________________
૧૬.
ધર્મસંગ્રહ ભાગ-૧ | શ્લોક-૩ ભગવાનના વચનના સ્મરણના બળથી નિયંત્રિત અનુષ્ઠાન કરાતું નથી પરંતુ અવિરુદ્ધ એવા વચનાનુસાર સહજભાવે જે અનુષ્ઠાન કરાય છે તે અસંગાનુષ્ઠાન છે. અથવા નિર્વિકલ્પ સ્વરસવાહિ પ્રવૃત્તિવાળું અસંગાનુષ્ઠાન છે. અર્થાત્ શુભ કે અશુભ સર્વ વિકલ્પો શાંત થયેલા હોવાથી વિકલ્પથી પર એવી જીવની સ્વાભાવિક અવસ્થા વર્તતી હોવાથી જે ઉચિત પ્રવૃત્તિ થાય છે તદ્દસ્વરૂપ અસંગાનુષ્ઠાન છે.
અહીં ગ્રંથકારશ્રીએ ધર્મનું લક્ષણ કરતી વખતે કહ્યું કે “અવિરુદ્ધ એવા વચનથી પ્રવૃત્તિ' ત્યાં વચન પ્રયોજ્ય તે પ્રવૃત્તિ છે, તેનો અર્થ કરવાનો છે. વચનથી નિયંત્રિત પ્રવૃત્તિ છે તેવો અર્થ કરવાનો નથી. તેથી પ્રસ્તુત લક્ષણ ચાર અનુષ્ઠાનમાં સંગત થાય છે; કેમ કે “વચનથી પ્રવૃત્તિ” તેનો અર્થ “વચનના સ્મરણથી નિયંત્રિત પ્રવૃત્તિ” તેવો કરીએ તો પ્રસ્તુત ધર્મનું લક્ષણ માત્ર વચનાનુષ્ઠાનમાં પ્રાપ્ત થાય. પરંતુ જે પ્રવૃત્તિનું પ્રયોજક વચન છે તેવો અર્થ સ્વીકારીએ તો ભગવાને જે કરવાનું કહ્યું છે તે પ્રમાણે જે પ્રવૃત્તિ થતી હોય તે સર્વપ્રવૃત્તિમાં સાક્ષાત્ કે પરંપરાએ પ્રયોજક ભગવાનનું વચન છે તેવો અર્થ થાય. તેથી અસંગાનુષ્ઠાન પણ વચનના સ્મરણપૂર્વક થતું નહિ હોવા છતાં વચનથી પ્રયોજ્ય છે. માટે વચનથી પ્રયોજ્ય પ્રવૃત્તિવાળું ધર્મનું લક્ષણ પ્રત્યાદિ ચાર અનુષ્ઠાનમાં-સંગત છે; કેમ કે પ્રીતિ-ભક્તિ અનુષ્ઠાન કરનારા જીવો પણ ભગવાનના વચન પ્રત્યેના રાગથી પ્રીતિપૂર્વક કે ભક્તિપૂર્વક તે અનુષ્ઠાન કરે છે અને અસંગાનુષ્ઠાનવાળા જીવો પણ ભગવાને જે રીતે મોહના વિકલ્પથી પર એવા આત્મભાવોમાં દઢ ઉદ્યમ કરવાનું કહ્યું છે તે પ્રમાણે પ્રવૃત્તિ કરે છે. વસ્તુતઃ અસંગાનુષ્ઠાનવાળા મહાત્મા પણ પૂર્વમાં ભગવાનના વચનના સ્મરણથી અનુષ્ઠાન કરતા હતા અને વચનના સ્મરણથી લેવાયેલા અનુષ્ઠાનના બળથી નિર્વિકલ્પદશાને પામે છે ત્યારે, વચનના સ્મરણ વગર સહજભાવથી આત્માના અસંગભાવને ફુરણ કરવાને અનુકૂળ ઉચિત પ્રવૃત્તિ કરે છે તેથી અસંગાનુષ્ઠાનમાં પણ વચનપ્રયોજ્ય પ્રવૃત્તિ છે.
વળી, ષોડશક ગ્રંથમાં જે ધર્મનું લક્ષણ કહ્યું છે તે ગ્રંથ પ્રમાણે પુષ્ટિ-શુદ્ધિવાળું ચિત્ત ધર્મ છે અને તે લક્ષણ ભાવધર્મનું લક્ષણ છે. અને તેવા ભાવધર્મથી યુક્ત એવી ક્રિયા વ્યવહારધર્મનું લક્ષણ છે. તેથી ગ્રંથકારશ્રીએ જે ધર્મનું લક્ષણ કહ્યું છે તે વ્યવહારધર્મનું લક્ષણ છે અને તે વ્યવહારધર્મ સમ્યક્ ત્યારે જ કહેવાય કે જે ધર્મની અંદરમાં પુષ્ટિ-શુદ્ધિવાળું ચિત્ત વર્તતું હોય એ પ્રમાણે ફલિત થાય છે. - અહીં ષોડશક ગ્રંથના આપેલા શ્લોકનો અર્થ “ગીતાર્થ ગંગા” દ્વારા પ્રકાશિત અમારા ષોડશક ગ્રંથમાંથી જાણી લેવો.
અહીં વિશેષ એ છે કે જે સાધક આત્મા પ્રણિધાનાદિ આશયપૂર્વક ધર્માનુષ્ઠાન સેવે છે તે વખતે જે ગુણોના પક્ષપાતવાળું ચિત્ત છે તે ચિત્તમાં ગુણનો રાગ વર્તે છે. તેથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. અને ગુણના રાગના ઉપયોગવાળું ચિત્ત ગુણના આવારક એવા કર્મનો ક્ષય કરે છે. તેથી કર્મના વિગમનથી આત્મામાં શુદ્ધિ પેદા થાય છે અને જે ઉપયોગથી પુણ્યબંધ અને કર્મના વિગમનથી આત્મામાં શુદ્ધિ થતી. હોય તેવો આત્માનો પરિણામ તે પુષ્ટિ-શુદ્ધિવાળું ચિત્ત છે. તે ભાવધર્મ છે અને તેવા ભાવધર્મથી યુક્ત ધર્માનુષ્ઠાનની ક્રિયા તે વ્યવહારધર્મ છે.