________________
ધર્મસંગ્રહ ભાગ-૧ / પ્રથમ અધિકાર | શ્લોક-૫ થી ૧૪ 1 વિચારણાપૂર્વક વ્યાપાર કરે તો વિનાશ થવાનો પ્રસંગ આવે નહિ અને પોતાની શક્તિનો વિચાર કર્યા વગર કોઈ એવું કાર્ય કરે તો વિનાશ થવાનો પ્રસંગ આવે. વળી, ધર્મના ક્ષેત્રમાં પણ પોતાના બલાબલનો વિચાર કરીને પ્રવૃત્તિ ક૨વામાં આવે તો જે પ્રકારના ધર્મને સાધવામાં પોતાનું સામર્થ્ય છે તે પ્રકારના ધર્મને સેવીને તે ધર્મનું ઉત્તમ ફળ પ્રાપ્ત કરે. બલાબલનો વિચાર કર્યા વગર પોતાની શક્તિથી ઉપરની ભૂમિકાનો ધર્મ જેઓ સ્વીકારે છે તેઓ શક્તિના અભાવને કારણે તે ધર્મના ફળને પામતા નથી. કેવલ બાહ્ય આચરણાના ક્લેશને પામે છે. જો વિચારક ગૃહસ્થ પોતાનું શારીરિક બળ, પોતાને અનુકૂળ સંયોગ, પોતાને અનુકૂલ કાલ અને પોતાના અનુકૂળ ભાવોને જોઈને ઉચિત ધર્મમાં પ્રવૃત્તિ કરે તો અવશ્ય ધર્મના ફળને પ્રાપ્ત કરે છે; કેમ કે શક્તિ અનુસાર સેવાયેલો બાહ્ય ધર્મ અંતરંગ ગુણવૃદ્ધિ કરીને હિતનું કારણ બને છે. આ રીતે ભોગાદિની પ્રવૃત્તિમાં પણ પોતાના બલાબલનો વિચાર કરીને ગૃહસ્થ પ્રવૃત્તિ કરે તો વિનાશ પામે નહિ અને બલાબલનો વિચાર કર્યા વગર ભોગાદિ કરે તો દેહનો વિનાશ, ધનનો વિનાશ અને ધર્મનો પણ વિનાશ પ્રાપ્ત કરે. માટે ગૃહસ્થે સર્વ કાર્યોમાં બલાબલનો વિચાર કરીને પ્રવૃત્તિ કરવી જોઈએ. વળી, ૫૨ની સાથે કોઈ કાર્યનો પ્રસંગ હોય તો ત્યાં બલાબલનો વિચાર કરીને પ્રવૃત્તિ ક૨વી જોઈએ. જેમ કોઈ રાજા હોય તો શત્રુરાજાના બલાબલનો વિચાર કરીને સામનો કરે તો અનર્થની પ્રાપ્તિ કરે નહિ અને વિચાર્યા વગર કરે તો વિનાશને પામે.
૭.
બલાબલના વિચારપૂર્વક પ્રવૃત્તિ કરવામાં સાક્ષીપાઠ આપ્યો તેનો અર્થ આ પ્રમાણે છે
બલાબલની વિચારણામાં શમ પરિણામવાળા પુરુષો શક્તિથી સ્થાને વ્યાયામ કરે અર્થાત્ વિચારક પુરુષ સ્વશક્તિનો વિચાર કરીને સ્થાને યત્ન કરે તો ઇષ્ટ એવા કાર્યની વૃદ્ધિ થાય છે. અને જેઓ પોતાના બલાબલનો વિચાર કર્યા વગર અસ્થાને આરંભ કરે છે તેઓનો આરંભ વિનાશનું કારણ છે.
બલાબલની વિચારણા કઈ રીતે કરવી જોઈએ ? તે બતાવવા માટે ઉદ્ધરણ આપે છે –
વર્તમાનનો કાલ કયો છે ? અર્થાત્ આ કાલમાં કરાયેલ કૃત્ય મને ફળ આપશે કે નહિ ? તેનો વિચાર ક૨વો જોઈએ. મારા મિત્રો કેવા છે ? અર્થાત્ આ કૃત્ય કરતાં આપત્તિ આવશે તો તેમાં સહાયક થાય તેવા મિત્રો છે કે નહિ ? તેનો વિચાર કરવો જોઈએ. આ દેશ કેવો છે ? જેથી હું કાર્ય કરું અને આપત્તિ આવે તો દેશ સહાયક થાય તેવો છે કે નહિ ? તેનો નિર્ણય કરે. અર્થાત્ નીતિમાન રાજા હોય તો સહાયક થાય, અન્યથા ન થાય. તેનો વિચાર કરે અને આ પ્રવૃત્તિમાં શું વ્યય થાય તેમ છે ? શેની પ્રાપ્તિ થાય તેમ છે ? તેની વિચારણા કરી પ્રવૃત્તિ કરે. હું કોણ છું ? અર્થાત્ હું ગૃહસ્થ છું ? હું સાધુ છું ? અથવા હું કયા કુલાદિનો છું ? ઇત્યાદિનો વિચાર કરે. અને મારી શું શક્તિ છે ? અર્થાત્ જે કાર્ય સ્વીકારવા માટે હું તત્ત્પર થયો છું તે કાર્યમાં મારી શું શક્તિ છે ? ઇત્યાદિની વારંવાર વિચારણા કરીને પ્રવૃત્તિ કરવી જોઈએ.
આ રીતે જે ગૃહસ્થ બલાબલનો વિચાર કરીને સર્વ વ્યવહાર કરે છે તેઓના સર્વ પુરુષાર્થ એકાંતે આલોક અને પરલોકના હિતનું કારણ બને છે. માટે બલાબલની વિચારણા પણ ધર્મનું અંગ છે. ૩૧ I૧૩