનનો ત્યાગ ઇત્યાદિનું ગ્રહણ છે; કેમ કે અજીર્ણમાં ભોજન ત્યાગાદિની પ્રવૃત્તિ પણ તે તે ભૂમિકાના ગૃહસ્થ માટે શરીરની સ્વસ્થતાનું કારણ બનવાથી આલોક અને પરલોકના હિત માટે થાય છે.